ડો. હર્ષવર્ધન વારંવાર બકવાસ કરી ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન કરે છે

ભારતમાં રાજકારણીઓની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી છે. એ લોકો એમ જ માનીને વર્તે છે કે, આપણે તો બધા કાયદાને નિયમોથી પર છીએ ને જે કંઈ કરવાનું હોય એ સામાન્ય લોકોએ કરવાનું હોય. આપણે શાના નિયમો ને કાયદા પાળવાના હોય? આ માનસિકતાના કારણે એ લોકો સામાન્ય પ્રજાજનોને આફરો ચડી જાય એ હદે જ્ઞાનનો ડોઝ આપ્યા જ કરે છે ને પોતે જ એ જ્ઞાનનો અમલ કરતા નથી. આપણા આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ડહોળેલું ડહાપણ તેનો તાજો નમૂનો છે.

આપણે ત્યાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે પણ કોરોનાના કારણે નરેન્દ્ર મોદી સરકારે તહેવારોની ધામધૂમથી ઉજવણીને મંજૂરી નથી આપી. ગુજરાત અને ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી મોટો તહેવાર છે ને ગુજરાતીઓ નવરાત્રિના નવ દાડા ઘેલા થઈને ગરબે ઘૂમે છે પણ આ વખતે કોરોનાના કારણે ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી મળી. બલ્કે કોઈ પણ પ્રકારના ગરબા નહીં કરી શકાય. શેરી કે સોસાયટીમાં પણ ગરબા નહીં રમી શકાય. આ જ સ્થિતિ દેશનાં બધાં રાજ્યોમાં છે ને દરેક રાજ્યે તહેવારોની ધામધૂમથી ઉજવણીની મનાઈ ફરમાવી દીધી છે.

મોદી સરકારને સંબંધિત રાજ્ય સરકારોએ લીધેલો આ નિર્ણય બરાબર છે કેમ કે જ્યાં પણ ભીડ જામે ત્યાં કોરોનાનો ચેપ લાગવાનો ખતરો રહેવાનો જ તેથી ભીડ ભેગી કરવામાં જરાય મજા જ નથી. આ નિર્ણય પ્રજાના હિતમાં છે પણ તેની સામે કેટલાક નમૂનાઓને વાંધો પડી ગયો છે. સાવ વાહિયાત વાતો કરીને એ લોકો દેકારો મચાવી રહ્યા છે. ડૉ. હર્ષવર્ધને તેમને તહેવારોની ધામઘૂમથી ઉજવણી કરવા સામે ચેતવ્યા છે ને એમ પણ કહ્યું છે કે, આ રીતે વર્તીશું તો અત્યાર લગીના કર્યાકારવ્યા પર પાણી ફરી વળશે. ડૉ. હર્ષવર્ધને એવું જ્ઞાન પણ પિરસ્યું છે કે, કોઈ ભગવાન કે ધર્મ આપણે તહેવારો ધામધૂમથી ઉજવવા જોઈએ કે આપણી આસ્થા પ્રગટ કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવું જોઈએ એવું કહેતો નથી.

ડૉ. હર્ષવર્ધનની વાત એકસો ને એક ટકા સાચી છે પણ તકલીફ એ છે કે, આ જ્ઞાન સામાન્ય લોકો માટે જ છે. મોદી સરકાર રાજકારણીઓએ આ નિયમોનું પાલન કરવું જોઈએ તેમાં માનતી નથી. મોદી સરકારે હજુ બે દિવસ પહેલાં જ પોતાની પહેલાંની ગાઈડલાઈન સુધારીને રાજકીય પક્ષોને સભાઓ અને રેલીઓની મંજૂરી આપી છે. મોદી સરકારે પહેલાં બહાર પાડેલી ગાઈડલાઈન પ્રમાણે સભા કે રેલીમાં સો કરતાં માણસોને હાજર રાખવા સામે મનાઈ ફરમાવેલી. એ વખતે મોદી સરકારનું કહેવું હતું કે, રાજકીય કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં માણસો એકઠાં થાય તેથી કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધી જાય છે.

હવે બિહાર વિધાનસભાની ચૂંટણી આવી એટલે બધું બદલાઈ ગયું. મોદી સરકારે રેલી કે સભામાં જેટલાં માણસોને બોલાવવાં હોય એટલાં માણસોને બોલાવાની છૂટ આપી દીધી. સવાલ એ છે કે, તહેવારોની ઉજવણીને જે નિયમ લાગુ પડે છે એ રેલી-સભાઓને લાગુ નથી પડતો? રેલી-સભાઓમાં આવનારા લોકો કોરોનાપ્રૂફ હશે કે તેમને ચેપ જ નહીં લાગે ? એ લોકો બીજાં લોકોના સંપર્કમાં આવશે તો બીજાં લોકોને ચેપ નહીં લાગે ? તહેવારોની ઉજવણીને જે લોજિક લાગુ પડે એ રેલી-સભાઓને પણ લાગુ પડે જ તો પછી તેમને મંજૂરી કેમ ? ચૂંટણી સભા-રેલીઓને પણ પ્રતિબંધિત કરવી જ જોઈએ પણ મોદી સરકારે એવું કરવાના બદલે મંજૂરી આપી દીધી. ડૉ. હર્ષવર્ધન પણ અત્યારે આ જ્ઞાન પિરસવા બેઠા છે પણ રેલી-સભાઓને મંજૂરી મળી ત્યારે મોંમાં મગ ઓરીને બેસી ગયેલા.

આ વાત માત્ર મોદી સરકારની કે ડૉ. હર્ષવર્ધનની નથી પણ તમામ રાજકીય પક્ષોને આ વાત લાગુ પડે છે. કોઈ રાજકીય પક્ષે રેલી-સભાઓને મંજૂરીનો વિરોધ નથી કર્યો. બધા નેતા ચૂપ જ બેઠા છે કેમ કે અંતે તો એ બધા પણ રાજકારણી જ છે. તેમની માનસિકતા પણ આપણને કોઈ નિયમો કે કાયદા ન નડે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર મંદિરો ખોલવાની મંજૂરી નથી આપી રહી કેમ કે મંદિરો ખૂલે ને લોકોની ભીડ જામે તો કોરોનાનો ચેપ લાગવાનો ખતરો વધે. ઉદ્ધવ ઠાકરે સરકારની વાત સાવ સાચી છે પણ હિંદુવાદી સંગઠનો મંદિરો ખોલવાં જોઈએ એવું વાજું વગાડ્યા કરે છે. આ મુદ્દે તેમણે સરકાર સામે મોરચો માંડ્યો છે ને ધરણાં સહિતનાં નાટકો પણ શરૂ કર્યાં છે. મંદિરો નહીં ખૂલે તો આભ તૂટી પડવાનું હોય એવો દેકારો આ કહેવાતાં ધાર્મિક સંગઠનોએ મચાવી દીધો છે.

ભાજપ પણ આ હઈસો હઈસોમાં જોડાઈ ગયો છે. ભાજપ આ સંગઠનોને ચાવી ભર્યા કરે છે ને ઉદ્ધવ ઠાકરે સરકાર મંદિરો નહીં ખોલીને હિંદુ વિરોધી માનસિકતા બતાવી રહી છે એવા વાહિયાત આક્ષેપો પણ કરી રહી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે તો એવું ડહાપણ પણ ડહોળ્યું કે, મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં દારૂના બાર ખોલવાની મંજૂરી આપે છે પણ મંદિરો ખોલવાની મંજૂરી નથી આપતી. ફડણવીસે તો બાળાસાહેબ ઠાકરેના નામની દુહાઈ આપીને એવું પણ કહ્યું કે, કમ સે કમ હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબના નામની તો લાજ રાખો. કૉંગ્રેસ ને શિવસેનાની સંયુક્ત સરકાર છે તેના પર પણ ફડણવીસે કટાક્ષ કર્યો છે કે, પરિવર્તનમાં ખોટું કાંઈ નથી પણ સાવ આટલા ના બદલાઈ જાઓ ને મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવાની મંજૂરી આપો જ.

