દાદરા નગર હવેલીમાં જેના નામનો ડંકો હતો એ ડેલકરનું મોત ભેદી છે

ગુજરાતના રાજકારણમાં આંચકો લાગી જાય એવી ઘટનાએ બહુ ઓછી બને છે. સોમવારે આવી જ એક ઘટનામાં દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઈ ગયું. મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટલમાં ડેલકરનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો ને તેમના મૃતદેહ પાસેથી એક કહેવાતી સુસાઈડ નોટ પણ મળી છે તેથી પ્રાથમિક તબક્કે ડેલકરે આપઘાત કર્યો હોવાનું મનાય છે પણ ડેલકરનું વ્યક્તિત્વ અને પ્રભાવ જોતાં એ આપઘાત કરે એ વાત ગળે ઊતરે એવી નથી તેથી ગુજરાતીઓને આંચકો લાગી ગયો છે.
મોહન ડેલકરને ગુજરાતી રાજકારણી ગણવા સામે ઘણાં વાંધો લઈ શકે કેમ કે દાદરા અને નગર હવેલી ગુજરાતમાં નથી પણ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જો કે દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલી ભલે કેન્દ્રશાસિત પ્રદેશો હોય પણ આ બંને પ્રદેશ ગુજરાત સાથે જોડાયેલા જ છે. ભૌગૌલિક રીતે ભલે બંને પ્રદેશને અલગ પાડી દેવાયા હોય પણ સામાજિક અને રાજકીય રીતે બંને પ્રદેશ ગુજરાતનો હિસ્સો જ છે. ભૌગૌલિક રીતે ગુજરાતની હદ પૂરી થાય કે તરત આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોની હદ શરૂ થાય છે પણ સામાજિક અને રાજકીય રીતે આ પ્રદેશો ગુજરાતી સંસ્કૃતિનો હિસ્સો જ છે. આ બંને પ્રદેશોમાં ભાષા પણ ગુજરાતી બોલાય છે ને ખાણી-પીણી, રહેણીકરણી બધું ગુજરાતી જ છે તેથી તેમને ગુજરાતનો જ હિસ્સો માનવામાં આવે છે. ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એ બે મુખ્ય રાજકીય પક્ષ છે ને આ બંને પ્રદેશોમાં પણ આ બંને પક્ષ વચ્ચે જ જંગ છે તેથી રાજકીય રીતે ગુજરાતની વાત કરીએ ત્યારે તેમાં આ બંને કેન્દ્રશાસિત પ્રદેશ આવી જ જાય.
રાજકીય રીતે ગુજરાતમાં જે પણ મોટા નેતા થયા ને લાંબુ ટક્યા એ બધા કોંગ્રેસ ને ભાજપની છત્રછાયામાં જ ઉછરેલા નેતા છે. આંગળીના વેઢે ગણાય એટલા એવા નેતા આવ્યા કે જેમણે પોતાની વ્યક્તિગત તાકાત પર પોતાની રાજકીય કારકિર્દી બનાવીને સિક્કો જમાવ્યો હોય. મોહન ડેલકર આ નેતાઓમાં એક હતા એ સ્વીકારવું પડે. મોહન ડેલકર છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી દાદરા અને નગર હવેલીના રાજકારણ પર છવાયેલા હતા. 1998માં એ પહેલી વાર લોકસભામાં જીત્યા પછી 2004 સુધી સળંગ છ વાર જીત્યા હતા.
2009 અને 2014માં ભાજપના ઉમેદવાર નટુભાઈ ગોમનભાઈ સામે ડેલકર હાર્યા પછી એવું લાગતું હતું કે, ડેલકરના દિવસો પૂરા થઈ ગયા ને એ હવે ફરી નહીં જીતે પણ 2019ની ચૂંટણીમાં ડેલકરે નટુભાઈને હરાવીને જોરદાર પુનરાગમન કર્યું ને સાબિત કર્યું કે એ પતી ગયેલી પાર્ટી નથી ને દાદરા-નગર હવેલીમાં હજુય તેમના નામના સિક્કા પડે જ છે. દાદરા અને નગર હવેલી બહુ મોટો લોકસભા મતવિસ્તાર નથી. લગભગ સવા બે લાખ મતદારો ધરાવતો આ મતવિસ્તાર મતદારોની સંખ્યાની રીતે જોઈએ તો કોઈ વિધાનસભા મતવિસ્તાર જેવડો જ કહેવાય પણ આટલા નાના મતવિસ્તાર પર પણ સાડા ત્રણ દાયકા સુધી વર્ચસ્વ જમાવી રાખવું ને સાત-સાત વાર જીતવું સહેલું નથી જ.
