દુનિયાના તમામ વિકસિત દેશોમાં સરકારનું કામ માત્ર રાજ કરવાનુ છે

નરેન્દ્ર મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો મુદ્દો અચાનક આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજવા માંડ્યો છે. કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો બે મહિના કરતાં વધારે સમયથી દિલ્હીની સરહદે ધામા નાંખીને પડ્યા છે ને દેશ-વિદેશનું મીડિયા તેની નોંધ પણ લે છે. અમેરિકા ને યુ.કે.માં તો કેટલાક સાંસદોએ પોતપોતાની સરકારને આ મામલે દખલગીરી કરવાની અપીલ પણ કરી હતી પણ એ બધી વાતો આવીને જતી રહી. મીડિયામાં ક્યાંક નોંધ લેવાઈ ને પછી બધું વીસરાઈ ગયું. હવે અચાનક અત્યારે એ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજ્યો છે તેનું કારણ કેટલીક વિશ્વખ્યાત સેલિબ્રિટીઝને આ મુદ્દામાં પડી ગયેલો રસ છે.

આ સેલિબ્રિટીઝમાં હોલીવૂડ એક્ટ્રેસ અમાંડા, નોર્વેની 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ, પોપ સિંગર રિહાનાએ, પોર્ન સ્ટાર મિયાં ખલીફા મુખ્ય છે. આ સિવાય બીજી પણ ઘણી સેલિબ્રિટીએ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે. આ યાદીમાં એક નામ મીના હેરિસનું પણ છે. મીના હેરિસ બહુ જાણીતી સેલિબ્રિટી નથી પણ જાણીતી વકીલ અને અમેરિકન વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી છે. આ બધા લોકો સોશિયલ મીડિયા પર બહુ સક્રિય છે ને લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં ફોલોઅર ધરાવે છે. આ પૈકી મોટા ભાગના ફોલોઅર્સ ગાડરિયા પ્રવાહના આંધળા ભક્ત જેવા હોય છે. ઘેટાંના ટોળાંની જેમ કશું સમજ્યા વિના ને બુદ્ધિ ચલાવ્યા વિના જેને ફોલો કરતા હોય તેના સૂરમાં સૂર પુરાવી દેવાનો એવી તેમની માનસિકતા હોય છે. તેના કારણે ખેડૂતોનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ગાજવા માંડ્યો છે.

મોદી સરકારે આ બધી કોમેન્ટ્સ સામે આકરી પ્રતિક્રિયા આપીને આ સેલિબ્રિટીઝને ઝાટકી નાંખી છે. વિદેશ મંત્રાલયે કડક શબ્દોમા કહી દીધું છે કે, ઘણા લોકો તેમનો એજન્ડા પૂરો કરવા માટે ખેડૂત આંદોલનનો સહારો લઈ રહ્યાં છે એ દુ:ખદ છે. આ લોકોએ કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરતાં પહેલાં આ મુદ્દે પૂરી માહિતી મેળવવી જોઈએ ને વાસ્તવિકતા તપાસી લેવી જોઈએ ને એ પછી કંઈ પણ બોલવું જોઈએ. સોશિયલ મીડિયા પર ફેંકાફેંક કરીને કોઈ પણ મુદ્દાને સનસનાટીપૂર્ણ ના બનાવો ને એક વાત સમજો કે મોદી સરકારે આ કાયદો કોઈના માથે થોપી નથી બેસાડ્યો પણ સંસદમાં ચર્ચા પછી બહુમતીથી પસાર થયા પછી જ આ કાયદો અમલમાં આવ્યો છે.

મોદી સરકારનું વલણ એકદમ યોગ્ય છે કેમ કે ખેડૂતોનું આંદોલન આપણો આંતરિક મામલો છે ને તેમાં કડછો મારવાનો કોઈને અધિકાર નથી. બીજું એ કે, જવાબદારી નામની પણ કોઈ ચીજ હોય છે. તમે સેલિબ્રિટી બની ગયાં એટલે ગમે તે મુદ્દે તમારું જ્ઞાન ઠાલવવા બેસી જાઓ એ ન ચાલે. સેલિબ્રિટી તરીકે તમારે પૂરતી માહિતી અને હકીકતને જાણ્યા પછી જ વર્તવું જોઈએ કેમ કે કરોડો લોકો તમને ફોલો કરે છે, તમારી વાતને સાંભળે છે. તમે અધૂરિયા ઘડાની જેમ છલકાવા માંડો તેમાં તમને ઊંચકીને ચાલનારા ખરડાતા હોય છે ને એ લોકો પણ બકવાસ કરતા હોય છે તેથી ગમે તેવી વાતો ન જ કરાય. સનસનાટી ઊભી કરવા કે બીજાં કોઈ કારણસર આ પ્રકારની વાતો કરી જ ન શકાય. મોદી સરકારે એ માટે સેલિબ્રિટીઝને ઝાટકીને બરાબર કર્યું છે.

