તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિભાભીના રોલમાં જોવા મળશે સુનૈના ફોઝદાર

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં જ ૧૨ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ સિરિયલ હાલમાં બે કલાકારોને કારણે ચર્ચામાં છે. આ સિરિયલમાં અંજલિભાભીનું પાત્ર ભજવતી નેહા મહેતા તથા મિસ્ટર સોઢીનો રોલ કરતો ગુરુચરણે આ શો છોડી દીધો છે. હવે આ બંનેના સ્થાને નવા કલાકારો પણ આવી ગયા છે અને તેમણે શોનું શૂિંટગ પણ શરૂ કરી દીધું છે. એક અહેવાલ પ્રમાણે, નેહા મહેતાના સ્થાને એક્ટ્રેસ સુનૈના ફોઝદારને લેવામાં આવી છે.
સુનૈનાએ શૂિંટગ શરૂ પણ કરી દીધું છે. ૧૯ જુલાઈ, ૧૯૮૮માં મુંબઈમાં જન્મેલી સુનૈનાએ વર્ષ ૨૦૦૭થી ટીવી સિરિયલ ’સંતાન’થી કરિયરની શરૂઆત કરી હતી. સુનૈનાએ અનેક સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ ’કૂબૂલ હૈં’, ’અદાલત’, ’રહેના હૈં તેરી પલકો કી છાંવ મેં’, ’લાગી તુઝસે લગન’, ’હમસે હૈં લાઈફ’, ’પ્રિયા બસંતી રે’, ’મહીસાગર’, ’એજન્ટ રાઘવ’, ’ડોલી અરમાનો કી’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. સુનૈનાએ વર્ષ ૨૦૧૬માં બિઝનેસમેન કુનાલ ભાંભવાણી સાથે લગ્ન કર્યાં હતા. સુનૈના સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની ગ્લેમરસ તસવીરો અવાર-નવાર પોસ્ટ કરતી હોય છે.