થોડાક લોકોને કારણે આખા બોલિવૂડને ડ્રગ્સ લેનારા વ્યસનીઓને અડ્ડો કહેવાય ?

સુશાંતસિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં ચાલી રહેલી તપાસના કારણે બોલીવૂડમાં ડ્રગ્સના દૂષણ અંગે લાંબા સમયથી ખટપટ ચાલી જ રહી છે. હવે રાજકારણીઓ પણ આ ચોવટમાં કૂદી પડતાં ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. ગોરખપુરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ રવિ કિશને સોમવારે સંસદના ચોમાસુસત્રના પહેલા જ દિને બોલીવૂડમાં ડ્રગ્સની બોલાબાલા મુદ્દે લાંબુલચ્ચક ભાષણ આપેલું. કંગના રાણાવતે રવિવારે બોલીવૂડમાં ડ્રગ્સના બંધાણીઓનો દબદબો છે ને આ ગટરને સાફ કરવા મોદીને વિનંતી કરતી ટ્વિટ કરેલી. રવિ કિશને કંગનાની વાતમાં હાજીયો પૂરાવીને બોલીવૂડની યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી ગઈ છે એવો દાવો કરેલો. કંગનાની જેમ રવિએ પણ બોલીવૂડમાં ડ્રગ્સના દૂષણને ડામવા મુદ્દે શિખામણોનો મારો ચલાવી દીધેલો.

ટીવી ચેનલો હમણાં કંગના રાણાવતની પાલખી ઉંચકીને ફરે છે. રવિ કિશને કંગનાની વાતમાં હાજીયો પૂરાવ્યો એટલે તેમણે રવિની પાલખી પણ ઉંચકી લીધી. રવિએ સંસદમાં મહાન ભાષણ આપી દીધું ને બોલીવૂડનો વરવો ચહેરો ખુલ્લો કરી દીધો એવા દાવા કરીને ચેનલો તેના પર વરસી પડેલી. રવિની વાહવાહી ચાલુ હતી ત્યાં મંગળવારે સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને રવિ ને કંગના આણિ મંડળીનાં છોતરાં ફાડી નાખતું પ્રવચન ફટકારી દીધું. જયા બચ્ચને કંગના-રવિ સહિતનાં લોકોને રીતસરનાં ગદ્દાર ગણાવીને કહ્યું કે, આ લોકો જે થાળીમાં ખાય છે એ થાળીમાં જ થૂંકનારા છે. જયાએ બોલીવૂડ ડ્રગ્સની ચુંગાલમાં છે એ વાત સામે પણ વાંધો લીધો ને બોલીવૂડની બદનામી બંધ કરવા કહ્યું. જયાએ બીજી એક પણ મહત્ત્વની વાત એ કરી કે, થોડાક લોકો ડ્રગ્સ લેતા હોય તેથી આખા બોલીવૂડને ડ્રગ્સનું બંધાણી ન ગણાવી શકાય કે ચરસી ના કહી શકાય. જયાએ બીજી પણ ઘણી વાતો કરી ને એ બધી વાતો માંડવી શક્ય નથી પણ જયાએ કંગના-રવિ જેવાં લોકોને બરાબર જવાબ આપ્યો.

અત્યારે બોલીવૂડ ને ડ્રગ્સના મામલે હઈસો હઈસો ચાલે છે ને બધાં બોલીવૂડને ગાળો દેવામાં પડ્યાં છે. કોઈ સામા પ્રવાહે તરવા તૈયાર નથી. ભાજપવાળા કંગનાની ભાટાઈ કરવામાં મસ્ત છે તેથી કંગના જે પણ લવારા કરે તેની સામે કાં લોકો ચૂપ રહે છે કાં તેની હામાં હા મિલાવે છે. જયાએ કંગનાની ઐસીતૈસી કરીને તેને રીતસર લઈ પાડી ને રવિ કિશનને પણ તોડી પાડ્યો. ખાસિયાણા પડેલા રવિએ જયાજી મારી વાત સમજ્યાં નથી એવું કહીને ગેંગેફેંફે કર્યું ને કંગનાએ તેની આદત પ્રમાણે વાહિયાત વાતો કરીને જવાબ આપ્યો. જયાની દીકરી શ્વેતા પર અત્યાચાર ગુજારીને તેને ડ્રગ્સ લેવાની ફરજ પડાઈ હોત કે અભિષેકે આવા ત્રાસના કારણે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોત તો પણ જયા મેડમ આવી વાતો કરતાં હોત ખરાં એવો સાવ વાહિયાત સવાલ કરીને કંગનાએ તેની હલકી માનસિકતા છતી કરી. આ બાઈને શું કહેવું એ જ સમજાતું નથી. પોતાનો કક્કો ખરો કરવા માટે કોઈની બેઈજ્જતી કરતા તેને વાર લાગતી નથી.

કંગનાએ બીજું શું કહ્યું તેની વાતોમાં આપણે પડતા નથી કેમ કે તેની વાતોમાં બકબક ને ટકટક સિવાય કશું હોતું નથી પણ જયાની વાત પછી બોલીવૂડ રાજી થઈ ગયું. ઘણી ફિલ્મી હસ્તીઓએ જયાની વાતને વધાવી ને સૌથી મોટી વાત એ છે કે, ભાજપનાં સાંસદ હેમા માલિનીએ જયાની વાતને ટેકો આપ્યો છે. હેમાએ પણ જયાએ કહેલું એ જ કહ્યું છે કે, થોડાક લોકો ડ્રગ્સ લે તેના કારણે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ન કરી શકાય.

જયા બચ્ચન અને હેમા માલિનીની વાત સાવ સાચી છે. બોલીવૂડમાં ડ્રગ્સનું દૂષણ નથી એવું કોઈ ન કહી શકે પણ બોલીવૂડ ડ્રગ્સની ગટર છે એવું બિલકુલ ન કહી શકાય. બોલીવૂડની પાર્ટીઓમાં ડ્રગ્સ લેવાતું હશે તેની ના નહીં ને મોટા મોટા સ્ટાર પણ ડ્રગ્સ લેતા હશે પણ એ વ્યક્તિગત બાબતો છે. તેને આખી ઈન્ડસ્ટ્રી સાથે ના જોડી શકાય. આ પ્રકારનું કલ્ચર દરેક ઈન્ડસ્ટ્રીમાં હોય છે. કોર્પોરેટ, મીડિયા, ફેશન કે પોલીટિકલ પાર્ટીઓમાં પણ કાનૂની રીતે માન્ય ના હોય એવું ઘણું બધું થતું હોય છે. તેના કારણે આ બધાં ક્ષેત્રો પર કોઈ લેબલ લગાવાતાં નથી. એ જ રીતે બોલીવૂડ પર પણ કોઈ લેબલ ના લગાવી શકાય કે તેને ડ્રગ્સ સાથે જોડી ના શકાય. બોલીવૂડ એક ઈન્ડસ્ટ્રી છે ને તે એ રીતે જ જોવી જોઈએ. જે લોકો ખોટા ધંધા કરે છે એ વ્યક્તિગત રીતે કરે છે ને તેની સામે કાનૂની પગલાં લેવાવાં જોઈએ પણ આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ના કરવી જોઈએ.

બોલીવૂડના થોડાક લોકો ડ્રગ્સ લે છે એ કારણે બોલીવૂડને ડ્રગ્સ સાથે જોડી દેવાનું લોજિક લાગુ પાડીએ તો આપણા રાજકીય પક્ષોને શું કહીશું? આ દેશમાં કોઈ રાજકીય પક્ષ એવો નથી કે જેમાં ખૂન ને બળાત્કાર જેવા ગંભીર અપરાધોના આરોપીઓ ના હોય. ભ્રષ્ટાચાર તો બહુ સામાન્ય છે તેથી તેની તો વાત જ નથી કરતા પણ ગંભીર ગુનાના અપરાધીઓ દરેક રાજકીય પક્ષમાં થોકબંધ પ્રમામાં છે. તેના કારણે આપણા રાજકીય પક્ષો ગુંડા ટોળકીઓ છે એવું કહેવાય? આપણી સંસદમાં ત્રીસ ટકા કરતાં વધારે સાંસદો એવા છે કે જેમની સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. તેના કારણે આપણી સંસદને ગુંડા કે અપરાધીઓનો અડ્ડો થોડો કહેવાય ? બિલકુલ ન કહેવાય. આપણી સંસદમાં અપરાધીઓનું જે પ્રમાણ છે એટલા પ્રમાણમાં બોલીવૂડ સાથે સંકળાયેલા લોકો ડ્રગ્સ લેતા હશે કે નહીં એ ખબર નથી પણ જો સંસદને અપરાધીઓનો અડ્ડો ન કહી શકાય તો બોલીવૂડને કઈ રીતે ડ્રગ્સ સાથે જોડી શકાય ?