મોદી સરકારનું વલણ યોગ્ય છે તેમાં શંકા નથી પણ આ મુદ્દાને ચગાવાય છે તેની શું અસરો થાય ને તેની પાછળનો એજન્ડા શું હોઈ શકે એ સમજવું જરૂરી છે. એ માટે આ સેલિબ્રિટીઝે કરેલ કોમેન્ટ્સને જાણવી જરૂરી છે ને તેમના પ્રભાવને પણ જાણવો જરૂરી છે. આ સેલિબ્રિટીની કોમેન્ટસમાં આમ તો દમ નથી. 32 વર્ષની પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં એવી ટ્વિટ કરી કે, આપણે આ ખેડૂત આંદોલન વિશે ચર્ચા શા માટે નથી કરતા? પોર્ન સ્ટાર મિયાં ખલીફાએ પણ સોશિયલ મીડિયા પર આંદોલન સાથે જોડાયેલો ફોટો શેર કરીને ખેડૂત આંદોલનમાં જોડાયેલા બધા ભાડાના માણસો હોવાની વાતો થાય છે તેની સામે વાંધો લીધો છે. મિયાં ખલીફા, અમાંડા કે રિહાના લોકપ્રિય છે ને જગ આખામાં જાણીતાં છે તેથી તેમની કોમેન્ટ્સ દુનિયાભરમાં ફેલાઈ ગઈ છે પણ આ કોમેન્ટ્સમાં કંઈ ભલીવાર નથી. એ લોકોએ ક્યાંકથી ફોટા જોઈ લીધા હશે ને ટ્વિટ કરી નાંખી હોય એવું બને. એ લોકોને પોતાને કશી ખબર ન હોય ને તેમની સોશિયલ મીડિયા ટીમે આ કોમેન્ટ્સ લખી હોય એ પણ શક્ય છે.

અમાંડા, મિયાં ખલીફા કે રિહાનાની ગણતરી બૌદ્ધિકોમાં થતી નથી તેથી પણ તેમની કોમેન્ટ્સનું બહુ મહત્વ નથી પણ ગ્રેટા થનબર્ગ કે મીના હેરિસની કોમેન્ટ્સને હળવાશથી લેવાય એમ નથી. તેનું કારણ એ કે, આ બંને છોકરીઓ રિહાના કે મિયાં ખલીફાની જેમ પોતાના શરીરનું પ્રદર્શન કરીને લોકપ્રિય નથી બની. તેમનું પોતાનું બૌદ્ધિક સ્તર છે એવું દુનિયા સ્વીકારે છે. તેમનો પ્રભાવ છે એ પણ દુનિયા સ્વીકારે છે.

કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ વકીલ છે અને તેણે માનવાધિકારો વિશે એક પુસ્તક પણ લખ્યું છે. ભારતમાં પુસ્તક લખનારાંની બહુ કદર થતી નથી કે માન નથી મળતું પણ અમેરિકામાં પુસ્તકો લખનારાંને લોકો ગંભીરતાથી લે છે. મીનાએ ટ્વીટમાં લખ્યું કે, આ એક સંયોગ નથી કે વિશ્વની સૌથી જૂની લોકશાહી એવા અમેરિકા પર એક મહિના પહેલા જ હુમલો થયો અને હવે દુનિયાની સૌથી મોટી લોકશાહી પર જોખમ છે. આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. ભારતમાં ખેડૂત આંદોલનને કચડી નાખવા સુરક્ષા દળો દ્વારા કરાતી હિંસા અને ઈન્ટરનેટ બંધ કરવા અંગે આપણને ગુસ્સો આવવો જોઈએ.

