અમેરિકામાં ગૂગલે પોતાના ગ્રાહકોની સંમતિ વિના તેમના લોકેશનની વિગતો શેર કરવાના કેસમાં અમેરિકાની સરકાર સાથે સમાધાન કરવું પડ્યું તેના પગલે ભારતમાં ડેટા પ્રોટેક્શન બિલ ક્યારે આવશે તેની ફરી ચર્ચા શરૂ થઈ છે. ગૂગલ આ મામલે પોતાની સામેની તપાસ બંધ કરવા માટે અમેરિકાની સરકારને ૩૯.૨ કરોડ ડૉલર એટલે કે લગભગ ૩૧૫૦ કરોડ રૂપિયા ચૂકવશે. આ સમાધાનના પગલે કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટિપ્પણી કરી છે કે, ભારતમાં પણ આ રીતે ગ્રાહકોનો પર્સનલ ડેટા સાચવતી અને તેને પ્રોસેસ કરતી કંપનીઓ નિયમોનો ભંગ કરશે તો તેમણે પણ દંડ ભરવો પડશે. સૂચિત ડેટા પ્રોટેક્શન બિલમાં કંપનીઓ પર આકરા દંડની જોગવાઈ કરાશે.
રાજીવ ચંદ્રશેખરની વાતને પગલે એવી ચર્ચા પણ શરૂ થઈ ગયેલી કે, મોદી સરકાર બુધવારે સૂચિત ડેટા પ્રોટેક્શન બિલનો ડ્રાફ્ટ જાહેર કરશે. આ બિલમાં શું હશે તેની વિગતો પણ ફરવા માંડેલી. મોદી સરકારે ડ્રાફ્ટ તો જાહેર નથી કર્યો પણ તેની કેટલીક વિગતો બહાર આવી છે.
આ વિગતો પ્રમાણે ગ્રાહકોનો પર્સનલ ડેટા સાચવતી અને તેને પ્રોસેસ કરતી કંપની આ ડેટાને લીક થતો રોકવાના યોગ્ય સુરક્ષા ઉપાયો કરવામાં નિષ્ફળ જાય તો તેનો ૨૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ થશે. કંપની ખાનગી ડેટા ઉલ્લંઘનના કારણે પ્રભાવિત લોકોને સમયસર ન બચાવી શકે તો તેને ૧૫૦ કરોડ રૂપિયાનો દંડ થશે. બાળકોના ખાનગી ડેટાને સુરક્ષિત ન રાખતી કંપનીને ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ થશે. આ પહેલાં બિલનો ડ્રાફ્ટ રજૂ કરાયો ત્યારે ડેટા ઉલ્લંઘન માટે કંપની પર ૧૫ કરોડ રૂપિયા કે કંપનીના વાર્ષિક ટર્નઓવરના ૪ ટકામાંથી જે વધુ હોય તે રકમના દંડની જોગવાઈ રખાઈ હતી. સુધારેલા મુસદ્દામાં આ રકમમાં જંગી વધારો કરી દેવાયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
આ બિલમાં ખાનગી ડેટાના સુરક્ષા ઉપાયોને આવરી લેવાશે. કોઈ વ્યક્તિની ઓળખ જાહેર થતી નથી એવા ખાનગી ડેટા તેના દાયરાથી બહાર રહેશે. મતલબ કે ડમી એકાઉન્ટ બનાવ્યું હશે તો તેને રક્ષણ નહીં મળે. નવા બિલમાં એપ કે વેબસાઇટની મદદથી એકત્રિત કરાયેલા ડિજિટલ ડેટાનો પણ સમાવેશ કરાશે. આ સિવાય બિલમાં કંપનીઓની ડેટા એકત્રિત કરવાની મર્યાદા પણ નક્કી કરાશે. કંપનીઓ અત્યારે એક વાર ડેટા મળે પછી તેને પોતાની પાસે જ રાખે છે પણ નવો કાયદો આવશે પછી આ અધિકાર છિનવાઈ જશે. મતલબ કે, કંપની હંમેશાં માટે ડેટા પોતાની પાસે નહીં રાખી શકે. કંપનીએ ઉદ્દેશ્ય પૂરો થયા બાદ સ્ટોરેજમાંથી ડેટાને ડિલીટ કરવો પડશે.
આ વાતો કેટલી સાચી છે એ ખબર નથી. અત્યારે જે શક્યતા છે એ પ્રમાણે લોકોના અભિપ્રાય જાણવા માટે બિલનો અંતિમ ડ્રાફ્ટ આ અઠવાડિયે જાહેર કરી દેવાશે. એ વખતે બિલમાં શું છે તેની ખબર પડી જ જશે પણ આ પ્રક્રિયા જલદી શરૂ થાય એ જરૂરી છે કેમ કે આ બિલ લાંબા સમયથી અટકેલું છે.
