દાયકાઓ સુધી ભારતમાં સતત  ભાજપનો ડંકો વાગતો રહેવાનો છે

 લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કારમી પછડાટ અને એક પછી એક રાજ્યોમાં ધોબીપછાડ ખાધા પછી કૉંગ્રેસ ફરી બેઠી થવા મથી રહી છે. અલબત્ત કૉંગ્રેસના નેતાઓ નહેરૂ-ગાંધી ખાનદાનના માનસિક ગુલામ થઈ ચૂક્યા છે તેથી તેમની દૃષ્ટિ નહેરૂ-ગાંધી ખાનદાનનાં સોનિયા ગાંધી કે પાટવી કુંવર રાહુલ ગાંધીથી આગળ જતી જ નથી. તેમાં કૉંગ્રેસનો મેળ પડતો નથી. કોંગ્રેસમાં કેટલાક શાણા નેતા સમજે છે કે, રાહુલમાં કૉંગ્રેસને ફરી બેઠી કરવાનું ગજું નથી પણ તેમની વાત કોઈ સાંભળતું નથી. આ નેતાઓએ સોનિયા-રાહુલના નેતૃત્વ સામે અવાજ ઉઠાવ્યો તો  ઉઠાવીને બહાર ફેંકી દેવાયા છે. નહેરૂ-ગાંધી ખાનદાનના ચમચા તેમને ગદ્દાર ગણાવીને ગાળો આપી રહ્યા છે. તેમને એમ જ લાગે છે કે, કૉંગ્રેસનો કોઈ ઉધ્ધાર કરી શકે તેમ હોય તો એ નહેરૂ-ગાંધી ખાનદાન છે ને ભાજપને કોઈ પછાડી શકે એમ હોય તો નહેરૂ-ગાંધી ખાનદાનની સોનિયા-રાહુલ-પ્રિયંકાની ત્રિપુટી છે.

આ માહોલમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કૉંગ્રેસીઓને કડવી લાગે એવી પણ સાવ સાચી વાત કરી છે. પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ભાજપ સામે જીતાડવાની વ્યૂહરચના બનાવનારા પી.કે.નું કહેવું છે કે, કૉંગ્રેસીઓ ગમે તે માનતા હોય પણ આ દેશના રાજકારણમાંથી ભાજપ દાયકાઓ સુધી ક્યાંય જવાનો નથી પણ તકલીફ એ છે કે, રાહુલ ગાંધીને આ વાત સમજાતી નથી. પી.કે.ના કહેવા પ્રમાણે, આઝાદીનાં પહેલાં ૪૦ વર્ષ લગી જે રીતે કૉંગ્રેસ દેશના રાજકારણમાં કેન્દ્રસ્થાને હતી એ રીતે હવે ભાજપ કેન્દ્રસ્થાને છે.

પી.કે.ના દાવા પ્રમાણે, ભાજપ જીતે કે હારે પણ એ દેશના રાજકારણમાં દાયકાઓ સુધી કેન્દ્રસ્થાને રહેશે જ. તેનું કારણ એ કે, જે પણ પક્ષ રાષ્ટ્રીય સ્તરે ૩૦ ટકા કરતાં વધારે મત લઈ જાય એ રાતોરાત ગાયબ ન થાય. એટલે જ એવી વાતોમાં આવી ન જશો કે, લોકો ગુસ્સામાં છે ને નરેન્દ્ર મોદીને ફેંકી દેશે. થોડાક ઓછા મત મળે એવું બને પણ ભાજપ સાવ ફેંકાઈ જવાનો નથી. ભાજપ અહીં જ રહેશે ને દાયકાઓ લગી લડ્યા જ કરશે. પી.કે.એ ટોણો માર્યો કે, રાહુલ ગાંધીને આ વાત સમજાતી જ નથી. રાહુલ એમ જ માને છે કે, લોકો ભાજપને ફેંકી દે એ સમયનો જ સવાલ છે. પી.કે.એ રાહુલને બીજો ટોણો એ પણ માર્યો કે, તમે મોદીની તાકાતનો અભ્યાસ ન કરો, સમજો નહીં ને તેને સ્વીકારો નહીં ત્યાં સુધી તેમને હરાવવા માટે પડકાર આપવા સક્ષમ બની જ ન શકો.