રાજકીય પક્ષોનું પીઠબળ હોય એવા કહેવાતા દિગ્ગજ નેતા પણ પોતાના મતવિસ્તારમાં સાત વાર જીતતા નથી ત્યારે ડેલકરે પોતાની તાકાત પર સાત-સાત વાર જીતી બતાવેલું. ડેલકરે 1989ની પહેલી ચૂંટણી અપક્ષ તરીકે જીતી હતી ને એ પછી કોંગ્રેસે તેમનો હાથ ઝાલતાં 1991 અને 1996માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતેલા. એ પછી ભાજપે પોતાના પડખામાં લેતાં 1998માં ભાજપની ટિકિટ પર જીત્યા હતા. ભાજપ સામે વાંધો પડતાં 2004માં ભારતીય નવશક્તિ નામની પાર્ટી બનાવીને જીતેલા ને એ પછી કુમતિ સૂઝી તો પાછા કોંગ્રેસમાં જતા રહેલા. કોંગ્રેસની ટિકિટ પર 2009 અને 2014માં સળંગ બે વાર હાર્યા પછી ડેલકરને લાગ્યું હશે કે, કોંગ્રેસના રવાડે ચડીશું તો પતી જઈશું એટલે 2019માં અપક્ષ તરીકે લડીને જીત મેળવી બતાવી. સળંગ બે વાર હાર્યા પછી બેઠા થવું ને ભાજપ જેવા જોરાવર પક્ષ સામે ઝીંક ઝીલીને ફરી જીતવું સરળ નથી જ. ગુજરાતમાં કોંગ્રેસના ભલભલા ધૂરંધરો ભાજપ સામે ધૂળ ચાટતા થઈ ગયેલા ત્યારે ડેલકરે પોતાનો ગઢ પાછો મેળવ્યો એ બહુ મોટી વાત કહેવાય.
ડેલકરે દાદરા અને નગર હવેલી વિસ્તારમાં યુનિયન નેતા તરીકે જોરદાર જમાવટ કરી હતી. ડેલકરને રાજકારણ અને યુનિયન બંનેનો વારસો તેમના પિતા પાસેથી મળ્યો હતો. ડેલકરના પિતા સનજીભાઈ ડેલકર આદિવાસી સમાજના આગેવાન હતા ને યુનિયન લીડર હતા. આઝાદી પછીના ગાળામાં દાદરા અને નગર હવેલી વિસ્તારમાં નવી નવી ફેક્ટરીઓ સ્થપાવા માંડી ત્યારે સનજીભાઈ ડેલકરે કામદારોનાં યુનિયનના આગેવાન તરીકે તેમના અધિકાર અપાવવા ભારે ઝીંક ઝીલેલી. આદિવાસીઓના નેતા તો એ હતા જ ને યુનિયનના કારણે કામદારોમાં પણ લોકપ્રિય હતા તેથી 1967માં પહેલી વાર દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારે એ અપક્ષ તરીકે ઊભા રહેલા છતાં જીતી ગયેલા. કોંગ્રેસના ભાગલા થયા પછી એ મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસમાં ગયા તેથી હારી ગયેલા પણ તેમનો દબદબો યથાવત્ હતો. ડેલકરે પિતાનો આ દબદબો જાળવ્યો ને ત્રણ દાયકા કરતાં વધારે સમય લગી બાદશાહત ભોગવી.
ડેલકરની રાજકીય કારકિર્દી યશસ્વી છે તેમાં શંકા નથી ને ઘણાં આ કારકિર્દીનો યશ ડેલકરના મસલ પાવરને આપે છે. ગુજરાતમાં ઉત્તર પ્રદેશ કે બિહારની જેમ રાજકારણનું સાવ અપરાધીકરણ નથી થયું. બિહાર ને ઉત્તર પ્રદેશમાં તો દરેક મતવિસ્તારમાં એકાદ બાહુબલી મળી જ આવે પણ ગુજરાતમાં હજુય પ્રમાણમાં સજ્જન કહેવાય એવા રાજકારણીઓ છે. કોઠાંકબાડાં ને ભ્રષ્ટાચાર કરનારા તો બહુ છે પણ મસલ પાવરના જોરે પોતાની ધાક જમાવનારા બહુ ઓછા છે ને ડેલકરની ગણના આવા રાજકારણીઓમાં થતી હતી.
દાદરા અને નગર હવેલી વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગમાં આદિવાસીઓ છે ને બીજા ભાગમાં ફેક્ટરીઓમાં રહેતા પ્રરપ્રાંતીયો છે. મોહન ડેલકર આદિવાસી છે ને આદિવાસીઓ પર તેમની જોરદાર પકડ છે. કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી દાદરા-નગર હવેલીમાં ટેક્સ ઓછા લાગે છે ને તેનો લાભ લેવા માટે થોકબંધ ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલી છે. મોટી મોટી કંપનીઓની ફેક્ટરીઓ આ વિસ્તારમાં છે. લગભગ બે હજાર જેટલી આ ફેક્ટરીઓમાં યુપી, બિહાર, આંધ્ર પ્રદેશ વગેરેથી આવેલા પચાસેક હજાર મજૂરો કામ કરે છે. આ ફેક્ટરીઓનાં યુનિયન પર ડેલકરની જોરદાર પકડ હતી. ડેલકરે આ આદિવાસીઓ અને યુનિયન વર્કર્સના મસલ પાવરનો ઉપયોગ પોતાના રાજકીય ફાયદા માટે કર્યો તેના કારણે ડેલકરને આ વિસ્તારમાં કોઈ હરાવી જ નહોતું શકતું એવું કહેવાય છે.
ડેલકરે આદિવાસીઓના વિકાસ માટે આદિવાસી વિકાસ સંગઠન અને કામદારો માટે અખિલ દાદરા અને નગર હવેલી કામગાર સંઘ બનાવેલો. આ બંને સંગઠનની મદદથી ડેલકરે રાજકીય વર્ચસ્વ જમાવ્યું હતું. આ સંગઠનોમાં યુવાનોની ભરતી કરીને ધાકધમકી આપીને ફેક્ટરીઓ અને કંપનીઓ પાસેથી ખંડણી ઉઘરાવાતી એવા આક્ષેપો પણ કરાય છે. હિંદુસ્તાન લીવર લિમિટેડ સહિતની ઘણી કંપનીઓએ ડેલકર સામે ધાકધમકી બદલ પોલીસ ફરિયાદો પણ નોંધાવી હતી. જો કે ડેલકરના સમર્થકો મસલ પાવરની વાતોને ખોટી ગણાવે છે. તેમના મતે ડેલકરે આદિવાસીઓ તથા કામદારોના મસિહા હતા. તેમનું શોષણ કરનારાં સામે સતત લડતા તેથી આવી ખોટી વાતો ફેલાવાય છે, બાકી ડેલકરે કદી ગુંડાગીરી કે દાદાગીરી નથી કરી. તેમના માટે ડેલકર રોબિન હૂડ હતા કે જે ધનિક ઉદ્યોગપતિઓને વશમાં રાખીને કામદારોને યોગ્ય વળતર અપાવતા હતા ને આદિવાસીઓને તેમના અધિકાર અપાવતા હતા.
ડેલકરની સાચી ઈમેજ કઈ એ આપણને ખબર નથી પણ ડેલકરની મરજી વિના આ વિસ્તારમાં કશું થઈ શકતુ નહીં તેમાં શંકા નથી. બિઝનેસમેન અને ફેક્ટરી માલિકો તો ડેલકરથી ફફઢતા જ પણ સરકારી અધિકારીઓની પણ ડેલકરની મરજી વિના કશું કરવાની તાકાત નહોતી. શિવસેનાએ આ વિસ્તારમાં કામદાર યુનિયનો પર કબજો કરવાની કોશિશ કરેલી ને બાળાસાહેબ ઠાકરે પોતે 1999માં મોહેન ડેલકરને હરાવવા માટે મેદાનમાં આવેલા પણ ડેલકરને હરાવી શક્યા નહોતા. શિવસેનાએ બહુ મથામણ કરી પણ ડેલકરનો દબદબો ના ઘટ્યો તે ના જ ઘટ્યો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા પછી તેમણે પણ આ વિસ્તારમાં ડેલકરનો પ્રભાવ ઘટાડવા બહુ મથામણ કરેલી પણ સફળતા નહોતી મળી. લોકસભા ચૂંટણીમાં ભાજપે ડેલકરને હરાવ્યા પણ આ વિસ્તારમાંથી તેમનું નામોનિશાન નહોતા મિટાવી શક્યા. ડેલકર જેવા જોરદાર વર્ચસ્વ ધરાવતા નેતાએ આપઘાત કર્યો હોય તો એ આશ્ર્ચર્ય કહેવાય. ડેલકર પાસે આપઘાત કરવા માટે કોઈ કારણ જ નહોતું. નેતાઓનાં અંગત જીવન વિવાદાસ્પદ હોય છે. ડેલકરના અંગત જીવનમાં એવું કશું હતું કે નહીં તે આપણને ખબર નથી પણ તેમના જાહેર જીવનમાં આપઘાત કરવો પડે એવું કશું નહોતું એ નક્કી છે.