તપોવન સંસ્કારપીઠ દેરાસરમાંથી ત્રણ કિલો ચાંદીના છત્રની ચોરી થતા ચકચાર

ગાંધીનગર-અમદાવાદ હાઇવે કોબા નજીક આવેલા તપોવન સંસ્કારપીઠના દેરાસરમાંથી ચાંદીના છત્રની ચોરી થઈ છે. ત્રણ કિલો ચાંદી અને બાજુબંધની ચોરી થઈ છે. દેરાસરના તમામ દરવાજામાં સેન્સર હોવા છતાં ચોરીના સમયે સાયરન વાગી ન હતી. તમામ દરવાજા અંદરથી બંધ હોવા છતાં ચોર કઈ રીતે પ્રવેશ્યો તેના પર મોટો સવાલ છે. દેરાસરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે જેના ફૂટેજ પોલીસે કબ્જે કરવામાં આવ્યા છે. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એ.ચૌધરીએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા છે જો કે જુના કેમેરા છે. સમય અને તારીખ સેટ નથી તેમજ રાતના સમયનું ક્લિયર ફૂટેજ નથી.

તેને તપાસવામાં આવી રહૃાા છે. દરવાજામાં સેન્સર લાગેલા છે પરંતુ ચોર કઇ રીતે પ્રવેશ્યો તેના માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. તપોવન સંસ્કારપીઠમાં આવેલ દેરાસરમાં મોડી રાતે અજાણ્યાં શખ્સએ દેરાસરમાં ગર્ભગૃહમાં પ્રવેશ કરી મુલનાયક ભગવાન, મહાવીર સ્વામી અને શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ ભગવાનને ચડાવેલા એક એક કિલોના ત્રણ ચાંદીના છત્ર અને બાજુબંધની ચોરી કરી હતી. ઉપરાંત દાનપેટી પણ તૂટેલી હતી. નીચે આવેલા મલ્લિભટ્ટ વીર દેવ અને સમાધિ મંદિરના તાળા પણ તૂટેલા હતા જો કે તેમાંથી ચોરી થઈ ન હતી.

મંદિરમાં ગર્ભગૃહના ત્રણ અને દેરાસરના ૧૩ દરવાજા છે. તમામ દરવાજા પર સેન્સર લાગેલા છે પરંતુ રાતે ચોરી દરમ્યાન કોઈ સાયરન વાગી ન હતી. એકપણ દરવાજો તૂટ્યો ન હતો અને અંદરથી દરવાજો બંધ હતો. મુખ્ય દરવાજામાં પણ સેન્સર છે જો કે તેની પણ સાયરન વાગી ન હતી. સીસીટીવી કેમેરા લાગેલા છે જેને કબ્જે કરી તેને તપાસવાની કાર્યવાહી કરવામાં આવી છે.