દેખાય છે ને સમજાય છે એના કરતાં પણ પરિસ્થિતિ ભયંકર

આમ જુઓ તો ડરવાની વાત નથી પણ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ વચ્ચેનો માર્ગ કાઢીને “બ્રેક ધ ચેઈન” ના સૂત્ર સાથે મીની લોકડાઉન લાગુ કર્યુ અને કલમ-144 સહિત કેટલાક પ્રતિબંધો મૂક્યા. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં હાઈકોર્ટે યુ.પી. સરકારને કેટલાક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનની દિશામાં વિચારવાનો નિર્દેશ કર્યો હોવાના અહેવાલો આવ્યા. દુર્ગ જેવા કેટલાક શહેરોમાં તો લોકડાઉન અમલમાં છે જ, અને સ્થાનિક કક્ષાએથી લોકડાઉનના નિર્ણયો લેવાઈ રહ્યાં છે. ગુજરાતમાં સો થી વધુ ગામો અને કેટલાક શહેરોના સંગઠનો, માર્કેટ યાર્ડ વિગેરે દ્વારા સ્વૈચ્છિક અને રાત્રિ એમ બેય લોકડાઉન જાહેર કરાયા છે. પણ એનાાથી બહુ ફેર પડતો નથી.
ગયા વર્ષે તા. 24 મી માર્ચની મધ્યરાત્રિથી લાગુ પડે તેવી રીતે વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યુ હતું, તેવું સંપૂર્ણ લોકડાઉન લાગુ થઈ શકે કે કેમ…? તેની રાષ્ટ્રવ્યાપી ચર્ચાઓ થઈ રહી છે. એ ચર્ચાનો કોઈ અંત નથી. કોઇ આમ કહે ને કોઇ તેમ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી જ દીધી કે, સરકાર વ્યાપક સ્તરે લોકડાઉન નહીં લગાવે, પરંતુ મહામારીને અટકાવવા સ્થાનિક કક્ષાએથી જ નિયંત્રણો લગાવશે. દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણ અંગે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથે ઓનલાઈન બેઠક દરમિયાન નાણામંત્રીએ વિશ્વ બેંકની પ્રશંસા પણ કરી. નાણા વિભાગના ટ્વિટ મુજબ કોરોનાને અટકાવવા પાંચ સુત્રિય નીતિ અ5નાવાઈ છે. પણ એનાથી બહુ ફેર પડ્યો નથી. જેમાં ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન અને કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલનનો સમાવેશ થાય છે.
નાણામંત્રીના જણાવ્યા મુજબ બીજી લહેરમાં તીવ્રતાથી કેસો વધી રહ્યાં હોવા છતાં વ્યાપક સ્તરે લોકડાઉન લગાવવાનું વિચારાઈ રહ્યું નથી, કારણ કે સરકાર અર્થવ્યવસ્થા પણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય તેમ ઈચ્છતી નથી, સ્થાનિક કક્ષાએ જરૂર પડ્યે પ્રતિબંધાત્મક વ્યવસ્થાઓ ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીઓને પરિવારથી અલગ આઈસોલેશનમાં રાખવાનો ઉપાય કરાશે. નાણામંત્રીએ આવી ચોખવટ એટલા માટે કરવી પડી કે, સંપૂર્ણ લોકડાઉનની આશંકાથી એક તરફ દેશના વિવિધ વિભાગોમાંથી પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પલાયન કરવા લાગ્યા છે, તો માર્કેટ પર પણ વિપરીત અસરો દેખાવા લાગી છે. બીજી તરફ ફૂગાવા અને મોંઘવારીનો દર ઉંચકાઈ રહ્યાં હોવાના અહેવાલોએ સરકારી ઊંઘ ઉડાડી દીધી છે. ગત માર્ચ મહિનામાં ફૂગાવાનો દર સાડા પાંચ ટકાને વટાવી ગયો હતો, જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ ફેબ્રુઆરીમાં 3.36 ટકા જેટલો નીચે બેસી ગયો હતો.
