ટીકીટમાં 60 વર્ષની મર્યાદા : જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ખળભળાટ

  • 30/35 વર્ષે સેવા શરૂ કરી 25/30 વર્ષ સેવા કરી અને હવે ફળરૂપી ટીકીટનો વારો આવ્યો 
  • 60 વર્ષ અને ત્રણ ટર્મનો નિયમ કોર્પોરેશનમાં જ છે કે જિલ્લા તાલુકા પંચાયત અને પાલિકાઓ સાથે ધારાસભા અને સંસદમાં પણ છે ?: સતત પુછપરછ

અમરેલી,
નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ નજીક આવી ગઇ છે અને અમરેલી જિલ્લામાંથી એકલા ભાજપમાંથી દોઢ હજાર જેટલા ઉમેદવારોએ ચુંટણી લડવા માટે તૈયારીઓ દર્શાવી છે તેવા સમયે ભાજપમાંથી પ્રદેશ પ્રમુખ દ્વારા 60 વર્ષની ઉપરના અને 3 ટર્મથી હોદા ઉપર રહેલા કાર્યકરોને ટીકીટો ન આપવા માટે કરાયેલી જાહેરાતને લઇને અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો હજુ એ સ્પષ્ટતા નથી કરી શકતા કે આ જાહેરાત કોર્પોરેશન પુરતી છે કે પછી જિલ્લા તાલુકા પંચાયતો કે પાલિકા છેક ધારાસભા સંસદ સુધીની છે પણ જિલ્લાભરમાંથી ભાજપના પીઢ આગેવાનોએ ફોન ઉપર પક્ષના હોદેદારો પાસે હૈયા વરાળ ઠાલવી હતી કે 30/35 વર્ષની ઉમરે પાર્ટીમાં સક્રિય સેવા શરૂ કરી 25/30 વર્ષ સેવા કર્યા પછી ફળરૂપી ટીકીટનો વારો આવ્યો ત્યારે ટીકીટ ન આપવાની વાત વ્યાજબી છે ? સાથે સાથે 3 ટર્મમાં સતત ચુંટાતા કે અલગ અલગ સમયે 3 વખત ચુંટાયેલા કાર્યકરને ટીકીટ નહી મળે તેની પણ સ્પષ્ટતા નથી પણ દાવેદારીના ફોર્મમાં તે મુદો ભરવાનો આવ્યો છે જો કે 2015ની ગઇ ચુંટણીમાં અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા જેના કારણે 90 ટકા ઉપરાંતના કાર્યકરોએ પાટીદાર અનામત આંદોલનને કારણે પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો એ હારને ત્રીજી ટર્મમાં ગણાશે કે કેમ તે પણ સવાલ છે સાથે સાથે આ નિયમ ધારાસભા અને લોકસભામાં પણ છે કે કેમ તેની પણ ખાસ્સી ચર્ચા ચાલી હતી.
અમરેલી જિલ્લામાં હાલમાં 20 ટકા જેટલા ભાજપના સક્રિય કાર્યકરોની ઉમર 60 વર્ષની ઉપર છે તેને લઇને એક મુદો ખુબ ચર્ચિત બન્યો છે ભાજપ સુત્રોના જણાવ્યા અનુસાર દોઢ હજાર જેટલા દાવેદારોના ફોર્મ માટે જિલ્લા સંકલન સમિતીની બેઠક ચાર પાંચ દિવસમાં મળશે અને તેમાં પેનલ સહિતની ચર્ચા કરી નામો મોકલાય અને પ્રદેશ નિર્ણય કરે ત્યારે આ બાબતની ખબર પડશે બાકી અત્યારે તો પ્રદેશની ગાઇડલાઇન પ્રમાણે ચાલવાનું રહેશે.