દુનિયાના તમામ વિકસિત દેશોમાં સરકારનું કામ માત્ર રાજ કરવાનુ છે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રજૂ કરેલા બજેટના કારણે શેરબજારમાં ફુલગુલાબી તેજી છે. શેરબજારમાં બે દિવસથી જોરદાર ઉછાળો છે અને સેન્સેક્સ ફરી પચાસ હજારની સપાટીને કૂદાવી ગયો છે. તેના કારણે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે કે, મોદી સરકારે જોરદાર બજેટ આપ્યું તેને શેરબજારે વધાવી લીધું છે. મોદી સરકારે બજેટમાં કરેલી જોગવાઈઓના કારણે અર્થતંત્રમાં જોરદાર તેજી આવશે તેથી કંપનીઓના શેરોના ભાવ ધડાધડ વધવા માંડ્યા છે.

આ અર્થઘટન બે કારણસર મહત્ત્વનું છે. પહેલું કારણ એ કે, શેરબજાર એ દેશના અર્થતંત્રનું પ્રતિબિંબ નથી પાડતું પણ કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓની કામગીરીના આધારે ચાલે છે અને આ દેશના અર્થતંત્રમાં કોર્પોરેટ કંપનીઓ સર્વસ્વ ભલે નથી તો પણ એ દેશના વાણિજ્ય જગતની મુખ્ય ધારા છે. બીજું એ કે શેરબજારમાં જે તેજી છે એ પણ સાર્વત્રિક ભલે નથી. સેન્સેક્સ મર્યાદિત કંપનીઓના શેરોના ભાવના આધારે વધે કે ઘટે છે ને અત્યારે બેંકો અને ફાયનાન્સ કંપનીના શેરોમાં તેજી છે તેથી સેન્સેક્સ વધી રહ્યો છે. અત્યારે સેન્સેક્સમાં ઉછાળો આવ્યો છે તેના મૂળમાં બેંકિંગ અને ફાયનાન્સ કંપનીઓના શેરો છે. આ શેરોમાં આવેલી તેજીનું કારણ નિર્મલા સીતારામને જાહેર કરેલી ડિસઈન્વેસ્ટમેન્ટની જાહેરાત છે.

નિર્મલા સીતારામને 2021-22ના નાણાંકીય વર્ષ માટે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે સરકારી કંપનીઓની કેટલીક જવાબદારીઓ ખાનગી કંપનીઓને સોંપવી. ડિસઇન્વેસ્ટમેન્ટ બે રીતે થાય છે. કાં સરકાર પોતાના હિસ્સાના શેર વેચવા કાઢે ને એ રીતે કમાણી કરે અથવા તો આખેઆખી કંપની વેચી દે ને રોકડા ગણીને હાથ ખંખેરીને ઊભી થઈ જાય. મોદી સરકાર કંપની પ્રમાણે અલગ અલગ રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના કિસ્સામાં કંપની આઈપીઓ લાવીને મૂડી ઊભી કરવાની છે જ્યારે એર ઈન્ડિયા સરકારે આખી જ વેચવા કાઢી છે.

નિર્મલાએ જાહેરાત કરી છે કે, મોદી સરકાર આ વખતે ડિસઇન્વેસ્ટમેન્ટનો કાર્યક્રમ પૂરજોશમાં ચલાવશે ને સરકારી કંપનીઓ વેચીને સરકારની તિજોરી ભરશે. નિર્મલાએ સરકારની માલિકીની બે બેંકો તથા એક જનરલ ઈન્સ્યોરન્સ કંપની ખાનગી કંપનીઓને વેચી દેવાશે એવું એલાન કર્યું છે. આ બે બેંકમાંથી એક બેંક આઈડીબીઆઈ હશે એવું તેમણે કહ્યું પણ બીજી બેંક કઈ હશે તેનો ફોડ નથી પાડ્યો. પંજાબ નેશનલ બેંક કે બેંક ઓફ બરોડા જેવી મોટી બેંક સરકાર ખાનગી કંપનીને પધરાવી દેશે એવી અટકળો ચાલી રહી છે. એમાં પણ બેન્ક ઓફ બરોડાની શક્યતા વધુ છે. નિર્મલાએ કઈ કઈ બીજી સરકારી કંપનીઓ વેચવા કઢાશે તેની વાત પણ કરી છે. ભારત પેટ્રોલીયમ કંપની લિમિટેડ (બીપીસીએલ) વેચવા કઢાશે આવું એલાન તો તો મોદી સરકારે બહુ પહેલાં જ કરી દીધેલું. એર ઈન્ડિયા વેચવાની પ્રક્રિયા તો ચાલુ પણ કરી દેવાઈ છે તેથી આ બંને કંપની તો યાદીમાં છે જ પણ બીજી કંપનીઓ પણ છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ક્ધટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, બીઈએમએલ, પવનહંસ, નિલાંચલ ઈસ્પાત નિગમન લિમિટેડ સહિતની કંપનીઓ સરકાર વેચી દેશે એવું નિર્મલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. આમાં ભાજપના શત્રુઓ અને કોંગ્રેસ જેવી જૂની પાર્ટીઓ વિરોધ કરે છે. હકીકત એ છે કે કોઈ પણ વિકસિત દેશમાં સરકારનું કામ માત્ર રાજ કરવાનું હોય છે. સરકાર કોઈ કંપનીઓ ચલાવતી નથી. અમેરિકા અને બ્રિટનના તમામ એરપોર્ટ ખાનગી કંપનીઓ હસ્તક છે.

મોદી સરકાર જે કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એ પૈકી મોટા ભાગની કંપનીઓ તગડો નફો કરતી કંપનીઓ છે. એર ઈન્ડિયા ખોટના ખાડામાં ઉતરેલી છે પણ એ અપવાદરૂપ કિસ્સો છે. એ સિવાયની કંપનીઓ સારી ચાલે છે ને સરકાર માટે દૂઝણી ગાય છે. આ કંપનીઓમાં રોકાણ સ્વાભાવિક રીતે જ રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થાય ને શેરોમાં ફાયદો થતો હોય તો શેરબજારમાં ઉછાળો આવે. નિર્મલાની ડિસઇન્વેસ્ટમેન્ટની જાહેરાતથી સારી કંપનીના શેર માર્કેટમાં આવશે એવી આશામાં શેરબજારમાં ઉછાળો આવ્યો છે, મોદી સરકારનું બજેટ સારું છે તેથી બજાર સુધર્યું છે.

જો કે આપણે બજેટ કેવું છે તેની વાત પહેલાં જ કરી લીધી છે તેથી એ પારાયણ ફરી નથી માંડતા, પણ મોદી સરકારનો ડિસઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય બહુ વખાણવા જેવો છે જ. ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે સરકારના હાથમાં નાણાં આવશે ને સરકાર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ હાથ ધરી શકશે એવી વાતો થાય છે. આ વાતો સાવ કાઢી નાખવા જેવી નથી પણ સામે ડિસઇન્વેસ્ટમેન્ટના કારણે થનારા ગેરફાયદાને પણ અવગણી ન શકાય.

સરકારે આવક ઊભી કરવાના નવા સ્રોત ઊભા કરવાના હોય ને તેમાંથી કમાણી કરીને એ રકમ વિકાસના કામો પાછળ વાપરવાની હોય. બીજું એ કે, અત્યારે આ કંપનીઓના કારણે લાખો લોકોને રોજગારી મળે છે ને એક સલામતી સાથે રોજગાર મળે છે. લાખ પરિવારો આ કંપનીઓ પર નભે છે, તેમને સામાજિક સુરક્ષાના લાભ મળે છે ને નોકરીનાં વરસ પૂરા થયા પછી ભવિષ્યની ચિંતા રહેતી નથી. સરકાર ખાનગીકરણ કરે પછી નવું મેનેજમેન્ટ આવે એટલે આ લોકોના, તેમના પરિવારોના ભાવિ સામે પણ સવાલો પેદા થાય જ. આ લાખો કર્મચારીઓ અને તેમાન પરિવારોને સરકાર ખાનગી કંપનીઓનો ભરોસે છોડી રહી છે એવું બધા કહે છે તે સાચું નથી. આ સરકારી કંપનીઓમાં જામી પડેલા આળસુના પીરો છે ને સરકાર તેમને હાંકી શકતી નથી. ખાનગી સંચાલકો આવશે એટલે કામ પ્રમાણે મૂલ્યાંકન થશે.