પી.કે.એ ગોવામાં યુવાનો સાથેના સંવાદમાં આ વાત કરી છે. પી.કે. હમણાં મમતા બેનરજીના ખાસ છે ને પશ્ર્ચિમ બંગાળમાં ભાજપની રાક્ષસી તાકાત સામે જોરદાર ટક્કર આપીને ભાજપને પછાડવામાં મદદ કરી પછી મમતા તેમનું જ સાંભળે છે. મમતા હવે આખા ભારતમાં તૃણમૂલ કૉંગ્રેસનો પ્રસાર કરવા મથે છે. તેના ભાગરૂપે પહેલાં ત્રિપુરા ને પછી ગોવામાં મમતાએ પગપેસારો કરવાની મથામણ આદરી છે. મમતા એ માટે ગોવા જવાનાં છે ને મમતાની એન્ટ્રી પહેલાં માહોલ જમાવવા પી.કે. ગોવા પહોંચી ગયા છે ને ત્યાં તેમણે આ વાત કરી છે.

પી.કે.ની વાત સો ટકા સાચી છે. આપણે બીજી વાત ન કરીએ ને દેશનાં રાજ્યોમાં કોની સરકારો છે તેના પર નજર નાંખીએ તો પણ આ વાત સમજાશે.  દેશમાં અત્યારે અડધાથી વધારે રાજ્યોમાં ભાજપ અને તેના સાથી પક્ષોની સરકાર છે ને આવો પ્રભાવ ધરાવતો પક્ષ રાતોરાત કડડભૂસ ન જ થાય. દેશનાં ૩૧ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યારે બાકીનાં ૩૦ રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં જનાદેશથી ચૂંટાયેલી સરકારો છે. આ પૈકી ૧૨ રાજ્યોમાં તો ભાજપની જ સરકારો છે ને મુખ્ય પ્રધાનો પણ ભાજપના છે.

આ ૧૨ મુખ્ય પ્રધાનોમાં યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), બસવરાજ બોમ્માઈ (કર્ણાટક), શિવરાજસિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ), ભૂપેન્દ્ર પટેલ (ગુજરાત),  જયરામ ઠાકુર (હિમાચલ પ્રદેશ),  હિમંત બિસ્વ સરમા (આસામ), બિપ્લબ કુમાર દેબ (ત્રિપુરા) અને પુષ્કરસિંહ ધામી (ઉત્તરાખંડ) એ ૮ મુખ્ય પ્રધાનો તો વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર ચલાવે છે. આ સિવાય પેમા ખાંડુ (અરૂણાચલ પ્રદેશ),  મનોહરલાલ ખટ્ટર (હરિયાણા), પ્રમોદ સાવંત (ગોવા) અને એન. બિરેનસિંહ (મણિપુર) એ ચાર મુખ્યમંત્રી પ્રાદેશિક પક્ષોના ટેકાથી  સરકાર ચલાવે છે પણ ચારેય રાજ્યોમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે જ.
જેડીયુના નીતિશ કુમાર (બિહાર), એનપીપીના કોનરાડ સંગમા (મેઘાલય), મિઝો નેશનલ ફ્રન્ટના ઝોરાથાંગા (મિઝોરમ), એનડીપીના નેઈફુ રીયો (નાગાલેન્ડ), ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસના એન. રંગાસ્વામી (પુડુચેરી) અને સિક્કિમ ક્રાન્તિકારી મોરચાના પ્રેમસિંહ તમાંગ (સિક્કિમ) એ છ મુખ્યમંત્રી ભાજપના ટેકાથી સરકાર ચલાવે છે.
ભાજપની બહુમતીવાળી ૧૨ અને ટેકાવાળી છ સરકાર મળીને કુલ ૧૮ સરકાર થાય. મતલબ કે, દેશનાં ૩૧ રાજ્યોમાંથી અડધાથી વધારે એટલે કે ૧૮ રાજ્યોમાં ભાજપ કાં સૌથી મોટો પક્ષ છે કાં સરકાર રચવામાં કિંગ મેકર બની શકે એવી ભૂમિકામાં છે. સ્વાભાવિક રીતે જ આવો દેશભરમાં પ્રભાવ ધરાવતો પક્ષ ઝડપથી ખતમ ના જ થાય. લોકસભાની ચૂંટણીમાં માનો કે ભાજપ હારી જાય તો પણ તેને મોટા ભાગનાં રાજ્યોમાં ત્રીસ-ચાલીસ ટકા બેઠકો તો મળે જ એ જોતાં એ હારે તો પણ તેની બેઠકોનો આંકડો ૧૫૦ બેઠકોથી ઓછો તો નજીકના ભવિષ્યમાં ના જ થાય. હવે લોકસભામાં ૧૫૦ બેઠકો ધરાવતો પક્ષ તાકતવર કહેવાય જ. કૉંગ્રેસે ૨૦૦૪માં ૧૪૩ બેઠકો જીતીને સરકાર રચી હતી એ જોતાં ભાજપનું સાવ ધબોનારાયણ થાય તો પણ એ ૧૫૦ કરતાં વધારે બેઠકો જીતીને રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રસ્થાને તો રહે જ.

