અલ-કાયદા, ઇન્ડિયન મુઝાહિદ્દીન, તાલિબાન, હમાસ, કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી, રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સિસ ઑફ કોલંબિયા, તહરિક-એ-તાલિબાન, બોકો હરામ, અલ નુસરા ફ્રંટ, હિઝબુલ્લાહ, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, તમિલનાડુ લિબરેશન ફ્રન્ટ, મણીપુર પીપલ્સ લિબરેશન ફોર્સ – આ લિસ્ટ હજુ લાબું છે. તમે વાંચીને સમજી જ ગયા હશો કે હું ક્યા મહાનુભાવોની વાત કરું છું. જેહાદના નામે જન્નતને પામવા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનાર આ નરભક્ષી લોકોને આપણા શબ્દકોષમાં ‘આતંકવાદ’ નામ અપાયું છે. દુનિયામાં ભાગ્યે જ એવો કોઇ દેશ હશે જ્યાં આતંકવાદ કોઇ ને કોઇ સ્વરૂપે જીવતો ન હોય. આ એક એવો રાક્ષસ છે જેનું ખપ્પર ક્યારેય ભરાતું જ નથી. દુનિયાના અનેક દેશોએ આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યા છે. આમ છતાં એ હકીકત છે કે યુનાઇટેડ નેશન્સ આજ સુધી ટેરરિઝમની વ્યાખ્યા કરી શક્યું નથી!
અમેરિકાના કપાળે ૯/૧૧ની ટીલી લગાવીને ઓસામા બિન લાદેન અને અલ-કાયદાનો આકા અયમાન અલ ઝવાહિરી રાતોરાત ફેમસ થઈ ગયા હતા. આ ઘટના અમેરિકામાં બની એટલે વિશ્ર્વ એ તેની નોંધ લીધી પણ આ ઘટના પૂર્વે બન્ને ઈસમોએ આવા ઘણાં છમકલાં કર્યા છે. અયમાન મુહમ્મદ રબી અલ-જવાહિરીનો જન્મ ૧૯ જૂન ૧૯૫૧ના રોજ કાયરો, ઇજિપ્તમાં થયો હતો. તેના પિતા પ્રોફેસર હતા, કાકા એક હજાર વર્ષ જૂની અલ-અઝહર યુનિવર્સિટીના ગ્રાન્ડ ઇમામ હતા. ઝવાહિરીના દાદા કાયરો યુનિવર્સિટીના પ્રમુખ અને રિયાધમાં કિંગ સાઉદ યુનિવર્સિટીના સ્થાપક અને ડિરેક્ટર હતા.
અલ-ઝવાહિરી ભણવામાં ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. બાળપણથી જ તેણે ઇસ્લામિક સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું.
અલ-ઝવાહિરી ભણવામાં ખૂબ જ હોંશિયાર વિદ્યાર્થી હતો. બાળપણથી જ તેણે ઇસ્લામિક સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું.
તે ઇસ્લામિક ચિંતક સૈયદ કુત્બના વિચારોથી ખૂબ પ્રભાવિત હતો. ૧૯૬૬માં કુત્બને ફાંસી આપવામાં આવી હતી. એ જ વર્ષે અલ-ઝવાહિરીએ એક આતંકવાદી સેલ બનાવ્યો જેનો હેતુ ઇજિપ્તમાં બિનસાંપ્રદાયિક સરકારને બદલવાનો અને ઇસ્લામિક સરકારની રચના કરવાનો હતો. તે સમયે ઝવાહિરી માત્ર ૧૫ વર્ષનો હતો. શરૂઆતમાં પાંચ સભ્યોથી શરૂ થયેલું આ જૂથ ૧૯૭૪ સુધીમાં વધીને ૪૦ સભ્યો સુધી પહોંચ્યું હતું. વર્ષ ૧૯૮૧માં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાતની સરાજાહેર ગોળીઓ ધરબી હત્યા નિપજાવી હતી અને ઝવાહિરે શરણાગતિ સ્વીકારી લીધી અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી. પણ બાપના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરીને ઝવાહિર ૧૯૮૪માં જેલમાંથી ફરાર થયો અને તેણે ઈજીપ્ત છોડી દીધું.
