ડ્રગ્સ કેસમાં અર્જુન રામપાલના ઘરે એનસીબી ત્રાટકી: ૧૧મીએ હાજર થવાનું મોકલાયું સમન્સ

સુશાંતિંસહના મોત બાદ શરૂ થયેલી બોલિવૂડ ડ્રગ કાંડની તપાસ ધીમે ધીમે મોટું સ્વરૂપ લેતી જાય છે. રવિવારે બોલિવૂડના જાણીતા પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાને ત્યાં એનસીબીએ દરોડા પાડીને તેમની પત્નીની ધરપકડ કરી હતી ત્યાં હવે સોમવારે અર્જુન રામપાલ સકંજામાં આવ્યો છે. એનસીબીની ટીમ દ્વારા અર્જુન રામપાલના બાંદ્રા ખાતે આવેલા મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એનસીબીની ટીમને તપાસમાં કેટલીક પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. તેને પગલે એનસીબીએ તમામ દવાઓ જપ્ત કરી હતી અને કેટલાક ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ પણ જપ્ત કરી લીધા હતા.
આ મુદ્દે એનસીબીના અધિકારીઓએ અર્જુન રામપાલના ડ્રાઈવરની અટકાયત કરીને તેની પૂછપરછ કરી હતી. તે ઉપરાંત અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયલને ૧૧મીએ હાજર થવા સમન્સ પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગેબ્રિયલનો ભાઈ પહેલેથી જ એનસીબીની કસ્ટડીમાં છે. ડ્રગ કેસમાં તેનું નામ કેટલાક સેલેબ્સ અને ડ્રગ પેડલર સાથે જોડાયેલું હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોમાં એવો પણ મત છે કે,
દીપિકાની વોટ્સએપ ચેટ અને અન્ય માહિતીમાં પણ અર્જુન રામપાલનો ઉલ્લેખ હતો અને તેના આધારે વોચ રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. એનસીબી દ્વારા પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ઘરેથી ગાંજો મળી આવ્યા બાદ તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત ફિરોઝને પણ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું કે, સત્ય સામે આવી જ જશે, તમે બસ માટા માટે પ્રાર્થના કરો.