ટ્રમ્પ જૂનિયરના વિશ્વ નક્શામાં જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ નહીં

  • થરુર-અબ્દૃુલ્લાએ વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન

 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ કરેલા એક ટ્વીટે રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા દુનિયામાં એક અલગ પ્રકારની ચર્ચાને જન્મ આપ્યો છે. ટ્રમ્પના પુત્રએ વિશ્વના તમામ દેશોમાં પોતાના પિતાના સમર્થનને દર્શાવવાના ચક્કરમાં વિશ્વને બે રંગો (લાલ અને વાદળી)માં વિભાજિત કરી દીધી છે.
વિશ્વના નક્શામાં અમેરિકાને રિપબ્લિક રંગનું પ્રતિનિધિત્વ કરતા લાલ રંગમાં દર્શાવાયું છે, પરંતુ ભારત, ચીન, મેક્સિકો અને આફ્રિકાના લાઈબેરિયાને વાદળી રંગમાં દર્શાવાયા છે.
આટલું જ નહીં, અમેરિકન રાજ્યો કેલિફોર્નિયા અને મેરીલેન્ડ, જ્યાં ભારતીયોની વસ્તી વધારે છે તેને પણ વાદળી રંગે રંગવામાં આવ્યાં છે. આ સાથે જ જૂનિયર ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, સારુ છે આખરે મારા અનુમાન પ્રમાણે ચૂંટણી નક્શો લગભગ તૈયાર થઈ ચૂક્યો છે.
ખાસ વાત એ છે કે, ટ્રમ્પ જૂનિયરે આ હાસ્યાસ્પદ નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારત કરતાં અલગ વિચારધારા વાળા દર્શાવ્યાં છે. નક્શામાં બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશો (જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ) અને પૂર્વોત્તરના રાજ્યોને લાલ રંગમાં દર્શાવ્યાં છે. જ્યારે આ સિવાયના સમગ્ર ભારતને વાદળી રંગમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
જૂનિયર ટ્રમ્પના ટ્વીટને પગલે ભારતમાં રાજકારણ ગરમાયું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દૃુલ્લા સહિત અનેક વિપક્ષના નેતાઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. અબ્દૃુલ્લાએ કટાક્ષમાં અમેરિકા-ભારતના સબંધો અને વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચેના સબંધોનો ઉલ્લેખ કર્યો છે.