ડેવિડ વોર્નર તેના કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરશે

ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર તેના પર લગાવવામાં આવેલા કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધના મુદ્દે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (સીએ) સાથે ચર્ચા કરશે. પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે તાજેતરમાં જ વન-ડેમાંથી નિવૃત્તિ જાહેર કરતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ જવાબદારી હવે અન્ય ખેલાડીને સોંપવા ઈચ્છે છે. ફિન્ચે કંગાળ ફોર્મને કારણે રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચ બાદ વન-ડેમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. આગામી વર્ષે ભારતમાં યાજોનાર વન-ડે વર્લ્ડ કપમાં હવે ફક્ત એક વર્ષ જેટલો સમય બચ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વન-ડેમાં સુકાનીની તલાશ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ વન-ડેમાં સુકાની માટે પ્રબળ દાવેદાર છે પરંતુ હવે તે કાર્યબોજને કેવી રીતે સંભાળે છે તે જોવું રહેશે. વોર્નર પર કેપ્ટન્સીના આજીવન પ્રતિબંધને બદલવાની વાત કેટલાક પૂર્વ અને વર્તમાન ઓસી. ખેલાડીઓએ ઉચ્ચારી છે જેને પગલે ડેવિડ વોર્નર પણ વન-ડેમાં કેપ્ટન પદની રેસમાં ઉતરી શકે છે. વોર્નરે જણાવ્યું કે, મે નિક હોકલી સાથે વાત કરી છે અને ટૂંક સમયમાં અમે મળવાનો પ્રયાસ કરીશું. વર્તમાન સમયે આ ઘણું મુશ્કેલ છે પરંતુ મને વિશ્ર્વાસ છે કે આગામી બે સપ્તાહમાં અમે કદાચ મળી શકીએ. કોઈપણ વાત માટે ઉતાવળ યોગ્ય નથી. દક્ષિણ આફ્રિકામાં ૨૦૧૮માં બોલ ટેમ્પિંરગ કાંડ બાદ પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પાસેથી કેપ્ટન્સી આંચકી લેવામાં આવી હતી અને તેના પર બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયાના સુકાની તરીકે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે વોર્નર પર આકરા પગલાં લેવાતા તેના પર આજીવન કેપ્ટન્સીનો પ્રતિબંધ લગાવાયો હતો. વોર્નરને પુન: કેપ્ટન બનાવવામાં આવે છે તો તે તેના માટે સમ્માનજનક બાબત ગણાશે.