દિવાળી: રાજકોટમાં ગાયના છાણમાંથી બનાવશે ૩૩ કરોડ દીવડા

કોરોનાને કારણે દેશમાં તહેવારોનો રંગ ફિક્કો ન પડે એટલા માટે દિવાળીએ ગાયના છાણમાંથી બનેલા ૩૩ કરોડ દીવાઓથી દેશને ઝગમગાવવાની યોજના છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલા દીવાઓ ૧૧ કરોડ પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહીં, અનેક પરિવારોને રોજગારી આપી આત્મનિર્ભર ભારત અભિયાનને પણ સાર્થક કરવામાં આવશે. યોગના ચેરમેન ડૉ. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષની દિવાળી કામધેનુ માતાને સમર્પિત કરવાની છે. જેના માટે દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ગાયમાં છાણમાંથી બનનાર દીવાઓના આ પ્રોજેકટને ગોમય દિપક કામધેનુ દિવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દીપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તીઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દીવાઓ બનાવીને ૧૧ કરોડ પરિવાર સુધી પહોંચાડશે. આશરે ૩૫ થી ૪૦ કરોડ લોકો સુધી આ દીવાઓ પહોંચાડવામાં આવશે. એટલું જ નહીં, આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને પોતે ઘરે ગાયના છાણમાંથી દીવા બનાવી વેચી શકે તેની પ્રેક્ટિસ પણ વીડિયો કોન્ફરન્સથી આપવામાં આવી છે. આ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનથી રોજગારી પૂરી પાડવામાં આવશે.

આ કાર્યને ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે અવકાર્યું હતું. તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે તેઓ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનથી દિવાળીમાં ઉપયોગમાં લેવામાં આવતી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું રાખે. મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દીવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.