ગ્રેટા થનબર્ગ પર્યાવરણ માટે જાગૃતિ ફેલાવવા માટે કામ કરતાં લોકો માટે આદર્શ છે. માત્ર 18 વર્ષની ગ્રેટા સ્વિડનમાં જન્મી હતી. તેની માતા મેલેના અર્નમેન ઓપેરા સિંગર છે જ્યારે પિતા સ્વાન્તે થનબર્ગ લેખક છે. તેના દાદા ઓલોફ થનબર્ગ સ્વિડનના મહાન ફિલ્મ નિર્દેશક અને અભિનેતા ગણાય છે. ટાઈમ મેગેઝિનના કવર પર ચમકી ચૂકેલી ગ્રેટા 8 વર્ષની હતી ત્યારે તેણે પહેલી વાર ક્લાઈમેટ ચેઈન્જના કારણે પેદા થતી સમસ્યાઓ વિશે સાંભળ્યું. આ દિશામાં કશું થતું નથી તે સાંભળીને તેને આઘાત લાગ્યો અને તેણે તેનો અભ્યાસ કરવા માંડ્યો. બે વર્ષ પછી તેણે પૂર્ણ સમયની પર્યાવરણ કાર્યકર તરીકે કામ કરવાનું નક્કી કર્યું ને મચી પડી.

ગ્રેટાએ પાંચ વર્ષમાં એટલું જોરદાર કામ કર્યું છે કે સૌ તેને વિશ્ર્વમાં પરિવર્તન લાવી શકે તેવી જબરદસ્ત નેતા તરીકે સ્વીકારવા માંડ્યા છે. યુનાઈટેડ નેશન્સમાં ક્લાઈમેટ ચેઈન્જ મુદ્દે ડોનલ્ડ ટ્રમ્પને મોં પર ચોપડાવીને ગ્રેટાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં. આ છોકરીની મર્દાનગી પર સૌ વારી ગયા હતા. ગ્રેટાએ ખેડૂતોના 70 દિવસથી ચાલી રહેલા આંદોલનને સમર્થન આપ્યું છે. ગ્રેટાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, અમે ભારતમાં ખેડૂતોના આંદોલનનું સમર્થન કરીએ છીએ.

ગ્રેટા અને મીના હેરિસ બંને પ્રભાવશાળી છે ને તેમની વાતોની પાછળના સૂચિતાર્થ સમજવા પડે. કમલા હેરિસ મૂળભૂત રીતે નરેન્દ્ર મોદી વિરોધી છે અને ભારતમાં માનવાધિકાર ભંગ સહિતના મુદ્દે એ કકળાટ કરતાં રહ્યાં છે. મોદી સરકારે બનાવેલા સીએએ સહિતના મુદ્દે કમલા ખુલ્લેઆમ ભારત સરકારની વિરૂદ્ધ બોલ્યાં છે. કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ છે તેથી તેમના પ્રભાવને નકારી ના શકાય. મીના હેરિસ તેમની ભત્રીજી છે ને એ ખેડૂત આંદોલનને સમર્થન કરે તેનો અર્થ એ થાય કે ભારત માટે જો બાઈડન સરકારના સમયમાં કપરા દિન હશે. મીના હેરિસે તો આડકતરી રીતે મોદીને ડોનલ્ડ ટ્રમ્પ સાથે સરખાવીને લોકશાહી વિરોધી જ ગણાવી દીધા છે.

ગ્રેટા થનબર્ગ ચળવળકાર છે ને દરેક ચળવળકારની જેમ તેમની પાછળ પણ ચોક્કસ લોબી છે જ. આ લોબી કોની છે એ આપણે જાણતા નથી પણ ગ્રેટા જેવી મજબૂત છોકરી તેના ઈશારે કામ કરતી હોય ત્યારે એ લોબી મજબૂત હોય જ. ટૂંકમાં ગ્રેટા અને મીના બંને ભારતમાં વિદેશી રોકાણ સહિતનાં હિતોને નુકસાન પહોંચાડી જ શકે.

આ બંનેના મુદ્દામાં દમ નથી એ પણ નોંધવા જેવું છે. આ દેશના ખેડૂતોને કૃષિ કાયદા સામે વાંધો છે ને વિરોધ છે તો એ વિરોધ માટે આંદોલન કરવાનો તેમને સો ટકા અધિકાર છે. ભારતમાં લોકો પોતાની સરકાર સામે લોકશાહી ઢબે આંદોલન કરે ને વિરોધ કરે એ તેમનો અધિકાર છે. મોદી સરકાર એ અધિકાર છિનવી નથી રહી. ખેડૂતો છેલ્લા 70 દિવસથી લોકશાહી ઢબે અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છે ને મોદી સરકારે તેમના પર કોઈ અત્યાચાર કર્યા નથી કે તેમને દબાવ્યા નથી. ઊલટાનું સરકાર આ ડખાનો ઉકેલ લાવવા માટે મંત્રણા કરી જ રહી છે. આ બધું લોકશાહીના નિયમો પ્રમાણે જ થઈ રહ્યું છે