દિલ્હી યુનિ.ના ઉપકુલપતિ યોગેશ ત્યાગીને રાષ્ટ્રપતિ કોવિંદે પદભ્રષ્ટ કર્યા

દિલ્હી યુનિવર્સિટીના ઉપકુલપતિ યોગેશ ત્યાગીને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે પદભ્રષ્ટ કર્યા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર સ્થપાયા પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અગિયાર ઉપકુલપતિને તેમના હોદ્દાની મુદત પૂરી થયા પહેલાં હટાવવાના કિસ્સા બન્યા હતા.

એવા કેટલાક ઉપકુલપતિની વરણી તો ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેમ કે ઉત્તરાખંડ યુનિવર્સિટીના જવાહર લાલ કૌલ. તેમની નિયુક્તિ ખુદ મોદી સરકારે પોતે કરી હતી. ૨૦૧૭ના ડિસેંબરમાં એમને આ સ્થાનેથી ખસેડી દેવામાં આવ્યા હતા.

બુધવારે જેમને પદચ્યુત કરાયા એ યોગેશ ત્યાગીના વહીવટની તપાસ કરવાનો આદેશ પણ અપાયો હતો. અત્યાર સુધીમાં અગિયાર ઉપકુલપતિને કાં તો બરતરફ કરાયા હતા અથવા તેમને રાજીનામું આપવાની ફરજ પડાઇ હતી. કેટલાક ઉપકુલપતિને રજા પર ઊતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એ પોતાના હોદ્દા પર પાછા ફરી શક્યા નહોતા.

કુલ અગિયારમાંના છ ઉપકુલપતિ એવા હતા જેમની  નિયુક્તિ ખુદ મોદી સરકારે કરી હતી. ૨૦૧૬ના ફેબ્રુઆરીની ૧૫મીએ જગપ્રસિદ્ધ વિશ્વભારતી યુનિવર્સિટીના ઉપકુલપતિ સુશાંત દત્તાગુપ્તાને હટાવાયા હતા. એમની નિયુક્તિ જો કે મનમોહન સિંઘની યુપીએ સરકારે કરી હતી. એ સમયે પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ હતા. એ જ રીતે યુપીએ સરકારે નીમેલા પોંડિચેરી યુનિવર્સિટીના ઉપકુલપતિ ચંદ્ર કૃષ્ણમૂર્તિને શૈક્ષણિક છેતરપીંડી કરવાના આક્ષેપ હેઠળ છૂટા કરવામાં આવ્યા હતા.