ભારતીય ક્રિકેટ ટીમના ઓપનરના પ્રશંસકોમાં પૂર્વ મુખ્ય કોચનો પણ થયો સમાવેશ
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શુભમન ગિલના પ્રશંસકોમાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો સમાવેશ પણ થયો છે. શાસ્ત્રીના મતે ભારતના આ યુવા બેટ્સમેનમાં કંઈક ખાસ છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ગિલ શ્રેષ્ઠ ફોર્મમાં જણાય છે. ગુરુવારે પ્રથમ વન-ડેમાં ગિલે ૫૦ રન કર્યા હતા અને રવિવારે વરસાદને પગલે બીજી મેચ ધોવાઈ ગઈ હતી જેમાં ગિલે ૪૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. શાસ્ત્રીએ ગિલની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેને રમતો જોવો સારો એક લ્હાવો છે. તેની બેટિંગ કંઈક ખાસ છે. તેની પાસે શાનદાર સ્કીલ છે અને શુભમન લાંબા સમય સુધી ટીમનો હિસ્સો રહેશે. ગિલ મહેનત કરવાથી ગભરાતો નથી અને તેનામાં સફળ થવાની ભૂખ હજુ પણ જોવા મળે છે. આ રમત સાથે તેને ઊંડો લગાવ છે અને તે જમીન સાથે જોડાયેલો છે. ૨૩ વર્ષીય ગિલે ૨૦૧૯માં વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ તે ૧૪ વન-ડેમાં રમ્યો છે અને ૬૧.૨૭ની એવરેજથી ૬૭૪ રન કર્યા છે. આ ઉપરાંત તેણે ૧૧ ટેસ્ટમાં ૫૭૯ રન પણ કર્યા છે. બીજી વન-ડેમાં ગિલે બોલને ટાઈમિંગ કરવા પર વધુ ભાર આપ્યો હતો. ક્યારેક તમે લયથી બહાર હોવ છો ત્યારે બોલને વધુ સખત રીતે મારવા પ્રયાસ કરો છો. ગિલે આજે શ્રેષ્ઠ ફૂટવર્ક સાથે બોલ પર સારું નિયંત્રણ મેળવ્યું હતું તેમ રવિ શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું.