કાનાબાર સાહેબની આ અરજ ઉપરવાળો જરુર સાંભળશે કારણ કે આ સંક્રમણના ગાળામાં તેમણે અને તેમની ટોળીએ અમરેલીને હામ આપી છે
અમરેલી,હળવે હળવે હરિ,આપડાં સહુનું ગાડું હાંક્યે જાય છે.એમાય આજ અમરેલીનાં બેફિકર,બેતાજ કોરોના યોદ્ધા ડો. કાનાબાર સાહેબે,આ સંક્રમણથી બચાવવા ઇશ્વરને માથું ટેકવી પ્રાર્થના કરી
હે ઇશ્વર,અમે જાણીએ છીએ કે તેં;અમારી કસોટી કરવાં કોરોના મોકલ્યો છે.વધારામાં વાવાઝોડું, ધરતીકંપ,તીડ,કંઇ બાકી હોય તો એ પણ મોકલી દે.હિંમતથી મુકાબલો કરશું. ઓછાં સમર્થ હશે તેને મદદ પણ કરશું. અમે પણ તારું સર્જન છીએ.ઓછાં માર્કસ આપીશ તો ચાલશે,પણ તારી શાળામાંથી ડિસમિસ કરતો નહીં.
ડો. કાનાબાર સા.અમરેલી આખ્ખાનાં હમદર્દ તેમજ કુશળ સર્જન છે.મને યાદ છે,વરહોના વાણાં વાઇ ગ્યા,’ અખંડ આનંદ ’ માં ડો. કાનાબાર સા.નો પ્રાર્થના ’ વિષયક એક સરસ લેખ છપાયેલો.આ લેખ અમે ’સંગત ’ માં પણ પ્રગટ કરેલો.અમે બેઉ એકબીજાંને સમજનારાં બહું સારાં ભાઇબંધ છીએ.મારી મૈત્રી 28 વરહ પે’લાં ઝરણાની જેમ શરું થઇ જ્યારે મારો પુત્ર તાપસ જનમે તેને તણ્ય મહિનાની વાર હતી,ને સૌ પે’લાં મને કાનાબાર સાહેબે વધામણાં આપેલાં.
પછી તો અમારાં પારિવારિક સંબંધોએ અમને કાશક્યા ભીડી દીધાં. તેઓએ ભગવાન ધન્વન્તરિના પ્રકૃતિ દરબારમાં જૂનાગઢ આવીને અમને નિરોગીતાના પાઠ પણ ભણાવેલાં.તેમની હાર્યે ઘણી રખડપાટ કરી છે, અંતરપટથી તેઓએ મને આળેખેલો છે ને મારાં ગમા અણગમાને એકકોર્ય કરીને તેઓ, હરેક કામકાજમાં સંગાથી રહ્યાં છે.મારે,કાંઇ વાત કરવી હોય તો હું બેધડક,બેફિકર બનીને કહી શકું તેવી મૈત્રી અમે નિભાવી છીએ.
તેઓને હું ગમે તે ટાણે ફોન કરું; ફોન જો ઉપાડવો હોય તો ઉપડે નકર નોય ઉપડે.પણ જે ધીરતાથી તેઓ વાત કરે,વારિ જાવું પડે,એટલી કુશળતા,ધીરપ અને ઉંડાણથી વાત કરે,તેમ જ સાંભળે.કોઇ પણ ગેરસમજણને નિવારવામાં તેઓનાં જેટલી વ્યવહારુતા ભાગ્યે જ બીજાંનામાં મેં નિહાળી છે.ફોનમાં પે’લાં હું સ્વાભાવિક જ કોઇ પણને ફોન કરું કે ઉપાડું; ’જય ધન્વન્તરિ ’ બોલું છું. પણ ડો. સાહેબ ક્યારેય પ્રતિસાદક બન્યાં હોય તેવું બન્યું નથી,પણ આજે મેં સાહેબને પ્રથમ વખત ઇશ્વરનાં શરણે અનુભવ્યા.તેમણે ટાઇપ કરેલાં શબ્દોમાં પરભુના વાવડની ગોત થતી હોય એવું લાગ્યું.
માણહ શ્રદ્ધા સિવાય , શરણભાવ સિવાય, એની ડગર ન હાંકી શકે તેવી વાયકા નકારવા જેવી નથી.
આખરે,ટેકણ વિનાં કાંઇ ટકતું નથી.થાકલાંની હેઠ્યે,આપડે સહુએ આવવું પડે, તો કૃષ્ણ ગોવાળિયો લાકડીના ટેકણે ગોવર્ધનને ઉપાડવા પણ આવી પૂગે છે.ડો. સાહેબે કરુણાની ઓઢણી તો ઓઢી છે ને હિંમતથી ઇશ્વરને આવકાર્યા છે કે ;જો, કાંઇ બાકી રાખતો નંઈ,મોકલવા જેવું મોકલી દે,તેવડ હશે ન્યાં હુધી લડી લેશું ને મગરુરીથી કહ્યું છે ; ’ અમે તારું સર્જન છીએ,લડવાં દેજે, ભલે ઓછાં ટકા આપ્યા,પણ આંયાથી રવાનગી કરતો નહીં ’.
કાનાબાર સાહેબની આ અરજ ઉપરવાળો જરુર સાંભળશે કારણ કે આ સંક્રમણના ગાળામાં તેમણે અને તેમની ટોળીએ અમરેલીને હામ આપી છે.ખાવાનું આપ્યું છે.વિખુટાં પડેલાંને , ઘરભેળાં કરવાની ભૂમિકા ભજવી જાણી છે.ખેતમજૂરોને ઠેઠ ધોળા રેલ્વે સ્ટેશને જઇને ટીમણ કરાવ્યું છે.આ કથા મોટી છે,પણ મેં આજની મારી મોજમાં વણી લીધી છે,કારણકે દાકતર બાબુએ પરથમ પૂણી તાણી છે.