ડબલ એટેકથી ઈકોનોમીને ઈફેક્ટ થવા લાગી છે. તે ઉપરાંત સતત ચોથા મહિને કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સના ફીગર્સ આરબીઆઈના મહત્તમ લિમિટ 6 ટકાની અંદર આવ્યા છે. મૂડીઝે પણ અર્થતંત્રમાં રીક્વરીમાં ઘટાડો થવાની શક્યતા દર્શાવી છે. પ્રોડકશનમાં ઘટાડો અને ફૂગાવામાં વધારો મોંઘવારીને વધુ વેગ આપશે અને જીડીપીની ગતિને મંદ પાડશે, તેવી આશંકા રહે છે. આ તમામ ચિંતાજનક વિષયો સાથે ચિંતાજનક વાત એ છે કે, કોરોનાની બીજી લહેર પછી ટપોટપ મૃત્યુ થતા ઘણાં શહેરોની હોસ્પિટલોમાં ખાટલા ખૂટી પડ્યા છે, એમ્બ્યુલન્સો મોડી થાય છે. મળતી નથી અને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પણ રઝળે છે. સ્મશાનોમાં તો હવે મૃતદેહોની પણ લાઈનો લાગી રહી છે. હ્ય્દયદ્રાવક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આ કરૂણ સ્થિતિમાં પણ માનવતા મરી પરવારી હોય તેમ ક્યાંક દવા-ઈન્જેકશનોના કાળાબજાર થાય છે, તો ક્યાંક કોરોનાના મૃત્યુ પામેલા દર્દીઓના પાર્થિવ દેહપરથી ઘરેણાં કે મંગળસૂત્રો ચોરાઈ જાય છે. ક્યાંક દવા અને ઈન્જેકશનો કે દર્દીના પરિવહન માટે ઉઘાડી લૂંટ થાય છે, તો ક્યાંક ઓક્સિજન નહીં મળતા માર્ગમાં અધવચ્ચે જ દર્દીઓના જીવ જાય છે.
રાજકોટ સિવિલમાં તો કોઈ દર્દીને બે ટોસિલિઝુમેલ ઈન્જેકશનો આપી દીધા હોવાના ખોટા મેસેજ આપીને દર્દીના સગાઓ પાસેથી રૂપિયા 45 હજાર પડાવવાનો પ્રયાસ થયો, ફરિયાદ નોંધાઈ, અને એક પકડાયો, જ્યારે આગેવાન ગણાતો બીજો શખ્સ ભાગી છૂટ્યો, આવી ઘટનાઓ કોરોનાકાળમાં માનવતા પણ મરી પરવારી હોવાનું પુરવાર કરે છે. હવે કોરોનાનો કહેર નરસંહારમાં તબદીલ થઈ રહ્યો છે અને દેશના કેટલાક રાજ્યોમાં તો એટલી ભયાવહ સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે, કેટલાક દૃશ્યો નિહાળીને કઠણ હ્યદયવાળાનું કાળજુ પણ કંપી જાય…અમરેલીમાં પણ મૃત્યુ આંક ઘટવાનું નામ લેતો નથી. મહારાષ્ટ્રમાં તો આથી પણ વધુ ખતરનાક સ્થિતિ ઊભી થઈ છે, જેથી લોકડાઉન અથવા તાળાબંધીની અટકળો વચ્ચે ત્યાંથી પ્રવાસી મજૂરોએ ફરીથી પલાયન શરૂ કર્યુ છે. જે ગયા વર્ષની ગંભીર સ્થિતિની યાદ તાજી કરાવે છે.