આ પછી તે સાઉદી અરેબિયા અને પેશાવર પહોંચી ગયો. અહીં તે ઓસામા બિન લાદેનનો પર્સનલ ડૉક્ટર બની ગયો અને પોતાના કુશાગ્ર મગજથી તેણે ઓસામાને આતંકવાદના નેટવર્કમાં આગળ કેમ વધવું તેની વિગતે સમજણ આપી હતી. એ પછી તો તેણે ઓસામા સાથે મળીને અલ-કાયદાની સ્થાપના કરી અને તેણે જ અલ-કાયદાના પ્રમુખપદે ઓસામાની નિયુક્તિ કરી. ઝવાહિરી અમેરિકાની સામે થવા માંગતો હતો. દુનિયાને એવું દેખાડવા માંગતો હતો કે તે લોકો ઈચ્છે ત્યારે બૉમ્બ બ્લાસ્ટ કરીને લોકોના જીવ હણી શકે છે.
તા. ૪ ઑક્ટોબર ૧૯૯૩ના રોજ અમેરિકન રેન્જર્સ અને સોમાલિયામાં અલ-કાયદા સાથે જોડાયેલા મિલિશિયા વચ્ચે જોરદાર યુદ્ધ છેડાયું હતું. આ દરમિયાન ઝવાહિરીની સેનાએ મિલિશિયા લીડર જનરલ આઈદીદના લડાકુઓએ રાજધાની મોગાદિશુમાં બે અમેરિકન હેલિકોપ્ટર તોડી પાડ્યા હતા. તેમાં ૧૮ અમેરિકન સૈનિકો માર્યા ગયા. ત્યારબાદ ૭ ઑગસ્ટ ૧૯૯૮ના રોજ નૈરોબી, કેન્યા અને તાન્ઝાનિયાના દારએસલામમાં અમેરિકન દૂતાવાસોની સામે એકસાથે શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરાવ્યા. આ બૉમ્બ બ્લાસ્ટમાં ૨૨૪ લોકો માર્યા ગયા, જેમાં ૧૨ અમેરિકન સામેલ હતા.
વર્ષ ૨૦૦૦માં, અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ યમનના અદન બંદર પર વિસ્ફોટકોથી ભરેલી નૌકા લઈ જઈ રહેલા અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ કોલ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
વર્ષ ૨૦૦૦માં, અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીઓએ યમનના અદન બંદર પર વિસ્ફોટકોથી ભરેલી નૌકા લઈ જઈ રહેલા અમેરિકી યુદ્ધ જહાજ યુએસએસ કોલ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
આ હુમલામાં ૧૭ યુએસ જવાનો માર્યા ગયા હતા. પછી આવ્યો એ દિવસ જેણે અમેરિકાને હચમચાવી દીધું. ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ૧૯ આતંકીઓએ ચાર કમર્શિયલ પ્લેન હાઈજેક કર્યા. તેમાંથી બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર સાથે અથડાવી દેવાયા. ત્યારે જ ત્રીજું પ્લેન પેન્ટાગોન પર ક્રેશ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ૯૩ દેશોનાં ૨૯૭૭ લોકો મર્યા હતા. જેની જવાબદારી ઓસામાએ લીધી હતી. એ સમયે અમેરિકાના સીઆઈએ અને એફબીઆઈના અધિકારીઓએ એ સમયે પૂરાવા રજૂ કર્યા હતા કે, આ આખું મિશન અલ ઝવાહિરીએ ઘડ્યું છે.
ઓસામાએ માત્ર હુમલાની જવાબદારી લીધી છે. હત્યાનો આ સિલસિલો આગળ પણ યથાવત્ રહ્યો. ૨૦૦૫માં લંડનના સેન્ટ પીટરસન ચર્ચની બહાર તેણે બૉમ્બ વિસ્ફોટ કરાવ્યો જેમાં ૫૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝવાહિરી બ્રિટનને ઈસ્લામનું સૌથી મોટું દુશ્મન ગણાવતું હતું. પણ વર્ષ ૨૦૧૧માં ઓસામાને પતાવીને અમેરિકાએ આ જોડીને ખંડિત કરી દીધી. ૯/૧૧ના હુમલા પછી લાદેનનો ખાતમો કરવા અમેરિકાએ અફઘાનિસ્તાનને ધમરોળી નાંખ્યું પણ લાદેન કે ઝવાહિરી હાથ લાગ્યા નહોતા. અમેરિકાએ આ હુમલાના દસ વરસ પછી લાદેનને તેના ઘરમાં ઘૂસીને ઠાર કરી દીધો અને આ ઘટનાના ૨૧ વર્ષ પૂર્ણ થશે એ પહેલા ઝવાહિરીને પણ એ જ મોડ્સ ઑપરેન્ડીથી યમરાજ પાસે મોકલી દીધો. લાદેનની હત્યા બાદ ઝવાહિરી સાબદો થઈ ગયો હતો.
