તંગદિલીનો લાભ લઈને આપણે ત્યાં ચીન વિશે બેફામ ગપ્પાબાજી ચાલે છે

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ ને પહેલા જ દિવસે અને પછી બીજા દિવસે પણ ચીનના મુદ્દે ધમાધમી થઈ ગઈ. કૉંગ્રેસ લાંબા સમયથી એવા આક્ષેપો કરી રહી છે કે, મોદી સરકાર ચીનના મુદ્દે સાચું ચિત્ર લોકો સામે મૂકતી નથી. ચીનને મુદ્દે સંસદમાં ચર્ચા થવી જોઈએ એવી પણ વિપક્ષોની માગણી છે. સંસદમાં કૉંગ્રેસના નેતાઓએ આ જ વાત કરી ને ચીન મુદ્દે સવાલો ના ઉઠે એટલે પ્રશ્ન કલાક રદ કરી દેવાયો છે એવી રેકર્ડ પણ વગાડી દીધી. રાહુલ ગાંધીએ પણ અમેરિકામા બેઠાં બેઠાં ટીપ્પણી કરી કે, ચીન સરહદે સ્થિતિ ખરાબ છે પણ મોદી સાહેબ મોરને રમાડવામાં વ્યસ્ત છે. મોદી સરકારે પણ પોતે કશું છૂપાવતી નથી એવી જૂની રેકર્ડ વગાડીને ચર્ચા માટે તૈયાર હોવાની તૈયારી બતાવી. હકીકત એ છે કે ચીન અને ભારત વચ્ચેની તંગદિલી વિશે અત્યારે સરકાર કોઈ બયાન આપી શકે નહિ. ઉપરાંત સરહદી તંગદિલીઓમાં અનેક બાબતો ગોપનીય હોય છે.

મોદી સરકાર આ ચર્ચા ક્યારે કરશે એ ખબર નથી ને એવી ચર્ચા ન થાય તો પણ વાંધો નથી પણ ચીન મોરચે સાચી સ્થિતિ શું છે એ લોકોને ખબર પડે એ જરૂરી તો છે જ. ચીન સાથેની સરહદ પર સ્થિતિ ગંભીર છે એવું ખુદ વિદેશ મંત્રી જયશંકર સ્વીકારી ચૂક્યા છે. જયશંકરે આ વાત વારંવાર કરી છે ને તેનાથી વધારે ઝાઝું એ કહી શકે તેમ નથી કેમ કે આ મુદ્દો દેશની સુરક્ષાને લગતો છે. એ મુદ્દે બીજું જે કંઈ કહેવાનું હોય એ સરકારે કહેવાનું હોય પણ મોદી સરકાર પણ એ અંગે હાલ કોઈ નિવેદન કરી શકે તેમ નથી. ચીનને જવાબ આપવા માટે સરકારની શું વ્યૂહરચના છે તે સરકાર લોકોને ન કહે એ સમજી શકાય એવી વાત છે. લોકોને એ જણાવવું પણ ન જોઈએ કેમ કે એ સંવેદનશીલ વાતો છે પણ જે કંઈ બને છે તેનાથી લોકોને પ્રાથમિક રીતે તો વાકેફ રાખવા એ સરકારની ફરજ છે. અને સરકાર એટલી જાણકારી તો આપે જ છે.

તેમ છતાં અત્યારે સ્થિતિ એ છે કે લોકો ચીન સાથેની સરહદ પર શું ચાલી રહ્યું છે એ અંગે મીડિયા તેમને જે કંઈ પિરસે એ આરોગ્યા કરે છે. વધારે કમનસીબી એ છે કે, ટીઆરપી વધારવાના અને તેના કરતાં પણ વધારો તો સરકારની ચાપલૂસી કરવાના અતિ ઉત્સાહમાં ચેનલો લોકોમાં ભ્રમ પેદા કરી રહી છે. આપણા લશ્કરે ચીનને ધૂળચાટતું કરી દીધું છે ને ચીન રઘવાયું બનીને દોડતું થઈ ગયું છે એવી વાતોનો રસથાળ ચેનલો રોજ પિરસ્યા કરે છે. એ ખાઈ ખાઈને લોકોનાં પેટ ભરાયા કરે છે ને તેના કેફમાં લોકો જીવ્યા કરે છે. આ કેફ સારો નથી કેમ કે તેના કારણે લોકોને સાચું ચિત્ર મળતું નથી. લોકોએ એ બધી વાતોમાં આવવાના બદલે વાસ્તવિકતા સમજવી જોઈએ કેમ કે અસલી દેશપ્રેમ દેશનું હિત શામાં છે એ સમજવામાં છે.

લોકોએ ચીન વિશે પણ જાણવું જોઈએ કે જેથી લોકો જાતે વિશ્લેષણ કરી શકે. કેવાં ગપ્પા ચાલે છે તેની તેમને ખબર પડે. થોડા દિવસો પહેલાં એવા ગપ્પા ચાલેલા કે, મોદીએ ભારતમાં જે રીતે કારભાર કરવા માંડ્યો છે તેના કારણે જિનપિંગ કરતાં મોદીની લોકપ્રિયતા વધી ગઈ છે ને લોકો જિનપિંગના બદલે મોદીના જેવો નેતા ઈચ્છે છે. ચીનના સૌથી મોટા અખબાર ધ ગ્લોબલ ટાઈમ્સમાં સર્વેમા આ વાત બહાર આવી હોવાનો દાવો પણ કરાયેલો. હમણાં એક ચેનલે ત્યાં લગી કહી દીધું કે, ભારતે ચીનને આપેલા જડબાતોડ જવાબના કારણે જિનપિંગની ખુરશી ખતરામાં છે. ચીનમાં લોકો જિનપિંગ સામે સવાલો કરવા માંડ્યા છે ને જિનપિંગે ઘરભેગા થઈ જવું પડે એવી હાલત છે. કોઈ અમેરિકન મેગેઝિનમાં છપાયેલા લેખના આધારે ચેનલ છેલ્લા બે દાડાથી આ ડિંડવાણું ચલાવ્યા કરે છે. ઘણાં લોકોને પણ આ બધી વાતો સાંભળીને જલસો થઈ ગયો છે. જે લોકો આવી વાતો કરે છે એ કાં મૂરખ છે કાં લુચ્ચાના સરદાર છે ને જે લોકો આવી વાતો માની લે છે એ તો એક સો ને દસ ટકા મૂરખા જ છે. એ લોકોને ચીનમાં શું શાસન પદ્ધતિ છે ને ત્યાં જિનપિંગ કઈ રીતે ગાદી પર બેઠો છે તેનું જ ભાન નથી.

ચીન સામ્યવાદી દેશ છે ને ભારતમાં કે અમેરિકામાં જે રીતે ચૂંટણી કરાવીને કોણ ગાદી પર બેસશે નક્કી થાય છે એમ ત્યાં થતું નથી. ત્યાં તો કર્તાહર્તા, સમાહર્તા કે નુકસાનકર્તા જે ગણો એ બધું સામ્યવાદી પક્ષ જ છે. સામ્યવાદી પક્ષનો વડો એટલે કે જનરલ સેક્રેટરી હોય એ જ દેશનો પણ કર્તાહર્તા હોય. ચીનમાં આપણી જેમ ચૂંટણી થતી જ નથી કે વિરોધ પક્ષ પણ નથી. સામ્યવાદી પક્ષ સિવાય બીજો પક્ષ નથી ને ચૂંટણી થાય એ પણ સામ્યવાદી પક્ષના હોદ્દેદારોને ચૂંટવા થાય. એ બધું પણ પહેલેથી નક્કી કરેલી સ્ક્રીપ્ટ પ્રમાણે હોય ને દુનિયાને દેખાડવા હોય. બાકી તો સામ્યવાદી પક્ષ જે નક્કી કરે એ થાય ને સામ્યવાદી પક્ષ એટલે કોણ ? સામ્યવાદી પાર્ટી એટલે શિ જિનપિંગ. પક્ષમાં નિર્ણયો લેવા માટે સાત સભ્યોની સ્ટેન્ડિંગ કમિટી છે પણ એનું કામ જિનપિંગની જીહજૂરી કરવાનું ને જિનપિંગ કહે ત્યાં મૂંડી હલાવવાનું છે. સામ્યવાદી પક્ષમાં સામાન્ય કાર્યકરથી શરૂ કરીને જિનપિંગ લગીની કેડર છે. આ કેડર માટે જનરલ સેક્રેટરી ભગવાન છે ને તેનો પડ્યો બોલ ઝીલવો એ ચાઈનીઝ પ્રજાનો ધર્મ છે.

જિનપિંગ એક રીતે સરમુખત્યાર જ છે, ઉત્તર કોરીયામાં કિમ જોંગની જેમ જ પણ તેના કરતાં અનેક ગણો શક્તિશાળી. તેનું કારણ એ કે, કીમને તો કાલે કોઈ બળવો કરીને ઉથલાવી શકે પણ જિનપિંગને કોઈ ઉથલાવી ના શકે. જિનપિંગ એકપક્ષીય શાસન વ્યવસ્થાની પેદાશ છે. આખું તંત્ર તેનું તાબેદાર છે ને લશ્કર પણ તેનું તાબેદાર છે કેમ કે લશ્કર પણ સામ્યવાદી કાર્યકરોથી બનેલું છે. કોઈ તેને ઉથલાવવાની કોશિશ પણ કરે તો સામ્યવાદી પક્ષના કરોડો કાર્યકરો તેના ભુક્કા બોલાવી દે. આ ચીનની શાસન વ્યવસ્થાનું ટ્રેલર છે ને એ જોયા પછી લાગે કે, જિનપિંગની ખુરશી ખતરામાં છે ?

ચીનની પ્રજાની નારાજગીને લગતા સર્વેની ને એ બધી વાતો પણ સાવ બકવાસ છે. ચીનમાં સ્વતંત્ર મીડિયા નથી. જે છે એ સરકારી મીડિયા છે. અખબારો પણ સરકારનાં ને ચેનલો પણ સરકારની. ચીનની સરકાર કહે એ છાપવાનું ને એ નક્કી કરે એ બતાવવાનું. ટૂંકમાં સરકારની અને જિનપિંગની ભાટાઈ કર્યા કરવાની. આ મીડિયામાં ચીનની સરકાર વિરુદ્ધ એક શબ્દ ના છપાઈ શકે ને છપાઈ ગયો તો તેને માટે જવાબદાર હોય તેને ચિરીને તેના શરીરમાં ભૂસું ભરીને બીજીંગના ચોકમાં લટકાવી દેવાય. કોઈને આ વાતો ગળે નહીં ઉતરે પણ આ વાસ્તવિકતા છે. આ હાલત હોય ત્યાં જિનપિંગથી લોકો નારાજ છે ને એવી બધી વાતો છપાઈ શકે ખરી ?

આપણે ત્યાં તો મીડિયા સ્વતંત્ર છે. ત્યાં સરકારનો જ અંકુશ છે એ મીડિયા જિનપિંગ કે ચીનની સરકારની સામે બોલી શકે ખરું ? મોદી જિનપિગં કરતાં સારા શાસક છે એવું કહી શકે ? જે દેશ લોકશાહીની માગણી કરનારા વિદ્યાર્થીઓને ટેંક નીચે કચડી નાંખીને રીતસર લોહીની નદીઓ વહેવડાવતાં ખચકાતો ન હોય એ દેશમાં કોઈ સરકાર સામે બોલવાની કે સર્વે કરવાની હિંમત જ ના કરે. તેમાં પણ ધ ગ્લોબલ ટાઈમ્સ ચીનની સરકારનું મુખ્ય વાજિંત્ર છે. સત્તાવાર રીતે જ એ સામ્યવાદી પક્ષનું મુખપત્ર છે. તેમાં જિનપિંગ કે સામ્યવાદી પક્ષની વિરુદ્ધ કશું ના છપાઈ શકે. આ દેશમા મુઠ્ઠીભર લોકોને ચાઈનીઝ આવડતી હશે. બાકીનાંને ચાઈનીઝમાં ટપ્પો જ ન પડે. તેમની અજ્ઞાનતાનો લાભ લઈને મીડિયા આવા જૂઠાણાં ચલાવે એ શરમજનક કહેવાય પણ લોકોએ આ વાસ્તવિકતાને સમજવી જરૂરી છે.