દુનિયામાં બહુ ઓછાં લોકો એવાં હોય કે જે પોતાનું આખું આયખું બીજાંના ભલા માટે ખર્ચી નાંખે ને આવાં લોકોની વિદાય થાય ત્યારે ખરેખર ગમગીન થઈ જવાય. સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટ આવાં જ સેવાનાં ભેખધારી હતાં. બુધવારે અમદાવાદમાં તેમનું અવસાન થયું ત્યારે લાખો ગુજરાતીઓ ગગમીન થઈ ગયાં. સેવાની ધૂણી ધખાવનારાં ઈલાબેન ભટ્ટની કાયમી વિદાય સાથે ગુજરાત એક મહાન ગુજરાતી વ્યક્તિત્વ વિનાનું થઈ ગયું.
સમાજ સેવા બહુ લોકો કરે છે પણ ઈલાબેનની સમાજ સેવા એ રીતે અનોખી હતી કે તેમણે ગરીબ મહિલાઓને કશું આપીને કે કોઈની સામે હાથ લાંબો કરીને મદદ લેતી કરવાના બદલે સ્વાવલંબી બનાવીને મદદ કરી. મહિલાઓને આત્મનિર્ભર બનાવીને તેમને ગૌરવભેર જીવતી કરી. ઈલાબેને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સેવા સંસ્થાની સ્થાપના કરી હતી. ઈલાબેને ૧૯૭૨માં સેવા સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (સેવા) નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોશિયેશન એટલે કે સ્વરોજગાર મહિલા સંઘથી ઈલાબેને દેશમાં એક એવી સામાજિક, આર્થિક અને સહકારી ક્રાંતિની શરૂઆત કરી. આ સંસ્થાના માધ્યમથી લાખો મહિલાઓએ પોતાની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત બનાવી દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની શરૂઆત કરી. આ મહિલાઓને નાની નાની આર્થિક મદદ કરીને તેમને સ્વમાનભેર જીવવાના પાઠ ઈલાબેને ભણાવ્યા. આપણા રાજકારણીઓ અત્યારે સેવાની સ્થાપનાના ૫૦ વર્ષ પછી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાતો કરે છે. ઈલાબેને વાતો કરવાના બદલે ૫૦ વર્ષ પહેલાં તેનો વિચાર અમલમાં મૂકીને લાખો મહિલાઓને આત્મનિર્ભર બનાવી દીધી હતી.
ઈલાબેને મહિલાઓને શાકભાજી વેચતી, લારી ખેંચીને માલસામાન લઈ જતી, પાપડ કે બીજા નાસ્તા બનાવતી, અગરબત્તી કે બીજી ચીજોના ગૃહ ઉદ્યોગ કરતી, ઘરકામ કરતી કે બીજાં નાનાં નાનાં કામો કરતી કરી. ઇલાબેને શરૂઆત સ્વરોજગાર મેળવતી મહિલાઓને સંગઠિત કરી તેમનું યુનિયન બનાવવાથી કરેલી પણ પછી તેમને નાની નાની રકમની મદદ કરી શકાય એ માટે ૧૯૭૪માં મહિલા સહકારી બેન્કની શરૂઆત કરી હતી. મહિલા સહકારી બેંક મહિલાઓને આર્થિક સહાય કરે છે. ઘણી ગૃહોપયોગી ચીજો બનાવીને કે હસ્તકલાની ચીજો બનાવીને રોજી મેળવે છે. તેમને કાચો માલ ખરીદવા માટે જરૂરી નાણાંકીય સહાય આ બેંક કરે છે.
આ મહિલાઓએ બનાવેલા માલને વિદેશના બજાર સુઘી પહોંચાડવાનું નેટવર્ક પણ ઈલાબેને ગોઠવ્યું. બીજું કોઈ જે વિચારી ના શકે એ કામ ઇલાબેને ખંત અને સમર્પણ સાથે કરી બતાવ્યું તેથી ઇલાબેનને ભારતના માઇક્રોફાયનાન્સ પ્રોગ્રામના જનની કહેવામાં આવે છે. મહેનતુ મહિલાઓને પડખે સતત રહીને આ મહિલાઓને ઈલાબેને નવી જીંદગી આપી. આજે સેવા સંસ્થાની સભ્ય મહિલાઓની સંખ્યા ૨૦ લાખથી વધારે છે. તેના પરથી જ ઈલાબેનની સેવાનો વ્યાપ કેટલો મોટો છે તેનો ખ્યાલ આવે.
બાંગ્લાદેશમાં ગ્રામીણ બેંક દ્વારા લાખો મહિલાઓને મદદ કરનારા મોહમ્મદ યુનુસને અર્થશા માટેનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ઈલાબેનને નોબલ પ્રાઈઝ ભલે ના મળ્યું પણ તેમનું કામ નોબલ પ્રાઈઝ મળવાને લાયક હતું તેમાં બેમત નથી.
