ડ્રગ્સ કેસ એનસીબીએ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ કર્યો કેસ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દીપિકા પાદૃુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ અધિનિયમ હેઠળ કેસ કર્યો છે. એનસીબીએ કરિશ્માના ઘરે મંગળવાર (૨૭ ઓક્ટોબર)ના રોજ દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ૧.૮ ગ્રામ હશીશ મળી આવ્યું હતું. પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આખો દિવસ એનસીબીના અધિકારીઓએ કરિશ્માની રાહ જોઈ હતી પરંતુ તે હાજર થઈ નહોતી. આથી જ આજે એટલે કે ૨૯ ઓક્ટોબરના રોજ તેની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.
કરિશ્માના ઘરમાંથી બહુ જ થોડી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે પરંતુ તેની ધરપકડ થઈ શકે છે. એનસીબીના સૂત્રોના મતે, કરિશ્માના આ ઘરમાંથી સીબીડી ઓઈલની ત્રણ બોટલ પણ જપ્ત કરવામાં આવી છે. જો આરોપ સાબિત થાય તો એક વર્ષની જેલ અથવા ૧૦ હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહૃાું હતું કે કરિશ્માના આસપાસના લોકો, ઓફિસના લોકો તથા તમામ ઓળખીતાઓને સમન્સની માહિતી આપવામાં આવી છે.
એનસીબીના એક અન્ય અધિકારીએ કહૃાું હતું કે સિક્રેટ ઈન્ફોર્મેશનને આધારે કરિશ્માના વર્સોવા સ્થિત ઘરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી ૧.૮ ગ્રામ હશીશ મળી આવ્યું હતું. કરિશ્માના જે ઘરે કાર્યવાહી કરવામાં આવી તે તેનું બીજું ઘર છે. માનવામાં આવે છે કે તે અહીંયા આવતી-જતી રહે છે. જોકે, તેના વકીલે આ વાતનું ખંડન કર્યું હતું કે તે અહીંયા રહે છે. એનસીબીએ આ પહેલા કરિશ્માની બેવાર પૂછપરછ કરી હતી, જેમાં એકવાર દીપિકા પાદૃુકોણની સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી.