દુનિયા પર આર્થિક આપત્તિના વાદળો  ઘેરાયા છે પણ ભારત એમાંથી બચશે? 

ભારતનું અર્થતંત્ર અનેક પ્રતિકૂળતાઓ વચ્ચેથી માર્ગ કાઢતું મંદ ગતિએ આગળ વધતું જાય છે ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિપત્તિનાં વાદળો વધુ ઘેરાં બની રહ્યાં છે. મોખરાની ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ચેતવણી ઉચ્ચારી છે કે આવતું વર્ષ અત્યારના કરતાં વધુ વિકટ હશે. કોરી આંકડાબાજી કરતાં પણ ભાવિ પરિસ્થિતિનું જે ચિત્ર તેઓ રજૂ કરે છે તે વધુ ચિંતાજનક છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (ઇન્ટરનેનશનલ મોનેટરી ફંડ–આઈએમએફ)નાં મેનેજીંગ ડિરેક્ટર ક્રિસ્ટલીન જ્યોર્જિયેવાએ કહ્યું છે કે જાગતિક અર્થતંત્ર પર મંદીનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. કોરોના મહામારીની હજી સુધી ટકી રહેલી અસરો, યુક્રેન યુદ્ધ અને આબોહવા પરિવર્તનને કારણે અનેક દેશોમાં ત્રાટકતી કુદરતી આપત્તિઓને કારણે વૈશ્વિક અર્થતંત્રનું માળખું સમૂળું બદલાઈ રહ્યું છે. અત્યાર સુધી તે મહંદઅંશે આગાહીપાત્ર હતું. હવે તે વધુ બટકણું બની ગયું છે. અનિશ્ચિતતા, આર્થિક ચંચળતા અને અસ્થિરતા, ભૌગોલિક-રાજકીય તંગદિલી અને ઉપરાછાપરી આવતી ઉગ્ર કુદરતી આપત્તિઓથી ભાવિ સંયોગો ધૂંધળા બની ગયા છે. કોઈ પણ દેશની ગાડી ગમે ત્યારે આડે પાટે ચડી જવાની શક્યતા વધી ગઈ છે.

જ્યોર્જિયેવાએ કહ્યું છે કે વિશ્વની જીડીપીમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવતા દેશોમાં આ વર્ષે અથવા આવતા વર્ષે ઓછામાં ઓછા છ મહિના સુધી રાષ્ટ્રીય આવક ઘટતી જશે. વિકાસ થતો હશે ત્યારે પણ મોંઘવારીને લીધે નાણાંની ખરીદશક્તિ ઘસાઈ જતી હોવાથી લોકોને મંદીમાં ફસાયાની લાગણી થશે. વિશ્વનાં સૌથી મોટાં અર્થતંત્રો યુરોપ, અમેરિકા અને ચીન ઘીમાં પડી રહ્યાં છે, જેને કારણે વિકાસશીલ દેશોની નિકાસ માગને પ્રતિકૂળ અસર થશે. પડ્યા ઉપર પાટુ જેવો ખેલ છે. આ દેશો આમ પણ ખોરાક અને બળતણના ઊંચા ભાવથી ત્રસ્ત છે. આઈએમએફે 2022 માટે 3.2 ટકાના વિકાસદરનો અંદાજ જાળવી રાખ્યો છે, પરંતુ 2023 માટેનો અંદાજ તે 2.9 ટકાથી ઘટાડનાર છે.

વિશ્વ વ્યાપાર સંસ્થા (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન- ડબ્લ્યુટીઓ)એ આગાહી કરી છે કે જે પ્રકારની આર્થિક અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ આકાર લઇ રહી છે તે આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રતિકૂળ છે. આંતરરાષ્ટ્રીય વેપાર આ વર્ષના ઉત્તરાર્ધથી ધીમો પડવા લાગશે અને આવતા વર્ષે વધુ મંદપ્રાણ થશે. ડબ્લ્યુટીઓના અંદાજ અનુસાર વૈશ્વિક વેપારનો વૃદ્ધિદર આ વર્ષના 3.5 ટકાથી ઘટીને 2023માં માત્ર 1 ટકો થઇ જશે. યુરોપમાં તેલ, ગેસ અને વીજળીના ઊંચા ભાવને લઇ પરિવારોનાં બજેટ અસ્તવ્યસ્ત થઇ રહ્યાં છે એટલે અન્ય ચીજવસ્તુઓની માગ ઘટશે. ચીનનું અર્થતંત્ર હાંફી રહ્યું છે એટલે બીજા દેશો પાસેથી તેની ખરીદી ઓછી થશે. સંખ્યાબંધ વિકાસશીલ દેશોમાં ખોરાક અને બળતણના ભાવ ઊંચા હોવાથી અન્ય ચીજોની માગ ધીમી પડી છે.

