તિસ્તા આણિ મંડળી મોદીને ભેખડે  ભરાવવા જતા ખુદ ઊંડે ભરાઈ પડી

ગુજરાતનાં ૨૦૦૨નાં કોમી રમખાણોને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી તેના એક દિવસ પછી તિસ્તા સેતલવાડને જેલભેગાં કરી દેવાયાં છે. ગુજરાત એટીએસની ટીમ શનિવારે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ લઈ આવી છે. તિસ્તાના સાગરિત આર. બી. શ્રીકુમારને પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અંદર કરી દેવાયા છે જ્યારે તિસ્તાના બીજા સાથી સંજીવ ભટ્ટ બીજા કેસમાં જેલની હવા ખાઈ રહ્યા હોવાથી તેમને પણ ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડીમાં લેવાશે.

તિસ્તા, શ્રીકુમાર અને ભટ્ટની ત્રિપુટીની ધરપકડ પાછળ સુપ્રીમ કોર્ટે કરેલી ટીપ્પણીઓ છે. સુપ્રીમે અરજદાર ઝકિયા જાફરીની ઝાટકણી કાઢતાં કહેલું કે, છેલ્લા ૨૦ વર્ષથી આ મુદ્દાને સળગતો રાખવા માટે બદઈરાદાપૂર્વક અરજીઓ કરાય છે. ગુજરાતનાં રમખાણો વખતે મુસ્લિમોની કત્લેઆમ કરવા માટે સરકારમાં બેઠેલા લોકો કે ઉચ્ચઅધિકારીઓ દ્વારા ગુનાઈત કાવતરું રચાયું હોય તેવા કોઈ પુરાવા એસઆઈટીની તપાસમાં મળ્યા નથી છતાં ઝાકિયા અરજી પર અરજી કર્યા કરે છે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહેલું કે, આ પ્રક્રિયાના દુરૂપયોગમાં સામેલ બધા જ લોકોને આરોપીના કઠેડામાં ઊભા કરવાની જરૂર છે. તેમની સામે કાયદા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ. ઝાકિયા જાફરીની અરજી ‘સમ અધર પીપલ’ દ્વારા પ્રેરિત છે. આ ‘સમ અધર પીપલ’માં તિસ્તા, શ્રીકુમાર અને ભટ્ટની ત્રિપુટી મુખ્ય હોવાથી તેમને જેલમાં ધકેલી દેવાયાં છે.

સુપ્રીમે એવી ટીપ્પણી પણ કરેલી કે, ઝાકિયા આડકતરીરીતે કોર્ટોના ચૂકાદા સામે સવાલ ઉઠાવી રહ્યાં છે. અરજીની વિગતો પણ જૂઠ્ઠા હોવાનું લાગતાં લોકોનાં સોગંદનામાં પર આધારિત છે. સુપ્રીમ કોર્ટે સૌથી આકરી ટીકા એ કરી છે કે, આ અરજી સુપ્રીમ કોર્ટે નીમેલી એસઆઈટીના સભ્યોની સત્યનિષ્ઠા તથા પ્રમાણિક્તા સામે સવાલો કરે જ છે પણ સુપ્રીમ કોર્ટની બુદ્ધિમત્તા સામે પણ સવાલ ઉઠાવે છે.

સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણીઓના પગલે તિસ્તા, ભટ્ટ અને શ્રીકુમારનો વારો પડી ગયો છે. ત્રણેયની ધરપકડ યોગ્ય ને કાયદેસર છે. આ વાતને સમજવા માટે સુપ્રીમ કોર્ટે આ આકરી ટીપ્પણી કેમ કરવી પડી એ સમજવું જરૂરી છે. ઝાકિયા જાફરીની અરજીમાં તોફાનો વખતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ, શ્રીકુમાર ઉપરાંત ભાજપના ધારાસભ્ય હરેન પંડયાના સોગંદનામાનો ઉલ્લેખ કરાયો હતો. હરેન પંડ્યાની પછીથી હત્યા થઈ હતી.

સંજીવ ભટ્ટ, હરેન પંડયા અને આર. બી. શ્રીકુમારે દાવો કરેલો કે, તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ બોલાવેલી બેઠકમાં પોતે હાજર હતા અને આ બેઠકમાં મુસ્લિમોની કત્લેઆમ કરવાનું મોટું કાવતરું ઘડાયું હતું. આ દાવા એસઆઈટીની તપાસમાં ખોટા સાબીત થયા હતા. વાસ્તવમાં આ ત્રણેય મોદીએ બોલાવેલી બેઠકમાં હાજર જ નહોતા. તેમનાં નિવેદનો પણ રાજકીય ઈરાદા સાથેનાં હોવાનું જણાયું હતું. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ ખોટી એફિડેવિટ કરીને ભેરવાયા છે.

તિસ્તાએ શું વરવી ભૂમિકા ભજવેલી તેનો પણ સુપ્રીમ કોર્ટે ઉલ્લેખ કર્યો છે. તિસ્તાએ ખોટી સહી કરી હોવાનો કેસ તો છે જ પણ તેના કરતાં વધારે મહત્ત્વની બાબત સુપ્રીમની ટીપ્પણી છે. સુપ્રીમના કહેવા પ્રમાણે તિસ્તાએ પોતાના સ્વાર્થ માટે ઝકિયા જાફરીની લાગણીઓનો દુરુપયોગ કર્યો છે. ઝકિયા અહેસાન જાફરી અસલી પીડિત છે પણ તિસ્તા મદદ કરવાના બહાને તેમને ગેરમાર્ગે દોરી રહી હતી. તિસ્તાએ રમખાણ પીડિતોને મદદ કરવાના બહાને કરેલી નાણાંકીય ઉચાપત સહિતના કેસો પણ ઊભા જ છે એ જોતાં તિસ્તાએ વરવી ભૂમિકા ભજવી છે તેમાં શંકા નથી.

તિસ્તા આણિ મંડળીએ મોદીને ટાર્ગેટ કરીને રીતસરનાં જૂઠાણાં ચલાવેલાં. ૨૦૦૨નાં રમખાણો વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની તેમની બંધારણીય ફરજ હતી છતાં તોફાનો થયાં એ તેમની નિષ્ફળતા કહેવાય પણ એ વખતે જે સંજોગો હતા એ જોતાં મોદી તો શું પણ બીજા કોઈ મુખ્યમંત્રી પણ તોફાનો રોકી શકે તેમ નહોતા. ગોધરામાં હત્યાકાંડ સર્જવામાં આવ્યો તેના કારણે હિંદુઓનો આક્રોશ ભડકેલો ને તેનું રીએક્શન તોફાનો સ્વરૂપે આવ્યું. આ તોફાનોમાં મુસ્લિમો મર્યા એ શરમજનક કહેવાય પણ માત્ર મુસ્લિમો મર્યા એવું પણ નથી, હિંદુઓ પણ મર્યા જ હતા એ જોતાં ગુજરાતનાં રમખાણો નરેન્દ્ર મોદીએ કરાવેલાં કે તેમની સરકારના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થઈ એ વાત દમ વિનાની છે. આ વાત સુપ્રીમ કોર્ટે રચેલી ટીમે પણ સ્વીકારી છે પણ તિસ્તા બદઈરાદાને પાર પાડવા આ રેકર્ડ વગાડ્યા કરતાં હતાં.

તિસ્તા છેલ્લા વીસ વરસથી મથ્યા કરતાં હતાં પણ મોદીએ તોફાનો ભડકાવ્યાં કે રમખાણગ્રસ્તોને મદદ કરવાના બદલે તોફાનીઓને છૂટો દોર આપેલો એવું સાબિત કરી શકે તેવો એક પણ પુરાવો રજૂ કરી શક્યાં નહોતાં. તેમની વાત અંગ્રેજી મીડિયાએ ઊભા કરેલા ચિત્ર પર ઊભી કરાયેલી છે. દંભી સેક્યુલર જમાત ને અંગ્રેજી મીડિયાએ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને બહું મોટાં ચિતરી નાખ્યાં હતાં.

ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણીને સાફ કરાયા હોય તે પ્રકારની સ્ટોરીઝ, અત્યાચારની મનઘડંત વાતો ને દયામણા ચહેરે ઉભેલા મુસ્લિમોની જુદા જ પ્રસંગની તસવીરો દ્વારા તેમણે રમખાણોનું અલગ જ ચિત્ર ઉભું કર્યું ને તિસ્તા તેના જોરે મોદીને દોષિત ઠેરવવા નીકળ્યાં હતાં. વરસો લગી મીડિયાના માધ્યમથી એક જબરદસ્ત કુપ્રચાર ચલાવીને રમખાણો મોદીના ઈશારે કરાયાં હોવાનું ચિત્ર ઊભું કરવા ફાંફાં માર્યાં. સુપ્રીમ કોર્ટે નિમેલી એસઆઈટીની તપાસમાં આ વાત ખોટી હોવાનું સાબિત થયા પછી પણ તિસ્તાએ પૂંછડું ના છોડ્યું. કોર્ટમાં અરજીઓ કરીને સમય બગાડ્યો તેના પરથી તેમના બદઈરાદા સાબિત થાય જ છે.

ઝાકિયાના પતિ અહેસાન જાફરીની રમખાણોમાં હત્યા થઈ હતી. અહેસાન જાફરી કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ સાંસદ હતા. પોતાના પતિના હત્યારાઓને સજા કરાવવા માટે ઝાકિયા ન્યાય માગે તે બરાબર છે પણ ન્યાયના નામે એ મોદીને ખલનાયક સાબિત કરવા મથ્યા કરતાં હતાં. અહેસાન જાફરીએ લોકોને ઉશ્કેરેલા એવું પણ એસઆઈટીની તપાસમાં બહાર આવેલું. જાફરી ગુજરી ગયા છે તેથી તેમણે શું કરેલું તેની વાતમાં આપણે પડતા નથી પણ તેમની હત્યા માટે મોદીને મોદીને વિલન ના ચિતરી શકાય.