દક્ષિણ ગુજરાતના ૨૮ તાલુકામાં વરસાદ

  • ૨૪ કલાક દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી
  • સૌથી વધુ ઉમરપાડામાં ૨.૫, સોનગઢમાં ૨ ઈંચ

 

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨.૫ અને તાપી જિલ્લાના સોનગઢમાં ૨ ઈંચ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૨૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. બે તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રથી ઉત્તર ભારત સુધી મોન્સૂન રેખા બની છે. જેના કારણે આગામી ૨૪ કલાક સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વાલોડમાં ખુમચંદ લક્ષ્મીચંદ પ્રાથમિક શાળાના કેમ્પસમાં કમર જેટલા પાણી ભરાયા હતા.

જેથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શૈલેષભાઇ પટેલને થતાં તાત્કાલિક ફળિયાના યુવાનોને લઇ જઈ પાણીના નિકાલ માટે પ્રયાસ શરુ કરી આ પાણીના ભરાવા અંગેની જાણ સરપંચ જ્યોતિબેન નાયકાને કરી હતી. સરપંચ પણ સ્થળ પર પહોંચી જઈ પાણીના નિકાલ માટેના પ્રયાસો આદર્યા હતા. ૩ ફૂટ થી વધુ પાણીનો ભરાવો થયો હોવાથી શાળામાં વરસાદી પાણીના ચેમ્બરને સ્થાનિક યુવાનોએ ખોલવા પ્રયાસ કર્યા હતા અને ચેમ્બર ખોલી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ શાળાની કેમ્પસની દીવાલમાં બાકોરું પાડી પાણીનો નિકાલ ઝડપી થાય તે માટે પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક શાળા બહાર ગામના વરસાદી પાણીની બે મોટી ગટર લાઈનોના ચેમ્બરો સાફ ન કરી હોવાને કારણે ચેમ્બર બ્લોક થઇ જતા તમામ પાણી ચેમ્બરની બહાર નીકળતા શાળામાં પાણી ભરાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

વાપીમાં હાલ વરસાદી માહોલ જામ્યો નથી. વરસાદી ઝાપટા પડી રહૃાાં છે, રવિવારે સવારે વરસાદ પડતાં જ વાપી નવા અંડરપાસ પાસે વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાંતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહૃાાં છે.