દિલ્હીની ઘટનાઓ હજુ ચર્ચાના ચાકડે છે ને આંદોલન વેરવિખેર

દિલ્હીમાં પ્રજાસત્તાક દિને નિકળેલી ખેડૂતોની ટ્રેક્ટર રેલી ધારણા પ્રમાણે જ હિંસક બની ગઈ ને આખી દુનિયામાં આપણી આબરૂનો ધજાગરો થઈ ગયો. દિલ્હી પોલીસે ભારે ખેંચતાણ પછી ખેડૂતોને ત્રણ રૂટ પર રેલી કાઢવા માટે મંજૂરી આપેલી પણ દિલ્હીમાં ઘૂસવા સામે મનાઈ ફરમાવેલી. સાથે સાથે ખેડૂતોની રેલી અહિંસક ને શાંતિપૂર્ણ રહે એ માટે જાતજાતનાં નિયંત્રણો પણ લાદી દીધેલાં. દિલ્હી પોલીસે આગલા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ઉપાડે ખેડૂતોએ આ નહીં કરવાનું ને તે નહીં કરવાનું એવું લાંબુલચક લિસ્ટ બહાર પાડેલું. ખેડૂતો આ લિસ્ટને નહીં પણ દિલ્હી પોલીસને પણ ઘોળીને પી ગયા ને દિલ્હીવાસીઓના જીવ ઊંચા થઈ જાય એવો ખેલ કરી નાંખ્યો. પરંતુ એને કારણે કિસાનોનું આંદોલન વેરવિખેર થઈ ગયું છે.

પ્રજાસત્તાક દિનની સવારે ખેડૂતોએ માત્ર સમય કરતાં વહેલી ટ્રેક્ટર રેલી જ ન શરૂ કરી દીધી પણ નક્કી કરેલા રૂટ બદલીને નિયમોની પણ ઐસીતૈસી કરી નાંખી. પોલીસે તો ખેડૂતોને દિલ્હીમાં ઘૂસવાની મંજૂરી જ નહોતી આપી ત્યારે લાલ કિલ્લા સુધી જવાનો તો સવાલ જ પેદા નહોતો થતો. જો કે ખેડૂતોનું ટોળું છેક લાલ કિલ્લા સુધી પહોંચી ગયું ને લાલ કિલ્લા પર ઝંડો પણ ફરકાવી દીધો. જેણે પણ રસ્તો રોકવાની કોશિશ કરી એ બધાંના ભુક્કા પણ બોલાવી દીધા. ખેડૂતો પોલીસો સાથે પણ ઠેર ઠેર બાખડ્યા ને ઘણા પોલીસોની ધોલાઈ પણ કરી. પોલીસે ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતા રોકવા માટે રોડ પર આડી બસો મૂકેલી તેમને પણ ઉથલાવી દીધી ને ટ્રેક્ટર્સથી બેરિકેડ્સના ભુક્કા બોલાવી દેવાયા. એક-બે ઠેકાણે તો આગળ વધતાં ટ્રેક્ટર્સને રોકવાની કોશિશ કરનારા પોલીસો પાછળ ટ્રેક્ટર્સ દોડાવીને તેમની હાલત ખરાબ કરી નાંખી.

આ તાયફા પછી હવે દોષારોપણ શરૂ થયું છે. પોલીસ ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળી રહી છે ને ખેડૂતો ભાજપના નેતાના ઈશારે રમખાણો કરાયાં એવી વાત કરીને છૂટી પડ્યા છે. દીપ સિદ્ધુ નામનો પંજાબી એક્ટર ખેડૂતોનાં આંદોલનમાં પહેલેથી સક્રિય છે. લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારાંની આગેવાની પણ સિદ્ધુએ લીધેલી તેથી ખેડૂત આગેવાનો સિદ્ધુને માથે દોષનો ટોપલો ઢોળીને પોતે હાથ ખંખેરીને ઊભા થઈ ગયા છે. અભિનેતામાંથી રાજકારણી બનેલો સન્ની દેઓલ ભાજપની ટિકિટ પરથી પંજાબમાંથી લોકસભાની ચૂંટણી લડેલો ત્યારે સિદ્ધુ તેનો પ્રચાર કરતો હતો ને તેનો કેમ્પેઈન મેનેજર હતો.