ઇલાબેનને સમાજ સેવાનો આ વારસો તેમનાં માતાના પક્ષેથી મળ્યો હતો. ઈલાબેનના નાના અમદાવાદના જાણીતા સર્જન હતાં. એ વખતે સર્જન તરીકે હજારોની કમાણી કરી શકે તેમ હતા પણ તેના બદલે તેમણે સરકારી હૉસ્પિટલ્સમાં લોકોની સેવા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. આઝાદીની લડાઈમાં સક્રિય ભાગ લેવા તેમણે પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી હતી. તેમના ત્રણેય પુત્રો એટલે કે ઈલાબેનના ત્રણેય મામા પણ સ્વતંત્રતા સેનાની હતાં. આખોય પરિવાર મહાત્મા ગાંધીના રંગે રંગાયેલો હતો ને ગાંધીજીની આઝાદીની લડતમાં સક્રિય હતો.
ઈલાબેનનાં માતા વનલીલાબેન વ્યાસે આ વારસો જાળવેલો. તેમના પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા જયારે માતા વનલીલા વ્યાસ ીઓની ચળવળમાં સક્રિય હતા. ઈલાબેન સુરતમાં મોટાં થયાં ને કૉલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. ૧૯૫૨માં અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએશન કરનારાં ઈલાબેને અમદાવાદમાં એલ.એલ.બીનો અભ્યાસ કર્યો હતો.
ઈલાબેનનાં લગ્ન ૧૯૫૬માં રમેશ ભટ્ટ સાથે થયાં પછી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો કેમ કે રમેશભાઈએ તેમની સેવાભાવનાને પ્રોત્સાહન આપ્યું. ઈલાબેને શરૂઆતમાં એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે નોકરી કર્યા પછી ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન સાથે જોડાયા હતા. ટેક્સ્ટાઈલ લેબર એસોસિએશન તરફથી ઈઝરાયેલની સ્ટડી ટૂર પર ગયેલાં ત્યારે ઈલાબેને સ્વનિર્ભર મહિલાઓ માટેના કાયદા અને તેમને મળતી સુવિધાઓ વિશે જાણ્યું. એ બધું જાણીને દંગ થઈ ગયેલાં ઈલાબેને ભારત પાછા આવ્યા પછી નોકરી છોડી દીધી અને સેવાની સ્થાપના કરી.
ઘરે બેસીને રોજગારી મેળવવા માગતી કે કૌશલ્ય ધરાવતી મહિલાઓને કામની સાથે સન્માનજનક આવક મળે એ ઈલાબેનનો ઉદ્દેશ હતો. સેવા આજે વટવૃક્ષ બની ગયું છે એ જોતાં તેમનો ઉદ્દેશ સફળ થયો છે તેમાં બેમત નથી. આજે વીસ લાખથી પણ વધારે મહિલા સભ્યો સાથે સેવા દેશનું સૌથી મોટું કામદાર મંડળ છે. સેવાની પ્રવૃત્તિ દેશભરમાં વિસ્તરી છે અને દક્ષિણ આફ્રિકામાં તેની ભગિની સંસ્થા સેવુ અસ્તિત્વમાં આવી છે.
ઈલાબેને નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુ જેવા સેવાને વરેલા વૈશ્ર્વિક મહાનુભાવો સાથે મળીને ધ એલ્ડર્સ નામની સંસ્થા પણ બનાવી છે. આ સંસ્થા ી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. વિશ્ર્વ મહિલા બેંક, આયોજન પંચ અને રાજ્યસભામાં પણ સેવા આપનારાં ઈલાબેન છેલ્લે ગુજરાત વિદ્યાપીઠમાં ચાન્સેલર હતાં. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતાં. તેમને પદ્મભૂષણ જેવા દેશના નાગરિક સન્માન પણ મળ્યા હતા. ઈલાબેનનાં સેવાકાર્યોને જોતાં આ એવોર્ડનું ગૌરવ વધ્યું હતું તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
ઈલાબેનના સેવાકાર્યો વિશે વાત કરવા બેસીશું તો પાર જ નહીં આવે. આપણે ત્યાં નારી સશક્તિકરણની વાતો બહુ થાય છે પણ એ દિશામાં ખરેખર કામ થતું નથી. ઈલાબેને એ દિશામાં સાચા અર્થમાં કામ કરેલું. આજે દેશમાં લાખો મહિલાઓ તેમના કારણે આત્મનિર્ભર બનીને જીવે છે. ઈલાબેન ભલે સદેહે વિદાય થયાં પણ આ મહિલાઓના, તેમના પરિવારનાં લોકોના હૃદયમાં ઈલાબેન જીવે છે.