ઝારખંડના આદિવાસીઓનું આંદોલન તબક્કાવાર વધુ વેગ પકડતું જાય છે

છેલ્લા કેટલાક સમયથી ઝારખંડમાં આદિવાસીઓનું એક બળકટ આંદોલન ચાલે છે. જેને પથ્થરગઢી આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. પથ્થરગઢી એટલે પથ્થરમાં લખેલા શીલાલેખને એક જગ્યાએ સ્થાપવો. ઝારખંડમાં આદિવાસીઓએ ઠેર ઠેર પાળિયા જેવા પથ્થરોમાં પોતાની વાત કહી છે,આદિવાસી પંચાયત જે સામાન્ય પંચાયતોથી અલગ હોય છે તેના હુકમો પથ્થરોમાં લખવામાં આવ્યા છે. આ આંદોલનનું મુખ્ય કારણ આદિવાસીઓને થતા અન્યાય છે. સમગ્ર દેશમાં આદિવાસીઓની વાતને સમજનારા નેતાઓનો દુષ્કાળ છે. ગાંધીજીના પ્રભાવતળે તૈયાર થયેલા નેતાઓએ એક જમાનામાં બહુ સાદગીપૂર્વક આદિવાસીઓ વચ્ચે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને સેવાઓ કરેલી છે. હવે તો આદિવાસીઓ વચ્ચે જઈને સેવા કરનારા લોકો જૂજ છે. કેટલીક એનજીઓ આદિવાસીઓની સંસ્કૃતિને જાળવવા માટે કામ કરે છે તો સરકાર એને પોતાના શત્રુ તરીકે જુએ છે.
આઝાદી પછીના અરસામાં સરકારે કોઈ ને કોઈ લોભલાલચના ટુકડાઓ ફેંકીને વનકાંઠે વસતા ગ્રામજનોને સમજાવતા રહેવાનો ક્રમ જાળવ્યો તે હવે ચાલે એમ નથી. આદિવાસીઓને સૌથી વધુ પરેશાન કરતો મુદ્દો જમીનનો છે. આદિવાસીઓના હકની જમીનથી એમને કઈ રીતે વંચિત રાખવા એ દિશામાં જ ઝારખંડના સરકારી અધિકારીઓએ કામ કર્યું છે. આજે ગુજરાતના જે આદિવાસીઓ જંગલ વિસ્તારમાં વસે છે તેનો પરંપરાથી તમામ વન પેદાશો પર હક લાગે છે. પરંતુ સરકાર અને એમના વનખાતાના અધિકારીઓ આ વાત સ્વીકારતા નથી. પંચમહાલના આદિવાસીઓ માટે મહુડો તો જીવનનું મુખ્ય રસાયણ છે. મહુડા વિના એમનો સુખનો કે દુ:ખનો એક પણ પ્રસંગ ઉકલે નહિ. મહુડો શરાબની વ્યાખ્યામાં આવતા તમામ આકરા કાયદાઓ લાગુ થાય તે સ્વાભાવિક છે.
આદિવાસી નેતાઓની રજૂઆત એટલી છે કે સરકાર ખુદ આદિવાસીઓની જીવનરીતિ, એની સંસ્કૃતિ અને રીતરિવાજનો એકવાર અભ્યાસ કરે અને પછી નક્કી કરે કે ગુજરાત સરકારના કેટલા કાયદાઓ સાથે કઈ રીતે આદિવાસીઓની પરંપરાની ટક્કર છે અને એ વિરોધાભાસ નિવારવા શું કરવું જોઈએ. રાજ્યના કાયદાઓના ઘેરાવામાં જ જો તમામ આદિવાસીઓને સમાવી લેવામાં આવે તો એમનું મૂળભુત ટ્રાઈબલ કલ્ચર વિનાશ પામે. આ સમસ્યાને સરકારે આપણે ત્યાં પણ ગંભીરતાથી લીધી નથી. એ પણ હકીકત છે કે ઝારખંડ સરકારને આદિવાસી સંસ્કૃતિની પુન: પ્રતિષ્ઠા કરવામાં કોઈ રસ નથી. છેલ્લા વરસોમાં સરકારે આદિવાસીઓ સાથે સ્પષ્ટરૂપની કોઈ વાટાઘાટો કરી નથી. ગયા વરસે પથ્થરગઢી આંદોલને માથું ઊંચક્યું ત્યારે પણ સરકારે પોલીસ કાર્યવાહી સિવાય કોઈ પગલા લીધા ન હતા. હવે તો પરદા પાછળથી માઓવાદીઓ પ્રવેશવા ચાહે છે. ગઈકાલે જ માઓવાદીઓએ જાહેર કર્યું કે પથ્થરગઢી આંદોલનને તેમનો સંપૂર્ણ ટેકો છે.
વનખાતાના નિયમ પ્રમાણે જંગલમાંથી વન પેદાશો બહાર લઈ જવા પર પ્રતિબંધ છે. ડાંગના કુકણી આદિવાસીઓમાંથી કેટલાક નજીકના જંગલમાંથી મધપૂડાઓમાંથી મધ ઝારીને એનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ વનખાતાના કાયદાઓ એને એમ કરવાની માન્યતા આપતા નથી. એની સામે હકીકત એ છે કે વન પેદાશો અને આયુર્વેદિક વનસ્પતિઓ આજે દેશના મહત્ આદિવાસીઓની આર્થિક જીવાદોરી છે. ઝારખંડમાં પથ્થરગઢી આંદોલન એટલું આગળ વધી ગયું છે કે અનેક ગ્રામ વિસ્તારોમાં આદિવાસી નેતાઓએ જાતે જ કાયદા ઘડીને શીલાલેખો મૂકી દીધા છે. તેઓ પોતાના આ નિયમોની ઉપર ભારતનું બંધારણ એવું શીર્ષક પણ લગાવે છે.
