ત્રિમૂર્તી બાલાજી મંદિર પાસે બોમ્બ ની અફવા થી પોલીસ થઇ દોડતી

રાજકોટમાં ‘બોમ્બ હોવાની જાણ થતા બોમ્બ સ્કવોર્ડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તપાસ કરાતા બોમ્બ નહીં પરંતુ પેટ્રોલનો નમુનો લીધેલ બોટલ હોવાનું ખુલતા પોલીસ અધિકારીઓ સહિત સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ત્રિમૂર્તી બાલાજી મંદિર પાસે સ્થિત બાકડા નજીક એક શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ પડી હોવાનો જાગૃત નાગરીકે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ બોમ્બ સ્કવરોડ, ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
દરમિયાન આ સ્થળે તપાસ કરાતા તે બોમ્બ નહીં પરંતુ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલનો નમુનો લીધેલ બોટલ હોવાનું ખુલતા પોલીસ સ્ટાફ સહિત સૌ કોઈએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. બીજી તરફ મંદિર નજીક કોઈ બોમ્બ મુકી ગયાની અફવા બજાર ગરમ થતા લોકોમાં ભય ફેલાયો હતો. પી.આઈ. કે.એ. વાળાએ જણાવ્યું કે, શંકાસ્પદ બોમ્બની વાતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. જાણ થતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે જઈ બોમ્બ સ્કવોર્ડની ટીમને સાતે રાખી તપાસ કરતા તે માત્ર પેટ્રોલનાં સેમ્પલની બોટલ હોવાનું ખુલ્યું હતું.
આથી નજીકમાં પેટ્રોલ પંપના કર્મીને બોલાવી આ અંગે પુછતા તેણે આ બોટલ પેટ્રોલના સેમ્પલ લેવાની હોવાનું જણાવ્યું હતું. આથી કોઈ બોટલ ભુલી ગયા બાદ જાગૃત નાગરીકે શંકાસ્પદ વસ્તુમાનીને પોલીસને ફોન કર્યો હતો. તેમજ આ સ્થળેથી બીજી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.