ટી-૨૦માં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો માર્ટિન ગુપ્ટિલ

ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલએ ટી-૨૦માં એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી-૨૦ મેચમાં ૮ સિક્સર લગાવીને ગુપ્ટિલ ટી-૨૦માં સૌથી વધુ સિક્સર લગાવનાર ખેલાડી બની ગયો છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુપ્ટિલે ૫૦ બોલમાં ૯૭ રનની ઇનિંગ રમી હતી. જેમા તેમણે ૬ ફોર અને ૮ સિક્સર ફટકારી હતી. આ મેચ બાદ ટી-૨૦ ઈન્ટરનેશલ ક્રિકેટમાં ગુપ્ટિલના ૧૩૨ સિક્સર થઈ ગઈ છે. તો બીજી તરફ ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ ૧૦૮ મેચમાં ૧૨૭ સિક્સર ફટકારી છે. અન્ય કોઈ ખેલાડી ૧૨૦ સિક્સર સુધી પણ નથી પહોંચી શક્યો.

જો કે ગુપ્ટિલ ટી-૨૦માં ત્રીજી સદી પુરી કરવામાં ચુકી ગયો હતો. રોહિતે ૪ સદી ફટકારી છે. ટી-૨૦માં સૌથી વધુ રન બનાવવાના મામલે ગુપ્ટિલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી ત્રીજા ક્રમે છે. કોહલી ૨૯૨૮ રન સાથે ટોપ પર છે. રોહિત શર્મા ૨૭૭૩ રન સાથે બીજા ક્રમે અને ગુપ્ટિલ ૨૭૧૮ રન સાથે ત્રીજા ક્રમે છે.