પહેલી નજરે આ બધા એમના અપરાધ લાગે છે. પરંતુ તેઓ એમ કહે છે કે અમે અહીં અમારા જે તે સંબંધિત વિસ્તારોના બહુ પ્રાચીન કાળથી વસવાટી વતનીઓ છીએ અને અહીં અમારી માટીની મહેંક વચ્ચે અમને અને અમારી સંસ્કૃતિને શ્વાસ લેવા અને જીવંત રહેવાનો અવકાશ મળે એટલી સ્વતંત્રતા તો અમને આપવી જ જોઈએ. આદિવાસીઓ કોઈ રીતે રાષ્ટ્ર વિરોધી નથી. તેઓ નક્સલવાદી નથી. હા, અત્યારે જે નક્સલવાદીઓ છે તેમાં ગ્રામવાસીઓ અને આદિજાતિના લોકો છે. એક માન્યતા પ્રમાણે માઓવાદીઓ હંમેશા અન્યાયનો ભોગ બનેલાઓને પોતાના સંગઠનમાં સામેલ કરે છે.
ઝારખંડના આદિવાસીઓની લડત પોતાના વિસ્તારોમાં આદિવાસી પરંપરા પ્રમાણેની હકૂમત ફરી સ્થાપવાની લડત છે. જો કે આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અવિધિસર રીતે તો આદિવાસી પંચાયતના જ હુકમો ચાલે છે. જેમ આપણે ત્યાં ડાંગ દરબારની પરંપરા હજુય જળવાયેલી છે એમ. પરંતુ પથ્થરગઢી આંદોલનમાં એક નવો વળાંક હમણાં એ આવ્યો છે કે આદિવાસીઓ હવે તેમના વિસ્તારોમાં બિન આદિવાસીઓ ન પ્રવેશે તે માટેના શીલાલેખો પાળિયાની જેમ ઠેર ઠેર લગાવે છે. એનાથી સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ સાથેની અથડામણો વધી છે. જે હવે તબક્કાવાર સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમવા લાગી છે.
સરકારે આજ સુધીમાં આદિવાસી મહાસભાના નેતાઓ અને વિવિધ ગ્રામ પંચાયત તથા આદિવાસી પંચાયતના અનેક નેતાઓને જેલભેગા કરેલા છે. ગયા સપ્તાહે પથ્થરગઢી આંદોલનના નેતાઓએ સાતથી આઠ ગ્રામીણ અગ્રણીઓના અપહરણ કર્યા હતા અને પોલીસ એમને છોડાવે એ પહેલા આંદોલનકારીઓને અપહૃતોની કરપીણ હત્યા કરી નાંખી. એ ઘટના પછી હવે સ્થાનિક વહીવટી તંત્ર અને પથ્થરગઢી પથ્થરગઢી આંદોલનકારીઓ વચ્ચે વાટાઘાટોનો પુલ પણ તૂટી ગયો છે. ઝારખંડની સરકાર પથ્થરગઢી આંદોલનના સર્વ વૃત્તાંતોને છુપાવે છે અને આદિવાસી વિસ્તારોમાં પોલીસ કુમક વધારતી જ જાય છે. આ સ્થિતિને કારણે પહેલીવાર ઝારખંડ એવું રાજ્ય છે કે જ્યાં નક્સલવાદનો આશ્રય લીધા વિના આદિવાસીઓ સશસ્ત્ર સંઘર્ષ કરવા મેદાનમાં ઉતર્યા છે.
રાજ્યની વિધાનસભા કે સંસદમાં ઘડાયેલા કોઈ કાનૂન પોતાના વિસ્તારમાં લાગુ ન હોવાના શિલાલેખો પણ હવે ઝારખંડમાં જોવા મળે છે. એક આખું સમાંતર વ્યવસ્થાતંત્ર આંદોલનકારીઓને ઊભું કર્યું છે. જેના દ્વારા મતાધિકાર પત્ર, જન્મ-મૃત્યુ પ્રમાણ પત્ર અને જમીન-મકાનના દસ્તાવેજો પણ આપવામાં આવે છે. બ્રિટિશરોએ ઈ.સ. 1935માં ઝારખંડના આદિવાસીઓને જે કેટલાક વિશેષાધિકારો આપ્યા હતા, જે ભારતનું બંધારણ અમલી બનતા, આપોઆપ રદ થયા હતા, એ જૂના ખતપત્રો અને અધિકારને આધારે આંદોલનકારીઓ લડત આગળ ધપાવી રહ્યા છે. મૂળભુત રીતે ઝારખંડના આદિવાસીઓ શાંતિ પ્રિય છે. પરંતુ હવે ઝારખંડમાં તમામ આદિવાસી વિસ્તારોમાં પથથરગઢીની આગ ફેલાવા લાગી છે. રાજ્યના મુખ્યમંત્રી માટે આ એક કપરી કસોટી છે. સોરેનની તકલીફ એ છે કે તેઓ વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી.