તૂટેલી ઓફિસનું કંગના નહીં કરાવે સમારકામ, જણાવ્યું મોટું કારણ

બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસનું બાંધકામ ગેરકાયદૃે હોવાના દાવા સાથે બીએમસીએ તેને તોડી પાડયું હતું. કંગના અને શિવસેનાના નેતાઓ છેલ્લા કેટલાક સમયથી સામસામે આવી ગયા હતા અને કંગને તેમણે પડકારી હતી તો સામે કંગનાએ મુબઈને પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) કહેતા મોટો વિવાદ સર્જાયો હતો. હવે પોતાની તૂટેલી ઓફિસની ગુરુવારે મુલાકાત લીધા બાદ કંગનાએ એક મોટો નિર્ણય લીધો હતો. કંગના હવે હાલમાં જે સ્થિતિ છે તે મુજબ જ ઓફિસ રાખશે.
તે હવે ઓફિસનું સમારકામ કરાવશે નહીં. તે પોતાની ઓફિસને અત્યારે છે તેવી જ હાલતમાં રાખીને એક મહિલાની ઇચ્છાશક્તિની મિસાલ બનાવશે. બીએમસીએ કંગનાની પાલી હિલ ખાતેની ઓફિસ તોડી નાખી હતી અને એવો દાવો કર્યો હતો કે તે બાંધકામ ગેરકાયદૃે હતું. જોકે કંગનાએ દાવો કર્યો હતો કે તેની ઓફિસનું બાંધકામ કાયદૃેસર હતું. કંગનાએ ગુરુવારે પહેલી વાર તેની ઓફિસની મુલાકાત લીધી હતી.
તેણે લખ્યું હતું કે ૧૫મી જાન્યુઆરીએ જ આ ઓફિસની કામગીરી શરૂ થઈ હતી. જોકે મેં હજી સુધી કામ શરૂ કર્યું નથી. હવે તેનું સમારકામ કરવા માટે મારી પાસે પૈસા નથી. હું ઓફિસ આમ જ રાખીશ. બીજી તરફ બીએમસીએ બોમ્બે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કરીને કંગનાની ઓફિસે કરેલી પોતાની કામગીરીને યોગ્ય ઠેરવી હતી. આ સામે કંગનાના વકીલે ૧૪મી સપ્ટેમ્બરે જવાબ આપવાનો છે. જેમાં કંગનાને નવી રજૂઆત કરવાની તક મળશે.