તે વારંવાર પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. અફઘાનિસ્તાન કબજે કર્યા બાદ તાલિબાનોએ તેને કાબુલના શેરપુર વિસ્તારમાં આશરો આપ્યો હતો. જ્યાં ઝવાહિરી તેની પત્ની તેમજ પુત્રી અને તેનાં બાળકો સાથે એશની જિંદગી જીવી રહ્યો હતો. જાન્યુઆરી, ૨૦૨૨માં અમેરિકન એજન્સીઓ ઝવાહિરી અને તેના પરિવારને ટ્રેક કરી રહી હતી. માર્ચથી મે દરમિયાન કાબુલના શેરપુરમાં હોવાની સચોટ માહિતી મળી અને પછી તેની દિનચર્યા પર નજર રાખવામાં આવી રહી હતી. ૨૫ જુલાઈના રોજ અમેરિકાની એજન્સીઓએ રાષ્ટ્રપતિ જો બાઈડનને ઝવાહિરીની માહિતી જણાવાઈ. કેવી રીતે હુમલો કરવામાં આવશે એ અંગેની જાણ કરવામાં આવી અને ૧ ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાનના સમય અનુસાર, રવિવારે સવારે ૬:૧૮ કલાકે ઝવાહિરી તેના ઘરની બાલ્કીનીમાં રોજની દિનચર્યા અનુસાર ઊભો રહ્યો. અચાનક બે હેલફાયર મિસાઇલ ત્રાટકી અને ઝવાહિરીને કાળ ભેટી ગયો.
અમેરિકાએ તેના ઇતિહાસમાં પહેલી વખત વોરહેડ-લેસ હેલફાયર આર ૯ એક્સ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. એ મિસાઈલ વિસ્ફોટ નથી કરતી. તેમાં ફ્યૂઝ લેગમાંથી વિસ્તરતી ૬ રેઝર બ્લેડ હોય છે, જે ટાર્ગેટને કાપી નાખે છે. આ મિસાઈલના ઉપયોગ સાથે જ આતંકવાદવિરોધી લડાઈમાં એક નવો યુગ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. એ મિસાઇલે ઝવાહિરીને મારી નાખ્યો પણ મકાન કે તેની અંદર રહેલા તેના પરિવારજનોને ઉની આંચ પણ ન આવી. હકીકતમાં તો શું થયું તે જ કોઈને સમજાયું નહીં એટલી શાંતિથી અમેરિકાએ વિશ્ર્વના સૌથી વધારે ખતરનાક આતંકવાદીને પતાવી દીધો. આ ઑપરેશનનું પરફેક્ટ પ્લાનિંગ અને એક્ઝિક્યુશન દુનિયાને દંગ કરી ગયા. બીજી તરફ અલ-કાયદા અને તાલિબાની સંગઠનોમાં શોકનું મોજું ફરી વળ્યું.
પણ સૌથી વધુ દુ:ખી તો કતારની ઈસ્લામી જગતની ન્યૂઝ એજન્સી અલ જઝીરા રડી રહી છે. એટલા માટે કે તેને હંમેશાં ફાંફો હતો કે ઓસામા અને ઝવાહિરી વિશે તે તમામ ફસ્ટ હેન્ડ સમાચાર જાણે છે! લંડનમાં વસતા મોટાભાગનાં મુસ્લિમો જે ઓસામા અને ઝવાહિરી પર આફરીન હતા તે બીબીસી, સ્કાય ટીવી કે બીજી એજન્સીના સમાચારો જોવાને બદલે અલ જઝીરાની ૨૪ કલાક ચાલતી ચેનલો લંડનના સવારના ૭ વાગ્યે નમાઝ પછી જોતા. માત્ર પાકિસ્તાનના મુસ્લિમો જ નહીં પણ ઇજિપ્ત, ઈરાન, આફ્રિકા, ચીન સુધીની મુસ્લિમ વસ્તી બેબાકળી બનીને સમાચારો નીહાળતી. ૧૯૯૬માં છ કલાકના સમાચારો સાથે અલ જઝીરાનાં મંડાણ થયા પછી પાંચ વર્ષથી ઈંગ્લિશ ભાષાની ચેનલ શરૂ કરી છે તે ૨૪ કલાક ચાલે છે.
