- ઠેબી ડેમમાં સંપાદન વગરની જમીન ડુબમાં જવાના મામલે સિંચાઇ વિભાગ દ્વારા પાલિકાને બીજો પત્ર પાઠવાયો
- સિંચાઇ વિભાગ દ્વારા પાલિકાને અમરેલીની પાણીની જરૂરીયાત કેટલી છે તેની વિગતો જાણવા માટે બે બે વખત પત્ર પાઠવાયા : પાલિકા દ્વારા કોઇ પ્રત્યુતર નહી
- ડુબમાં ગયેલી જમીનોને બચાવવા ઠેબીની સપાટી ઓછી કરવા માટે સિંચાઇ વિભાગ દ્વારા સરકારમાં દરખાસ્ત કરાયા બાદ હવે સરકાર નિર્ણય કરશે
અમરેલી,
અમરેલીના 24 વર્ષે છલોછલ ભરાયેલા અને અમરેલીના પીવાના પાણી માટે અનામત રખાયેલા ઠેબી ડેમની સપાટીને કારણે જેમની જમીનનું સંપાદન નથી કરાયુ તેવી ખેતીની જમીનોને માઠી અસર થતા તે જમીનોમાંથી ઓછુ થાય તે માટે ઠેબી ડેમની સપાટી ઓછી કરવા માટેનો મામલો હવે સરકાર પાસે પહોંચ્યો છે.
અમરેલી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી રાઠોડ દ્વારા અમરેલી નગરપાલિકાને અગાઉ એક પત્ર લખાયો હતો કે અમરેલીની જનતાને ઠેબીમાંથી પાણી અપાય છે અને પાલિકાને તે માટે કેટલા પાણીની જરૂરીયાત છે અને કેટલો વપરાશ છે તેની વિગતો મંગાઇ હતી જેનાથી સરકારમાં સિંચાઇ વિભાગ વિગતો મોકલી અને ડેમની સપાટી કેટલી ઓછી કરવી તે નિર્ણય સરકાર કરી શકે પરંતુ સિંચાઇ વિભાગના પહેલા પત્રનો પાલિકાએ કોઇ જવાબ ન આપતા ગઇ કાલે ફરી સિંચાઇ વિભાગ દ્વારા પાલિકાને પત્ર પાઠવી વિગતો માંગવામાં આવી છે અને સરકારમાં પણ ઠેબી ડેમની સપાટીને કારણે જમીનોને થયેલી અસર અંગે વિસ્તૃત અહેવાલ – દરખાસ્ત સિંચાઇ વિભાગ દ્વારા સરકારમાં મોકલી આપવામાં આવી છે હવે ઠેબી ડેમની સપાટી ઓછી કરવી કે કેમ? અને ઓછી કરવાની થાય તો કેટલા ફુટ ઓછી કરવી તે નિર્ણય સરકાર લેશે.