જો કે ભાજપ ૧૫૦ બેઠકો પર શું કરવા ઉતરી આવે એ જ સવાલ મોટો છે. વધતી મોંઘવારી અને કોરોના કાળમાં કરેલી કામગીરીના કારણે મોદી સામે લોકોમાં અસંતોષ છે તેની ના નહીં પણ એ અસંતોષ એટલો પ્રબળ પણ નથી કે, લોકો મોદીને ઉખાડીને ફેંકી દે.  ભાજપ પાસે અત્યારે લોકસભામાં ૩૦૦ કરતાં વધારે બેઠકો છે ને આ અસંતોષના કારણે વીસ-પચ્ચીસ બેઠકો ઘટે તો પણ ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો રહે જ. એવી કોઈ શક્યતા નથી પણ માનો કે ભાજપને સ્પષ્ટ બહુમતી કરતાં દસ-વીસ બેઠકો ઓછી મળે તો પણ એટલા સાંસદોનો ટેકો મેળવવો ભાજપ માટે અઘરો નથી જ એ જોતાં ભાજપને સાવ ઉખાડી ફેંકવો શક્ય નથી જ.

બીજી એક વિચારવા જેવી વાત એ પણ છે કે, માનો કે લોકોમાં મોદી તરફ પ્રબળ અસંતોષ હોય તો પણ બીજો વિકલ્પ શું? સોનિયા કે રાહુલના નેતૃત્વમાં કૉંગ્રેસ એ વિકલ્પ બની શકે તેમ જ નથી. આ વાસ્તવિકતા છે ને એ કૉંગ્રેસના નહેરૂ-ગાંધી ખાનદાનના ચમચાઓએ પણ સ્વીકારવી જોઈએ ને રાહુલ ગાંધીએ પણ સ્વીકારવી જોઈએ. રાહુલ ને તેમના ચમચાઓએ બીજી એક વાસ્તવિકતા એ પણ સ્વીકારવી જોઈએ કે, જ્યાં સુધી કૉંગ્રેસ પોતે મજબૂત ના થાય ત્યાં સુધી ભાજપને પછાડી શકાય તેમ નથી. લોકો ભાજપથી કંટાળીને કૉંગ્રેસને મત આપવા તરફ વળી જશે એવા ભ્રમમાંથી એ લોકોએ બહાર આવવાની જરૂર છે. એ લોકોએ સમજવાની જરૂર છે કે, ભાજપ કોંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે તેથી કૉંગ્રેસ જ્યાં સુધી પોતાની એ તાકાત પાછી ના મેળવી શકે ત્યાં સુધી ભાજપ ના હારે. ટૂંકમાં કૉંગ્રેસ જ ભાજપને હરાવવામાં મોટું યોગદાન આપી શકે.

ભાજપે કૉંગ્રેસને સાવ સાફ કરી દીધી છે અને પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, આસામ વગેરે રાજ્યોમાં કૉંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે પણ કૉંગ્રેસ ભાજપને પછાડી શકતી નથી. લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી જાય છે. કૉંગ્રેસ કમ સે કમ ચાલીસ ટકા બેઠકો જીતે તો પણ ભાજપની સત્તા ના આવે પણ કૉંગ્રેસ એ પણ કરી શકતી નથી. આ રાજ્યોમાં લોકસભાની ૧૬૦ આસપાસ બેઠકો છે ને તેમાંથી કૉંગ્રેસ વીસ બેઠકો પણ જીતી શકતી નથી. કૉંગ્રેસનો આવો શરમજનક દેખાવ હોય પછી કૉંગ્રેસ ભાજપનો વિકલ્પ કઈ રીતે બની શકે?
કૉંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે ને ભાજપને હરાવવામાં પોતે કઈ રીતે યોગદાન આપી શકે છે એ વિષે વિચારવાની જરૂર છે.
અત્યારે કૉંગ્રેસ જેમતેમ છૂટક છૂટક પચાસેક બેઠકો જીતે છે ને તેના જોરે ભાજપને હરાવી ના શકાય. કૉંગ્રેસે આખેઆખાં રાજ્યો કબજે કરવાં પડે, એ રાજ્યોમાંથી ભાજપને સાફ કરવો પડે. મમતા બેનરજી, ઉદ્ધવ ઠાકરે, એમ. કે. સ્ટાલિન, ચંદ્રશેખર રાવ, જગન મોહન રેડ્ડી, નવિન પટનાઈક વગેરે પ્રાદેશિક પક્ષોના નેતાઓ પોતપોતાનાં રાજ્યોમાં એ કામ કરી શક્યા છે. કૉંગ્રેસે પણ પાંચેક રાજ્યોમાં એવું પરાક્રમ કરવું પડે. લોકો અકળાશે ને આપણને મત આપશે એવી આશા પર બેસી રહેવાથી ન ચાલે.