ઓસામા અને ઝવાહિરીને ઈસ્લામ જગતને સંદેશો પહોંચાડવો હોય તો તેની વીડિયો તૈયાર કરાવતો અને પછી અલ જઝીરાનેે સૌપ્રથમ મોકલતો… ન્યૂ યોર્કમાં ૧૧-૯-૨૦૦૧ના રોજ ટેરરિસ્ટોએ ટાવરો ઉડાવ્યા તેના ખબર અલ જઝીરાએ સૌપ્રથમ આપેલા. ઘણા સમય સુધી આ ચેનલને બિન લાદેન બ્રોડ કાસ્ટિંગ કૉર્પોરેશન અગર ટૂંકમાં ‘ટેરર ટીવી’ કહેતી. હવે કેટલી કરુણતા છે કે ઝવાહિરી ઠાર થયો તે આપણા પ્રાદેશિક વેબસાઈટમાં આવ્યું પછી અલ જઝીરાને ખબર પડી કે તેના ટીઆરપી મેકર તો શ્રીજીચરણ પામ્યા છે. અલ જઝીરાને ચિંતા છે. ઈંગ્લિશ જાણનારા જે માત્ર રેડિઓ ઉપર ઝવાહિરીના ખબર સાંભળતા તે હવે ઈન્ટરનેટ પર જુએ છે અને તેની સંખ્યા ૨૫૦૦ ટકા વધી છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકન પ્રમુખ જો બાઈડન પણ વ્હાઈટ હાઉસમાં સિચ્યુએશન રૂમમાં અલ જઝીરાના સમાચાર જુએ છે
લંડનના પત્રકાર કતાર દેશના ટચૂકડા શહેર દોહા નજીક રેતીના ઊડતા રણમાં અલ જઝીરાની ઑફિસ જોવા ગયેલા. આમાં ‘જઝીરા’ શબ્દ છે તે અરબી શબ્દનો અર્થ થાય છે-ટાપુ. પણ આ ‘ટાપુ’ આધુનિક બિલ્ડિંગમાં (રણમાં) ઑફિસ ધરાવે છે. ૫૦ ડિગ્રી સેલ્સિયસ ગરમી વચ્ચે અલ-જઝીરાએ પોતાનું એર કંડશિન્ડ સ્વર્ગ રચ્યું છે. ઈજપ્તિના સરમુખત્યારે વર્ષો પહેલા અલ જઝીરાની ઑફિસની મુલાકાત લીધી ત્યારે સૌપ્રથમ ઓસામા અને ઝવાહિરીના ક્ષેમ કુશળ પૂછેલા અને આ ટીવી ચેનલને તેને વિશેષણ આપેલું કે આ મેચબોકસ જેવી ચેનલ ચારેકોર આફત પેદા કરે છે. અલ જઝીરાની ઈંગ્લિશ ચેનલ ૧૨૦ દેશોમાં ૧૨૦ ઘરોમાં જોવાય છે અને ૭૨ દેશોમાં ભારત સહિત તેમના ન્યૂઝ બ્યુરો છે.
બીબીસી અને સીએનની ચેનલમાં કામ કરી ચૂકેલા પત્રકારો પછી તે મુસ્લિમ હોય કે ન હોય અલ જઝીરામાં કામ કરે છે. મોટાભાગનું તેનું રૂ. ૧૦ અબજનું વાર્ષિક બજેટ કતારનાં શેખો આપતા પણ હવે તો તેને પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે. હવે અલ-કાયદાના નવા પ્રમુખ પદની રેસમાં ચાર નામોની હોડ લાગી છે. જેમાં દિલ્હીના બાટલા હાઉસ કાંડમાં સામેલ આતંકવાદી સૈફ અલ-અદેલ, યેઝીદ મેબરેક, અબ્દ અલ-રહેમાન અને અલ-મગરીબીનું નામ સામેલ છે. ત્યારે જોવાનું રહેશે કે આ મુદ્દે હવે અમેરિકા શું કાર્યવાહી કરશે.