હવે રાજય સરકારો પણ કદાચ પહેલા જેટલી ગંભીર રહી નથી અને કેટલાક રાજ્યોમાં બદથી બદતર હાલત ઊભી થતા અદાલતોએ સ્વયંભૂ હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં આ મુદ્દે અદાલતોમાં પીઆઈએલ પણ દાખલ થઈ છે. ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટના ડફણાં ખાવા પડ્યા તેમ કહેવું ખોટું નથી, અદાલતે ખૂબ જ કડક અને સ્પષ્ટ શબ્દોમાં ગઈકાલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢીનાંખી, જે. કોઈપણ શાસકો માટે ક્ષોભજનક ગણાય. હાઈકોર્ટે તતડાવ્યા પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીએ ગઈકાલે જ કેટલાક પ્રતિબંધોની જાહેરાત કરી હતી, જે પહેલેથી કરી હોત તો કદાચ હાઈકોર્ટના ડફણાં ખાવા પડ્યા હોત નહીં…
એવું નથી કે માત્ર ગુજરાત માટે જ અદાલતોએ હસ્તક્ષેપ કર્યો હોય, આ પહેલા મહારાષ્ટ્ર સરકારને પણ અદાલતની અનુભૂતિ થઈ ચૂકી છે. હવે ગુજરાત ઉપરાંત ઝારખંડમાં 5ણ કોરોનાની ખતરનાક સ્થિતિ અંગે અદાલતી હસ્તક્ષેપ થયો છે. જામનગરમાં એક સાથે સંખ્યાબંધ મૃત્યુ થતા જામનગરના સ્મશાનોમાં જેવી રીતે મૃતદેહોની લાઈનો લાગી અને કોવિડ તથા નોન-કોવિડ દર્દીઓ ઉપરાંત રોજિંદી જિંદગીમાં અન્ય કારણોસર મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને પણ અંતિમ ક્રિયા માટે થોડી રાહ જોવી પડી હતી. જામનગરમાં તો મોટા ભાગે સ્મશાનોનું વ્યવસ્થાપન એકંદરે સારૃં હોવાથી સ્થિતિ નિયંત્રણમાં રહી હશે, પરંતુ ઝારખંડના રાંચીમાં તો આ મુદ્દે હાઈકોર્ટે ત્યાંના સરકારી તંત્રોનો ઉધડો લીધો હતો.
રાંચીની હાઈકોર્ટે એક પીઆઈએલની સુનાવણી દરમિયાન કહ્યું કે, રાજ્યમાં કોરોનાને લઈને હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, તેને મજાકમાં લઈ શકાય નહીં અદાલતે કહ્યું કે, સરકાર કમ-સે-કમ મૃત્યુ પામનારાઓને શાંતિ મળે, તેવી વ્યવસ્થા તો કરે…! ઝારખંડમાં અચાનક મૃતાંક વધવા લાગ્યો, અને ટપોટપ થતા મૃત્યુના કારણે પાર્થિવ દેહોની ભીડ સ્મશાન ઘાટો પર થવા લાગી, તે પછી બેંકોમાં અપાય છે, તે રીતે અંતિમ ક્રિયા માટે ટોકન અપાયા. આથી અદાલતે મૌખિક ટિપ્પણીઓમાં રાજય સરકારને આડેહાથ લીધી હતી. આ અંગે આજે આગળની સુનાવણી કરવામાં આવશે, તેવી ગઈકાલે જાહેરાત થઈ હોય, છત્તીસગઢમાં પણ આવી જ સ્થિતિ છે. હંગામી ધોરણે મૃતકોના મૃતદેહ રાખવા માટે ફ્રિઝરમાં જગ્યા રહી નથી, તેથી મૃતદેહોને જમીન પર અને ખૂલ્લા આકાશની નીચે સ્ટ્રેચરમાં રાખવા પડતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
જ્યાં સુધી લોકડાઉન અને કડક પ્રતિબંધોનો પ્રશ્ન છે, ત્યાં સુધી સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, લોકોની જિંદગી અને ગુજરાન ચલાવવાની ચિંતા પણ કરવી પડતી હોય છે, પરંતુ હોસ્પિટલોની અવ્યવસ્થા, સ્મશાનો પર પાર્થિવદેહોની ભીડ અને કોરોનાના નિયમો (એસએમએસ) ના પાલન જેવી બાબતે સરકારે વધુ અસરકારક કદમ ઉઠાવવા જ પડશે.