આ કારણે બે ને બે ચાર એવુ સીધું ગણિત માંડીને સિદ્ધુએ કર્યું એ ભાજપના ઈશારે કરાયું એવા આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે જે ખોટા છે. સિદ્ધુ ભાજપનો કાર્યકર છે તેથી ભાજપના ઈશારે ખેડૂત આંદોલનને બદનામ કરવા આ કારસો કર્યો એવા આક્ષેપો થઈ રહ્યા છે એ પણ એક પ્રકારના ગપ્પા છે. બાકી હતું તે ભાજપની નેતાગીરીથી બળેલા રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રાઈમ મિનિસ્ટર્સ (પીએમઓ)ની નજીકના એક ભાજપના નેતાએ લાલ કિલ્લા વિસ્તારમાં ઉશ્કેરણી કરીને તોફાન કરાવ્યાં હોવાનો મમરો મૂકી દીધો છે. તોફાનો ખેડૂતોએ કર્યા અને આખા દેશે જોયા એમાં ભાજપને બદનામ કરવાનો કોઈ અર્થ નથી.

સ્વામીનું કહેવું છે કે, આ વાતોના કારણે ભાજપના ઈશારે ખેડૂત આંદોલનને તોડવા માટે તોફાન થયાં એવી વાતો ચાલી રહી છે. ખેડૂત સંગઠનોએ સિદ્ધુ પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાંખ્યા તો પોલીસ ખેડૂત સંગઠનોને દોષિત ગણાવીને હાથ ખંખેરીને ઊભી થઈ ગઈ છે. ખેડૂત સંગઠનોએ રેલીની શરતોનો ભંગ કરીને તોફાન કર્યાં તેમાં દોઢસો કરતાં વધારે પોલીસ ઘાયલ થયા એવો આક્ષેપ પોલીસે કર્યો છે. આ વાત ગંભીર છે. આ વાતોમાં સાચું શું ને ખોટું શું એ આપણને ખબર નથી પણ આ તોફાનોએ આપણી ઈજ્જતનો કચરો કરી નાંખ્યો છે તેમાં શંકા નથી. હજુ દસ દિવસ પહેલાં જ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં તોફાન થયેલાં. જો બાઈડનને અમેરિકાના પ્રેસિડેન્ટ બનતા રોકવા માટે સાવ હલકાઈ પર ઊતરેલા ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને અમેરિકાની સંસદમાં ઘૂસાડીને તોફાન કરાવી દીધેલાં.

ચાર કલાક સુધી તોફાનીઓએ અમેરિકાની સંસદને બાનમાં લઈ લીધી હતી ને પોલીસે માંડ માંડ તેમને બહાર કાઢ્યા હતા. આ તોફાનોમાં ચાર લોકોનાં મોત થયેલાં ને કેટલાયનાં માથાં ને હાથ-પગ તૂટેલા. આ તોફાનોના કારણે આખી દુનિયામાં અમેરિકા અને એના ટ્રમ્પ તરફ તિરસ્કાર વ્યાપી ગયેલો. દુનિયામાં સૌથી વધારે ડેમોક્રેટિક ગણાતા અમેરિકનો પણ ઉશ્કેરાટમાં આવીને લોકશાહીની ઐસીતૈસી કરી નાંખતાં ખચકાતા નથી એવી ટીકાઓનો મારો ચાલેલો. એ વખતે આપણે ત્યાં સોશિયલ મીડિયા પર ચોવટ કરવામાં શૂરાઓએ અમેરિકાની માથે માછલાં ધોવામાં કોઈ કસર નહોતી છોડી.

પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસા અમેરિકાની હિંસા જેવી જ છે ને તેમાં પણ લોકશાહીના ધજાગરા ઉડાવી દેવાયા છે. કાયદો અને વ્યવસ્થાની ઐસીતૈસી કરીને રીતસરની લુખ્ખાગીરીનું પ્રદર્શન થયું ને બધા ચૂપ છે. આ શરમજનક ઘટનાની જવાબદારી લેવા તો કોઈ તૈયાર નથી જ પણ આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેતાં પણ સરકાર હજુ વિચારે છે. ખેડૂત સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવાની ખાતરી આપેલી પણ રેલી શાંતિપૂર્ણ ન રહી પછી જવાબદારી સ્વીકારવાના બદલે એ લોકો દોષારોપણ કરીને છટકી ગયા છે. પોલીસે ઢગલાબંધ એફઆઈઆર નોંધી છે ને ખેડૂત સંગઠનોને જવાબદાર ગણાવતાં નિવેદનો પણ ફટકાર્યાં છે પણ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. ચાલીસ જેટલા ખેડૂત આગેવાનો સામે ફરિયાદ નોંધીને પોલીસે પોતાની ફરજ પૂરી કરીને સંતોષ માન્યો છે, તેનાથી આગળ કશું નહીં. તોફાન કરનારાં સામે પગલાં લેવાશે કે નહીં એ વિશે પોલીસ સાવ ચૂપ છે.

દિલ્હીમાં જે કંઈ બન્યું એ કાયદેસરનું તો છે નહીં. ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દેખાવો કરતા હતા ત્યાં સુધી બરાબર હતું ને હજુય શાંતિપૂર્ણ રીતે દેખાવો કરે તો બરાબર જ છે પણ પ્રજાસત્તાક દિને જે કંઈ થયું એ કાયદેસર નથી જ. સરકાર હજુ તેની સામે સાવ ચૂપ છે ને એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. આપણે અમેરિકાની ચિંતા કરીએ છીએ ને ત્યાં થતી હિંસાથી દુ:ખી થઈ જઈએ છીએ ને અહીં ઘરઆંગણે થતી હિંસા સામે બોલવાનું જ નહીં એ કેવું ?
આપણે કેવા પ્રકારની લોકશાહીમાં ને કેવા સિદ્ધાંતો સાથે જીવીએ છીએ તેનો આ ઘટનાક્રમ પુરાવો છે. ખેડૂતો એમ માને છે કે તેમની પાસે સંગઠનની તાકાત છે તેથી એ લોકો ગમે તે કરી શકે.

લોકશાહીના અધિકારોની વાત કરીને એ લોકો હિંસા પર ઊતરે તો પણ કોઈ કશું નહીં કરી શકે એવી તેમની માન્યતા છે. સરકારની જવાબદારી હિંસાને રોકવાની જાનમાલનું રક્ષણ કરવાની છે પણ એ જવાબદારી સરકાર અસરકારક રીતે નિભાવતી નથી. હિંસાએ ચડેલા ખેડૂતો પર બળપ્રયોગ કરીશું તો આપણી છાપ સાવ ખેડૂત વિરોધી થઈ જશે ને તેની અસર મતબેંક પર પડશે એ વિચારે સત્તામાં બેઠેલા લોકો હિંસાનો તમાશો ચૂપચાપ જોયા કરે છે. દિલ્હીમાં જે કંઈ બન્યું એ રીતસરની ટોળાશાહી છે. આ ટોળું કાલે બેફામ બનીને ગમે તેવો ઉત્પાત મચાવી શકે ને ગમે તે કરી શકે. આ ટોળાશાહીને રોકવાની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી તેના પરથી જ સ્પષ્ટ છે કે, આપણે સાવ રામભરોસે જીવી રહ્યા છીએ.