તારક મહેતા…ના જૂનાં અંજલિ ભાભીએ કહૃાું શોમાં પરત આવવા માટે મેં પ્રોડ્યૂસરને કોઈ ફોન કર્યો નહોતો’

લોકપ્રિય કોમેડી સિરિયલ ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ગયા વર્ષે બે પાત્રો અચાનક જ બદલાઈ ગયા હતા, જેમાં સોઢી એટલે કે ગુરુચરણ સિંહ તથા અંજલિભાભી એટલે કે નેહા મહેતાએ આ શો છોડી દીધો હતો. નેહા મહેતા છેલ્લાં ૧૨ વર્ષથી આ શો સાથે જોડાયેલી હતી. હાલમાં નેહાને બદલે અંજલિભાભીનો રોલ સુનૈના ફોજદાર નિભાવી રહી છે. તાજેતરમાં જ એવી ચર્ચા થતી હતી કે નેહા મહેતા શોમાં પરત આવવા માગે છે. નેહાએ આ ચર્ચા અંગે વાત કરી હતી.

નેહાએ સ્પષ્ટતા કરી હતી, ’આવી વાતમાં કોઈ સચ્ચાઈ નથી. હું ત્યારે જ પરત આવીશ જ્યારે સિરિયલના દર્શકો, પ્રોડક્શન હાઉસ તથા ચેનલ મને પરત લેવા ઈચ્છતી હશે. આટલું જ નહીં શો છોડ્યા બાદ મેં ક્યારેય પ્રોડક્શન હાઉસને પરત આવવા માટે ફોન કર્યો નથી. મારી પહેલી પ્રાથમિકતા હંમેશાં દર્શકો છે. તેમણે મને આટલા વર્ષોથી પ્રેમ તથા આદર આપ્યો છે. મને ખ્યાલ નથી કે આવી ચર્ચા કેવી રીતે થઈ રહી છે. વધુમાં નેહાએ કહૃાું હતું, ’મેં આ શોને મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો અને મારું કમબેક દર્શકો પર આધાર રાખે છે.

હું પ્રોડક્શન હાઉસ કે પછી અસિત સરની વિરોધમાં નથી. હું ખરેખર જે માનું છું, તેના માટે સ્ટેન્ડ લીધું હતું અને તેથી જ મેં શો છોડ્યો હતો. મારે કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી કરવી નથી. તેથી જ હું ચૂપ રહેવામાં માનું છું. મેં શો છોડ્યો તે માટે હું કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. આટલું જ નહીં હું કોઈ સ્પષ્ટીકરણ આપવામાં માનતી નથી. હું હંમેશાં ભગવાનના આશીર્વાદથી સારા કર્મો કરવામાં માનું છું.