ડિસઇન્વેસ્ટમેન્ટ એ રૂપકડો શબ્દ છે પણ વાસ્તવમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા પોતાની જવાબદારીમાં નવા ભાગીદાર ઉમેરે છે. નિર્મલા સીતારામને તો કહી પણ દીધું છે કે, સરકાર આ કંપનીઓએ ચલાવી શકતી નથી તેથી તેમને રાખવામાં કોઈ ફાયદો જ નથી. નિર્મલા સીતારામનના કહેવા પ્રમાણે તો આ કંપનીઓમાં પ્રજાનાં નાણાં વેડફાઈ રહ્યાં છે અને વરસો લગી સરકાર પ્રજાના પરસેવાની કમાણી કૂવામાં નાખતી રહી છે તેથી તેમને વેચી દેવાનો વિકલ્પ જ બચ્યો છે. સરકારમાં બેઠેલા લોકોની જવાબદારી છે કે પ્રજાનાં નાણાંનો યોગ્ય રીતે વહીવટ કરે અને આ નાણાંમાંથી ઊભી થયેલી સંપત્તિનું જતન કરીને તેમાં વધારો કરે.

ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના નરેન્દ્ર મોદીની પોતાની પણ નિષ્ફળતા કહેવાય. મોદી પોતે આખી દુનિયાને બિઝનેસ કઈ રીતે કરવો તેની સમજ આપે છે, અર્થતંત્રમાં અત્યારે શું કરવાની જરૂર છે તેની વાતો કરે છે, કંપનીઓ કઈ રીતે ચલાવવી તેનું જ્ઞાન આપે છે ને જાત જાતના મંત્રો આપે છે. આ જ જ્ઞાનનો ઉપયોગ મોદીએ સરકારી કંપનીઓ ચલાવવા કરવો જોઈએ. મોદી ભારત પાસે જંગી યુવા ધન છે, ભારત પાસે જબરદસ્ત ટેલેન્ટ છે, ભારતના યુવાનો પાસે જોરદાર સ્કીલ છે એવી બધી વાતો કરે છે. મોદીને આ દેશના યુવાનોમાં વિશ્વાસ હોય તો તેમણે આ યુવા ધનને સરકારી કંપનીઓમાં તક આપવી જોઈએ. ઉચ્ચ હોદ્દા પર પોતાના વિશ્વાસુ માણસોને મૂકીને ટેલેન્ટેડ યુવાનોની મેનેજમેન્ટમાં ભરતી કરીને મોદીએ આ કંપનીઓનો નફો વધે ને સરકારની આવક વધે એ માટે પ્રયત્ન કરવા જોઈએ.

કેન્દ્ર સરકારની ખોટના ખાડામાં હોય એવી કંપનીઓને સંખ્યા બહુ નહીં હોય. આ દેશમાં કરોડો યુવાનો છે ને મોદીને આ કંપનીઓને ખોટના ખાડામાંથી બહાર લાવી શકે એવા પાંચસો-હજાર યુવાનો તો મળી જ શકે. મોદી એવા યુવાનોને શોધીને તેમને આ કંપનીઓ કેમ નથી સોંપતા? આપણે બીજાં બધાંની વાત ના કરીએ પણ ભાજપ પાસે જ મેનેજમેન્ટના નિષ્ણાતો હજારો લોકો હશે. મોદી ઈચ્છે તો તેમની ટેલેન્ટનો ઉપયોગ દેશના ફાયદામાં કરી જ શકે.