’તાંડવ’: એમેઝોને મનોજ વાજપેયીની ’ધ ફેમિલી મેન ૨’ની ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ કેન્સલ કરી

વેબ સિરીઝ ’તાંડવ’ના વિવાદની અસર મનોજ વાજપેયીની ’ધ ફેમિલી મેન ૨’ને પણ થઈ છે. આજે એટલે કે ૧૯, જાન્યુઆરી મંગળવારના રોજ આ સિરીઝનું ટ્રેલર લૉન્ચ થવાનું છે. જોકે, હવે આ ટ્રેલર લૉન્ચિંગ અચોક્કસ સમય સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, ’મંગળવારના રોજ પત્રકારો સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ થવાની હતી. જોકે, ’તાંડવ’ એમેઝોનનો જ શો હોવાથી પત્રકારો આ અંગે સવાલો કરી શકે. મેકર્સ તરફથી આ અંગે નક્કર જવાબ તૈયાર નહોતો. આથી જ ટ્રેલર લૉન્ચની ઈવેન્ટ જ રદ કરી દેવામાં આવી હતી. વિવાદને કારણે અલી અબ્બાસ તથા એમેઝોન પ્રાઈમ ઓરિજિનલ કન્ટેન્ટ પ્રમુખ અપર્ણા પુરોહિત વચ્ચે લાંબી મિટીંગ ચાલી હતી. સ્ટ્રીિંમગ પ્લેટફોર્મની પીઆર પ્રમુખ સોનિયા હુરિયાએ માહિતી તથા પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી. એમેઝોન પ્રાઈમ પ્રમુખ એ વાતમાં ધર્મસંકટમાં મૂકાયા છે કે સ્ટેટમેન્ટ શું આપવામાં આવે. આ પહેલી વાર નથી કે જ્યાં એમેઝોન કોઈ વિવાદમાં ફસાયું હોય. ગયા વર્ષે ’મિર્ઝાપુર ૨’ તથા ’પાતાલ લોક’ અંગે પણ વિવાદ થયો હતો. જોકે, તે વિવાદ માંડ એક-બે દિવસ ચાલ્યો હતો. આથી મેકર્સે જે તે વિવાદિત સીન પણ બદલવા પડ્યા નહોતાં. અલબત્ત, ’તાંડવ’ વિવાદ હજી પણ ચાલુ છે.