બોલીવૂડને ડ્રગ્સ સાથે જોડવાનું કામ ચેનલો કરે છે ને આ તૂત કંગના રાણાવતે ઊભું કરેલું છે. કંગના રાણાવત પોતે કબૂલી ચૂકી છે કે, પોતે ડ્રગ એડિક્ટ હતી ને નશાની એ હદે આદત પડી ગયેલી કે માંડ માંડ બચી હતી. જે વ્યક્તિ પોતે ડ્રગ્સ લેતી હતી એ વ્યક્તિ બીજાં પર આક્ષેપો કરે છે તેના કરતાં વધારે હાસ્યાસ્પદ વાત બીજી કોઈ ના હોઈ શકે. આ તો હું કરું એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી વાત થઈ. ને કંગનાને બોલીવૂડનું એટલું જ લાગી આવતું હોય, બોલીવૂડને ડ્રગ્સની ચુંગાલમાંથી છોડાવાનો એટલો જ સણકો ઉપડ્યો હોય તો એ પોતે કેમ ફરિયાદ કરતી નથી? કંગના ફલાણાનો બ્લડ ટેસ્ટ કરાવો ને ઢીંકણાને ઉઠાવીને પૂછપરછ કરો એવું ડહાપણ ડહોળે છે તો પોતે આગળ આવીને કેમ ફરિયાદ કરતી નથી?

કંગનાનો દાવો છે કે, તેને કોઈ કેરેક્ટર એક્ટર અભિનેતાએ ડ્રગ્સ આપીને પછી તેની સાથે અંગત સંબંધો બાંધ્યા હતા. કંગના એ માણસ સામે કેમ ફરિયાદ કરતી નથી? કંગના પોતે ડ્રગ્સ લેતી હતી તો એ પણ ડ્રગ્સ પેડલર્સને ઓળખતી જ હશે. તેમનાં નામ એ કેમ જાહેર કરતી નથી? ડ્રગ પેડલરને ના ઓળખતી હોય તો પણ કોઈ તો તેને ડ્રગ્સ લાવીને આપતું હશે. કંઈ આસમાનમાંથી તો ડ્રગ્સ આવીને તેના ખોળામાં પડતું નહીં હોય ને ? તેમનાં નામ પણ કંગના કેમ જાહેર કરતી નથી ? કંગનાએ હજુ સુધી પોતાનાં ડ્રગ્સના પરાક્રમોની બહુ વાતો કરી પણ કોઈનું નામ તો આપ્યું નથી. શા માટે કંગના કોઈનું નામ નથી આપતી ? ટીવી ચેનલો કંગનાના નામે હઈસો હઈસો કર્યા કરે છે પણ એ લોકો પણ આ સવાલ કંગનાને કરતા નથી. ચેનલોને પણ સત્યનો ચસકો હોય તો તેમણે પણ કંગનાની ભાટાઈ કરવાના બદલે આ સવાલો પૂછવા જોઈએ.

બીજું એ કે, કંગનાએ પોતે ડ્રગ્સ લીધું હોવાની કબૂલાત કરી છે. કંગનાને સાચું કરવાની ને કહેવાની ચળ ઉપડી છે તો પોતે ડ્રગ્સ લીધેલું તેની કબૂલાત કરીને પોતાની સામે કેસ કરવા પોલીસને કેમ કહેતી નથી ? રીયા ચક્રવર્તી, સારા અલી ખાન કે રકુલ પ્રિતસિંહ ડ્રગ્સ લે એ ખોટું છે. તેમની સામે કાયદા પ્રમાણે પગલાં લેવાવાં જ જોઈએ પણ કંગના સામે પણ લેવાવાં જોઈએ કે નહીં ? અધ્યયન સુમને કંગના ડ્રગ્સ લે છે એવું કહ્યું એ વાત સાચી ના માની શકાય કેમ કે અધ્યયન દેવનો દીકરો નથી પણ અહીં તો કંગનાએ તો પોતે મીડિયા સામે, આખી દુનિયા સામે આ કબૂલાત કરી છે. કંગનાએ આ કબૂલાતને વળગી રહીને સામેથી હાજર થવું જોઈએ ને પોતાની સામે કેસ નોંધવા કહેવું જોઈએ.