ડુંગર, સાજણવાવની નદીઓમાં પુર : ખેતરોમાં પાણી ભરાયાં

રાજુલા, રાજુલાનાં ડુંગર અને સાજણવાવની નદીઓમાં ઉપરવાસમાં ત્રણ દિવસથી સતત વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાયા ઉપરાંત ખેતરોમાં પણ બે ઇંચ જેવું પાણી ભરાઇ ગયું છે. જ્યારે રાજુલાનાં દાતરડી ગામ નજીક ખાડામાં વરસાદનાં પાણી ભરાઇ જતા ભાવનગર, સોમનાથ નેશનલ હાઇવે બંધ થઇ જતા બંને બાજુ વાહનોનાં થપ્પા લાગ્યા હતાં. હવામાન વિભાગ દ્વારા આગાહીનાં પગલે સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે તાલુકામાં હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગઇ કાલે સતત બિજા દિવસે પણ વરસાદનું આગમન થતા વહેલી સવારથી અવિરત હળવો ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે સાજણવાવ અને ડુંગરની નદીમાં પુર આવતા ડુંગર, મોરંગી, ડોળીયા, કુંભારીયા અને આસપાસનાં ગામડાઓમાં અસર જોવા મળી હતી. પીપાવાવ દરીયાઇ પોસ્ટલ વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. દાતરડી, પીપાવાવ, વિક્ટર સહિતનાં વિસ્તારોમાં વરસાદનું પાણી ડુંગરની સુકવો નદીમાં આવ્યું હતું. જાફરાબાદનાં લોર, પિછડી અને આસપાસનાં ગામોમાં પણ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયાં હતાં. દાતરડી નજીક ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેમાં ખાડા પડી જવાને કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહીં કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ દ્વારા કામગીરી અધ્ાુરી અને ધીમીગતીએ થતા છેલ્લા ત્રણ વર્ષથી આ ગંભીર સમસ્યાને કારણે ફરી પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો પરેશાન છે. બીજી તરફ ટ્રાફિકજામનાં બનાવો અવાર નવાર બને છે. આજે બપોર બાદ ભારે પ્રયાસોનાં અંતે રોડ ખુલ્લો થયો હતો