દુધાળામાં 15 થી 25મી સુધી ભવ્ય જળ ઉત્સવ યોજાશે

અમરેલી,
ગુજરાત સરકાર અને અમરેલી જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે હેતની હવેલી સ્થિત સ્થળે આગામી તા. 15 નવેમ્બર થી 25 નવેમ્બર-2023 સુધી 10 દિવસીય ભવ્ય જળ ઉત્સવ-2023 યોજાશે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને હેતની હવેલી, દુધાળા ખાતે વિવિધ તૈયારીની લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી.વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સૂચિત ઇવેન્ટ સ્થળોની મુલાકાત લીધી હતી. ઉપરાંત ધોળકિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પદ્મ શ્રી સવજીભાઈ ધોળકિયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. સમીક્ષા બેઠક બાદ જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ સૂચિત ઇવેન્ટ સ્થળોની મુલાકાત લઈને ટેન્ટ સિટી સહિતની એજન્સીઓ ઉપરાંત સંબંધિત તમામ અધિકારી શ્રી સાથે ઝીણવટભરી બાબતોને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી અને વિવિધ સૂચનો કર્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ ઉત્સવ-23ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર શ્રી દહિયાએ અગાઉ હેતની હવેલી, દુધાળા ખાતે ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ સ્ટોલ સહિતના સ્થળે સંબંધિત સર્વે અધિકારી શ્રી સાથે સ્થળ વિઝિટ કરી હતી. લાઠી તાલુકાના દુધાળા ખાતે ગાગડીયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે જળ સંગ્રહ માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન અહીં અમૃત સરોવર સહિતના સરોવરોમાં પાણીનો સંગ્રહ થયો છે. અહીં જળ સંરક્ષણને લઈને અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. જળ ઉત્સવ – 2023માં ટેન્ટ સિટી, વોટર સ્પોર્ટ્સ, ફન ફેર, ફુડ કોર્ટ સહિતના આકર્ષણો હશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેકટર શ્રી દહિયાએ બેઠકમાં જણાવ્યું કે, સંબંધિત અધિકારી શ્રી સર્વે જળ ઉત્સવ-23ના આયોજનને લઈને કોઈપણ પ્રકારની કચાશ ન રાખે તે અપેક્ષિત છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાળા, પ્રાંત અધિકારીશ્રી અમરેલી, લાઠી, ધારી, સાવરકુંડલા, બગસરા, ડીઆરડીએ શ્રી વસ્તાણી, ડિવાયએસપી શ્રી ભંડારી સહિત સંબંધિત સર્વે અધિકારીશ્રી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા .