દેવળા ગામે ખાનગી કંપનીના પ્રદુષણ સામે લોક ફરિયાદ

  • ખેડૂતોને થયેલી નુકશાનીનું વળતર ન અપાતા રોષની લાગણી

ડાભાળી,
ધારીના દેવળા ગામે ખાંભા રોડ ઉપર આવેલી ખાનગી કંપનીના સતાધિશોને ધરતતી પુત્રો દ્વારા અવાર – નવાર રજુઆતો કરવા છતા પણ કંપનીના સંચલાકો ટસના મસ થતા નથી. અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા પણ તૈયાર ન થતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે. અને અવાર – નવાર રજુઆતો કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો ન હોય અને કંપની વાળા નિયમોને ઘોળીને પી જતાં આ જાડી ચામડીના લોકો સામે ધરતી પુત્રો આંદોલનનો માર્ગ અપનાવે તો નવાઇ નહીં. કંપનીના સતાધિશોની બેદરકારીના કારણે કંપનીની આજુ બાજુની ખેતી વાડીના પાકને નુકશાન થઇ રહયુ છે. કંપનીના પ્રદુષણ અને ધુમ્મસ અને ખરાબ વાતાવરણના કારણે ખેતરોના પાકને નુકશાન થતા ધરતી પુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વન્ય પ્રાણીઓ પણ કંપનીના પ્રદુષણથી મૃત્યુ પામે છે. છતા પણ વન તંત્ર આંખ આડા કાન કરી રહયુ છે.