ડબ્લ્યુટીઓએ ધ્યાન દોર્યું છે કે અગ્રણી મધ્યસ્થ બેકો આડેધડ વ્યાજદર વધારી રહી હોવાથી જાગતિક અર્થતંત્ર પર મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે. ડબ્લ્યુટીઓએ વૈશ્વિક વિકાસદરનો અંદાજ એક ટકો ઘટાડીને 2022 માટે 2.8 ટકા અને 2023 માટે 2.3 ટકા કર્યો છે. આર્થિક પ્રવૃત્તિ મંદ પડે તેની અસર વેપાર પર પડે તે સ્વાભાવિક છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપારનો ઢાંચો બદલાઈ રહ્યો છે. અનેક દેશોની સરકારો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીજવસ્તુઓની પુરવઠા વ્યવસ્થા પરનું જોખમ ઘટાડવા તત્પર છે. એ માટે તેઓ પોતાની ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરી રહી છે. આને કારણે લાંબે ગાળે આંતરરાષ્ટ્રીય પુરવઠા વ્યવસ્થા વધુ ખડતલ બનશે એ ખરું, પણ હાલ તુરત તો વેપાર પર અવળી અસર થશે.

વિશ્વ બેંકે 2022માં ભારતના સંભવિત વિકાસદરનો અંદાજ 6.5 ટકા મૂક્યો છે જે અગ્રણી સંસ્થાઓમાં સૌથી ઓછો છે. ભારત માટે આખો સિનારિયો પડકારજનક છે. ભાવિ ઘટનાઓના પડછાયા વર્તમાન પર પથરાવાની શરૂઆત થઇ ચૂકી  છે. સપ્ટેમ્બર મહિનામાં માલસામાનની નિકાસ ગયા વર્ષ કરતાં 3.5 ટકા ઘટી. કોટન યાર્ન અને હેન્ડલૂમની નિકાસ 40 ટકા અને ઇજનેરી સામાનની નિકાસ 17 ટકા ઘટી ગઈ. ભારતની નિકાસ મુખ્યત્વે ચીજવસ્તુઓની છે. જાગતિક મંદીનો તેના પર પ્રમાણ બહારનો પ્રભાવ પડે છે: નિકાસકારોને ડોલરમાં ભાવ નીચા મળે છે અને ઓર્ડરનું કદ નાનું થઇ જાય છે. સામે પક્ષે આયાતો મચક આપતી નથી. સપ્ટેમ્બરમાં માલસામાનની આયાત ધીમી પડી અને વેપારખાધ ઓગષ્ટ કરતાં ઓછી થઇ. પરંતુ તેનાથી એકંદર ચિત્ર બદલાતું નથી. અધૂરામાં પૂરું ક્રૂડ તેલના ભાવમાં રાહત મળવાની આશા તૂટી પડી છે. અમેરિકાના દબાણને અવગણીને ઓપેક અને સાથી દેશોએ નવેમ્બરથી તેલના દૈનિક ઉત્પાદનમાં 20 લાખ બેરલનો કાપ મૂકવાની જાહેરાત કરી છે. તેલના નરમ પડવા લાગેલા ભાવ પાછા લાકડા જેવા થઇ ગયા છે.

પહોળી થતી જતી વેપારખાધ, તેલના ઊંચા ભાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી રૂપિયા પર દબાણ આવ્યું છે. ડોલરનો ભાવ 82 રૂપિયાની પેલે પાર જઈ આવ્યો છે. આ તરફ રૂપિયાને ટકાવવા ડોલર ફેંકવાની રિઝર્વ બેન્કની શક્તિ ઘસાતી જાય છે. વિદેશી મુદ્રાની અનામતો એક વર્ષ અગાઉ 642 અબજ ડોલરથી ઘટીને હાલ 532 અબજ ડોલરની થઇ ગઈ છે. નાણાં મંત્રાલય ડોલર વેચવાની વિરુદ્ધમાં હોવાના અહેવાલો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ખુલાસો કર્યો છે કે વિદેશી મુદ્રાની અનામતોનો 67 ટકા ઘટાડો ચલણના પુનર્મૂલ્યાંકનને આભારી છે. નાણાપ્રધાને ધ્યાન દોર્યું છે કે અન્ય ચલણોની તુલનમાં ડોલર સામે રૂપિયાનો દેખાવ સારો રહ્યો છે. વાત સાચી છે. પરંતુ નાણાકીય બજારો ઘણીવાર હકીકતો કરતાં સેન્ટિમેન્ટથી વધુ દોરવાય છે. ભારતીય ધંધાર્થીઓ અને નીતિકારો માટે શનિની પનોતી જેવો કપરો કાળ આવી રહ્યો છે.