ટીના અંબાણીએ શશી કપૂરની જન્મતિથિ પર જૂની યાદો વાગોળી, કહૃાું-’તમારી ખોટ લાગે છે’

બોલિવુડના અભિનેત્રી રહી ચૂકેલા ટીના અંબાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોતાના નજીકના મિત્રો અને પરિવારજનોની બર્થ ડે, એનિવર્સરી કે કોઈપણ ખાસ દિવસ પર ટીના અંબાણી શુભેચ્છા આપવાનું ભૂલતા નથી. આજે કપૂર પરિવારના સભ્ય અને એક્ટર શશી કપૂરની જન્મતિથિ છે. આજના દિવસે શશી કપૂરને યાદ કરીને ટીના અંબાણીએ જૂની યાદો વાગોળી છે.

ટીના અંબાણીએ શશી કપૂર સાથેની જૂની તસવીર શેર કરીને લખ્યું, ’તેઓ હવે શશી કપૂર જેવા લોકો બનાવતા નથી. મિલનસાર, હેન્ડસમ, વિદ્વાન અને શ્રેષ્ઠ. તમારી હાજરી અને એ જૂના દિવસોને મિસ કરું છું. તમારી બર્થ ડેને સેલિબ્રેટ કરું છું.’ લાલ ડ્રેસમાં ટીના મુનિમ (અંબાણી) સુંદર લાગતાં હતા જ્યારે શશી કપૂર હંમેશાની જેમ હેન્ડસમ.

શશી કપૂર અને ટીના અંબાણીએ ’અલગ અલગ’, ’પ્યાર તો હોના હી થા’, ’એક દો તીન ચાર’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શશી કપૂરને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરાયા હતા. ઉપરાંત ૨૦૧૧માં પદ્મ ભૂષણ પણ મળ્યો હતો. શશી કપૂરને ’શર્મિલી’, ’આ ગલે લગજા’, ’જબ જબ ફૂલ ખીલે’, ’દિવાર’, ’નમક હલાલ’, ’ચોર મચાયે શોર’, ’કભી કભી’, ’રોટી કપડા ઔર મકાન’, ’સિલસિલા’, ’દો મુસાફિર’, ’કાલા પથ્થર’, ’શાન’ વગેરે જેવી ફિલ્મો માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ૪ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ ૭૯ વર્ષની વયે શશી કપૂરનું અવસાન થયું હતું.