ભાજપની વાત સાવ વાહિયાત છે ને તેના ચાવવાના જુદા ને બતાવવાના જુદા તેનો નાદાર નમૂનો છે. મોદી સરકારે દેશમાં મંદિરો ખોલવાની મંજૂરી આપી છે પણ તેમાં જાત જાતની શરતો રાખી છે. અલબત્ત જે રાજ્યોમાં કોરોનાનો કેર વધારે છે એ રાજ્યોને ભીડ એકઠી થાય એવું કશું નહીં કરવાની સલાહ પણ મોદી પોતે વારંવાર આપ્યા કરે છે. દેશનાં તમામ રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોનાગ્રસ્ત છે તેથી મહારાષ્ટ્રને મોદીની આ સલાહ લાગુ પડે જ છે. ઉદ્ધવ વાસ્તવમાં તો એ સલાહને જ અનુસરી રહ્યા છે ને તેમાં પણ ભાજપને વાંધો છે.

ભાજપ મંદિરો નહીં ખોલવાના નિર્ણયને હિંદુત્વ સાથે જોડીને ઉદ્ધવ ઠાકરે સરકારને હિંદુ વિરોધી ચિતરી રહી છે એ સાવ હલકી માનસિકતાનો નમૂનો છે. મોદી સરકારે પોતે હજુ ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી નથી આપી ને હમણાં નહીં મળે એવું સાફ શબ્દોમાં કહી દીધું છે તો મોદી સરકાર હિંદુ વિરોધી થઈ ગઈ? આ બધી કાળજી ને સતર્કતા લોકોને બચાવવા માટે છે ને તેને ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી પણ ભાજપના કૂવામાંના દેડકા જેવી માનસિકતા ધરાવતા કેટલાક નેતાઓની દૃષ્ટિ તેનાથી આગળ વધતી જ નથી એટલે આવો બકવાસ કરે છે.

ભાજપ દ્વારા આ જ પ્રકારની હલકી માનસિકતા શરાબના બાર ખોલવાની વાતને મંદિરો ખોલવાની વાત સાથે જોડીને બતાવાઈ રહી છે. મંદિરોની સરખામણી કશા સાથે કરી જ કઈ રીતે શકાય? મંદિરો આસ્થા માટે છે જ્યારે દારૂના બાર આર્થિક પ્રવૃત્તિ છે. માણસના જીવનમાં આસ્થા અને ધર્મ કેટલાં જરૂરી છે એ દરેક માણસ પર નિર્ભર હોય છે જ્યારે આર્થિક પ્રવૃત્તિ તો દરેક માટે જરૂરી છે. આ કારણે સરકારે તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપી છે ને તેમાં બાર પણ આવી ગયા. તેમને બીજાથી અલગ પાડીને વાત કરવાની જરૂર જ ક્યાં છે? દારૂના બારની આર્થિક પ્રવૃત્તિના કારણે લાખો લોકોનાં ઘર ચાલે છે તેથી તેમને ખોલવાની મંજૂરીમાં કશું ખોટું નથી.

આપણે મૂળ વાત ડૉ. હર્ષવર્ધને પિરસેલા જ્ઞાનની કરતા હતા. ડૉ. હર્ષવર્ધને જ્ઞાન પિરસ્યું છે કે, કોઈ ભગવાન કે ધર્મ આપણે તહેવારો ધામધૂમથી ઉજવવા જોઈએ કે આપણી આસ્થા પ્રગટ કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવું જોઈએ એવું કહેતો નથી. આ જ વાત ડૉ. હર્ષવર્ધન મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓને કેમ નથી સમજાવતા? કોઈ ધર્મ કે ભગવાન એવું પણ કહેતા નથી કે, મંદિરમાં કે કોઈ ધર્મસ્થાનમાં આવીને પૂજા કરશો તો જ હું ખુશ થઈશ તો પછી મંદિરો ખોલવાની ક્યાં જરૂર છે? આસ્થા તો ઘરમાં બેસીને પણ રાખી શકાય કે નહીં? રાખી જ શકાય ને છતાં ભાજપના નેતા કેમ મંદિરો ખોલવાનું વાજું વગાડ્યા કરે છે?

ડૉ. હર્ષવર્ધને આ વાત મહારાષ્ટ્રના ભાજપના નેતાઓને જ નહીં પણ દેશમાં જે પણ લોકો મંદિરો ખોલાવવાનું પૂંછડું ઝાલીને બેઠા છે એ બધાંને સમજાવવી જોઈએ. મંદિરો મહિના બે મહિના મોડાં ખૂલશે તો ભગવાન ક્યાંય ભાગી જવાના નથી