તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જોન મગુફુલીનું ૬૧ વર્ષની વયે નિધન

  • જોન મગુકુલી કોરોના સંક્રમિત હોવાની આશંકા

 

તાંઝાનિયાના રાષ્ટ્રપતિ જૉન મગુફુલીનું ૬૧ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તાંઝાનિયાના ઉપરાષ્ટ્રપતિ સામિયા સુલુહુએ મગુફુલીના અવસાનની પૃષ્ટિ કરી હતી. જૉન મગુફુલી કોરોના સંક્રમિત હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ હજુ સુધી તેની પૃષ્ટિ નથી થઈ શકી. ગત ૨૭ ફેબ્રુઆરી બાદથી રાષ્ટ્રપતિ જૉન મગુફુલી કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં નહોતા જોવા મળ્યા અને ત્યારથી જ તેમની બીમરીને લઈ અટકળો સેવાઈ રહી હતી. ઉપરાંત તેઓ ગુપ્ત રીતે કોરોનાની સારવાર કરાવડાવી રહૃાા હતા તેમ પણ કહેવાઈ રહૃાું છે.

રાષ્ટ્રપતિ મગુફુલી ઘણી વખત સંડે ચર્ચ સર્વિસમાં હિસ્સો લેતા હતા પરંતુ ૨૭ ફેબ્રુઆરી બાદ તેઓ કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં નહોતા જોવા મળ્યા. તેઓ બીમાર છે અને વિદેશમાં સારવાર કરાવી રહૃાા છે તેવી ચર્ચા ચાલી રહી હતી. ૨૦૧૦માં તાંઝાનિયામાં બીજી વખત પરિવહન મંત્રી તરીકે નિયુક્ત થવાને કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. આક્રમક લીડરશિપ અને સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઈના કારણે તેમનું નામ ’બુલડોઝર’ પડી ગયું હતું.

જૉન મગુફુલી ૨૦૧૫માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા હતા. ત્યાર બાદ ૨૦૨૦માં તેઓ ફરી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. તેઓ એવા દેશોના પ્રમુખોમાં સામેલ હતા જેમણે કોરોનાના જોખમને ગંભીરતાથી નહોતું લીધું. તેમણે ભગવાન કોરોનાથી બચાવશે અને નાસ લેવા જેવી સારવાર દ્વારા તાંઝાનિયાના લોકો સુરક્ષિત રહેશે તે અર્થનું નિવેદન આપ્યું હતું. તેમણે કોરોના વાયરસ ટેસ્ટની મજાક ઉડાવીને વેક્સિનને ખતરનાક અને પશ્ર્ચિમી દેશોનું ષડયંત્રણ ગણાવ્યું હતું. ઉપરાંત તેમણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોનો પણ વિરોધ કર્યો હતો. તાંઝાનિયાના મુખ્ય વિપક્ષી નેતાએ મગુફુલી કોરોના સંક્રમિત છે અને ભારતમાં તેમની સારવાર ચાલી રહી છે તેવો દાવો કર્યો હતો.