ડેરીપીપરીયાથી જુની હળિયાદ જતી સ્કૂલની બસ રસ્તા પરથી ઉતરી ગઈ

બગસરા,
ડેરીપીપરીયા થી વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ બસ સામેથી ટ્રેક્ટર આવતા નીચે ઉતરી ગઈ હતી જોકે આ ઘટનામાં ડ્રાઈવર ની સતર્કતાથી તમામ વિદ્યાર્થીઓ હેમખેમ બચી ગયા હતા. ઘટનાને પગલે તંત્ર તથા વાલીઓમાં માં થોડીવાર દોડધામ મચી ગઇ હતી. વિગત અનુસાર બગસરા તાલુકા ની જુની હળિયાદ ની સરકારી પ્રાથમિક શાળા ના શિક્ષણથી આકર્ષિત થઈ આજુબાજુના ગામના વાલીઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ત્યાંની સરકારી શાળામાં મોકલવામાં આવે છે. આવીજ એક વાલીઓ દ્વારા સંચાલિત સ્કૂલ બસ ડેરીપીપરીયા ના બાળકોને ગામમાંથી લઈને જુની હળિયાદ જઈ રહી હતી તે સમયે નવા પીપરીયા પાસે સામેથી ટ્રેક્ટર આવતા બસ તારવવા જતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી જોકે ડ્રાઇવરની સતર્કતાને કારણે કોઈ પણ બાળકને ઇજા થયેલ નથી. આ બનાવના સમાચાર મળતા થોડીવાર માટે પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. બગસરા તાલુકાના કેળવણી નિરીક્ષક તથા શાળાના આચાર્ય તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા. તેમજ તમામ બાળકો સલામત હોવાનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને કર્યો હતો. આ બાબતે ડેરીપીપરીયાના વાલીઓ ના જણાવ્યા મુજબ ડેરીપીપરીયા થી હળીયાદ જવા નો રસ્તો સાંકડો હોય આ બાબતે રસ્તો પહોળો કરવાની કામગીરી ન થતાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાનું પણ જણાવ્યું હતું.