મોદી સરકારે ડેટા પ્રોટેક્શન બિલ લાવવા ગંભીર પ્રયત્નો કર્યા છે પણ કોઈ ને કઈ અવરોધ આવ્યા જ કરે છે તેથી મોદી સરકારે પીછેહઠ કરવી પડે છે. પહેલી વાર આ બિલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૯માં રજૂ કરાયું પછી તેની કેટલીક જોગવાઈઓ સામે વાંધો લેવાતાં તેને સંયુક્ત સમિતિ સમક્ષ મોકલી દેવાયું હતું. આ સમિતિએ ૮૧ સુધારા અને ૧૨ ભલામણનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ વખતે સરકારે સંસદમાં કહ્યું હતું કે ડિજિટલ અર્થતંત્રના વ્યાપક કાયદાકીય માળખા માટે હવે નવો સંપૂર્ણ કાયદો લવાશે પણ એ કાયદો બની શક્યો નથી. છેલ્લે મોદી સરકારે ૩ ઑગસ્ટે લોકસભામાંથી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-૨૦૨૧ પાછી ખેંચી લેવું પડ્યું હતું.
બીજી તરફ ડેટા પ્રોટેક્શનનો મુદ્દો ગંભીર બનતો જાય છે. કંપનીઓ બેફામ બનતી જાય છે તેથી તેમના પર અંકુશ મૂકવા માટે ડેટા પ્રોટેક્શન બિલ લાવવું જરૂરી છે. ભારતમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ વધતો જ જાય છે. ૨૦૧૫માં ભારતમાં ૧૪ કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. અત્યારે ૩૫ કરોડ લોકો કરે છે. મતલબ કે પાંચ વર્ષમાં જ આ પ્રમાણ અઢી ગણું થઈ ગયું છે. ૨૦૨૩માં આ સંખ્યા વધીને ૪૫ કરોડ હશે. દુનિયાના બીજા કોઈ દેશમાં નહીં હોય એટલા સોશિયલ મીડિયા યુઝર્સ ભારતમાં છે પણ આ યુઝર્સના અધિકારોના રક્ષણ માટે કોઈ કાયદો જ ભારતમાં નથી એ ખરેખર શરમજનક કહેવાય. મોદી સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાતો જોરશોરથી કરે છે.
આખું સરકારી તંત્ર સોશિયલ મીડિયા પાછળ દોડે છે. ભાજપ પોતે પણ સોશિયલ મીડિયા પર જ નિર્ભર છે ભારતમાં ડેટા પ્રોટેક્શન અંગે કોઈ કાયદો જ ના હોય એ સોનાની થાળીમાં લોઢાની મેખ કહેવાય. આ કાયદાના અભાવે સોશિયલ મીડિયાનો યુઝ કરતા ભારતીયો ભગવાન ભરોસે છે. તેમના અધિકારો કે પ્રાઈવસીના રક્ષણ માટે કોઈ કાયદો બનાવાયો જ નથી તેથી ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર સહિતનાં તોતિંગ સોશિયલ મીડિયા માટે આપણો દેશ બોડી બામણીનું ખેતર છે. જેને ઘૂસવું હોય એ ઘૂસી જાય ને જેણે ભેલાણ કરવું હોય એ કરી ખાય પણ કોઈ કશું તોડી જ ના શકે. તેના કારણે દેશને દર વરસે કરોડો રૂપિયાનો ફટકો પડે છે ને તેના કરતાં મોટી વાત એ છે કે, લોકોની પ્રાઈવસી જળવાતી નથી. આ સ્થિતિ બદલવા માટે ડેટા પ્રોટેક્સ કાયદો જેમ બને તેમ ઝડપથી આવવો જ જોઈએ.
ડેટા પ્રોટેક્શન કાયદાના અભાવે શું થાય એ વોટ્સએપના કિસ્સામાં જોયું છે. વોટ્સએપ પોતાના યુઝર્સને નવી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસી સ્વીકારવા દબાણ કર્યા કરતી હતી. જે લોકો આ પ્રાઈવસી પોલિસીને સ્વીકારતા નથી તેમનાં વોટ્સએપ ફિચર્સ પર નિયંત્રણો મૂકવાની ધમકી આપતી હતી. તેની સામે સરકાર કશું ના કરી શકે ને મામલો કોર્ટમાં ગયેલો. હાઈ કોર્ટે લાલ આંખ કરતાં વોટ્સએપે દિલ્હી હાઈ કોર્ટને ખાતરી આપવી પડેલી કે, ભારત સરકાર ડેટા પ્રોટેક્શન બિલ પસાર ના કરે ત્યાં લગી કંપની કોઈને મેસેજ નહીં મોકલે. આ ફરજ ખરેખર સરકારે પાડવી જોઈતી હતી ને તેના માટે જ ડેટા પ્રોટેક્શન બિલ જરૂરી છે.