ડાંગમાં યુવક ઓનલાઈન બાઈક ખરીદી કરવા જતાં બન્યો ઓનલાઈન ફ્રોડનો શિકાર

સુબિરના યુવાને ઓનલાઈન બાઈક ખરીદી કરવાનાં ચક્કરમાં ૨૫,૫૦૦ ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા પોલીસ મથકમાં ફરીયાદ કરી

ડાંગના સુબીર ગામના ૨૨ વર્ષીય સુનીલ પવાર પોતાના મોબાઈલમાં ફેસબુકના માધ્યમથી માર્કેટ પ્લેસમાં જૂની સેકેન્ડ હેન્ડ બાઈક જોઈ રહૃાો હતો. તે સમયે ફેસબુકમાં એક સ્પેલન્ડર પલ્સ સેલ્ફ ડ્રમ કાસ્ટ, કલર બ્લેક સિલ્વર સ્ટાર ગાડી ગમી જતા આ યુવાને ગાડીના ફોટા સાથે આપેલા મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. અને આપેલા મોબાઈલ નંબરવાળા વ્યક્તિ સાથે વાતચીત કરી બાઈકના ૧૮ હજાર નક્કી કરેલા હતા. આ બાઈક વેચવાવાળા વ્યક્તિએ આ યુવાનને આર.સી બુકનો ફોટો વ્હોટશોપ પર મોકલી વિશ્ર્વાસમાં લઇ જણાવેલું કે ફોન પે દ્વારા નાણાં જમા કરાવી આપો. ત્યારબાદ પાર્સલમાં બાઈક આવી જશે. એમ જણાવતાં યુવકે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ યુવાને પહેલાં તો ૮ હજાર અને બાદમાં ૧૦ હજારનું પેમેન્ટ જમા કરી દીધુ હતુ. છતાં પણ બાઈક મળી ન હતી. જેથી મોબાઈલ નંબરવાળા ઈસમ દર્શનકુમાર ઇંદરસિંગને ફોન કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, બીજા ૭૫૦૦ ડિલિવરી ચાર્જ લાગશે. જેથી આ યુવાને ફરી ફોન પે મારફતે દિનેશ મીના નામના એકાઉન્ટમાં સાડા સાત હજાર નાખ્યા હતા. પરંતુ બાઈકની ડિલિવરી આજદિન સુધી ન મળતા આ યુવાન છેતરપીંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થયો હતો. સુબિરના યુવાને ઓનલાઈન બાઈક ખરીદી કરવાનાં ચક્કરમાં ૨૫,૫૦૦ ગુમાવી છેતરપીંડીનો ભોગ બનતા છેતરપીંડી કરનાર આરોપી એવા દર્શનકુમાર ઇદરસિંગ મુ.પો.સી-૪-૫- બિંદૃુ બ્લોક ઘોડાસર અમદાવાદ ઇસ્ટ સામે ડાંગ જિલ્લાનાં સુબિર પોલીસ મથકમાં ફરીયાદ આપતા સુબિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.