ટ્રકે બાઇકને ટક્કર મારતાં ૧નું મોત, ૧ની હાલત ગંભીર

અંક્લેશ્ર્વર રહેતો શખ્સ તેની ભાણેજ સાથે બાઇક પર વડોદરા જઇ રહૃાો હતો. તે વેળાં ભરૂચ હાઇવે પર વગુસણા ગામ પાસેથી પસાર થતાં સમયે એક ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં ફુઆ-ભાણેજ બન્ને જમીન પર પટકાયાં હતાં. અકસ્માતમાં ફુઆનું માથામાં ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાના વતની અને હાલમાં અંક્લેશ્ર્વરની રાજપીપળા ચોકડી પાસે આવલાં ભાવના ફાર્મ ખાતે રહેતાં ઓમપ્રકાશ કિશોરલાલ શર્માની સાળાની પુત્રી આરતી શાંતીલાલ હજારીલાલને લઇને અંક્લેશ્ર્વરથી બાઇક પર કામ અર્થે વડોદરા જવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં ભરૂચ હાઇવે પરથી પસાર થતાં સમયે વગુસણા ગામના પાટિયા પાસેથી પસાર થતી વેળાં તેમની બાઇક બીજા નંબરના ટ્રેક પર ચાલી રહી હતી. ત્યારે પહેલાં ટ્રેક પર ચાલતી ટ્રકના ચાલકે અચાનક બીજા નંબરના ટ્રેક પર આવી તેમની બાઇકને ટક્કર મારતાં બન્ને રોડ પર ફેંકાઇ ગયાં હતાં. જેમાં ફુઆ ઓમપ્રકાશને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતકના ભાઇ સિતારામ શર્માએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.