દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે, ૧૦ વર્ષથી નીચેનાં અને ૬૫ વર્ષથી ઉપરનાને પ્રવેશ નહીં

આજથી સૌરાષ્ટ્રનાં પ્રાણી ઉદ્યાનો અનલોક થઈ ગયાં છે. લોકડાઉનના સમયથી બંધ રહેલા અને સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ આજથી સિંહદર્શન કરી શકશે. આ સાથે જ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોવિડની ગાઇડલાઈન્સ પ્રમાણે જ પ્રાણી ઉદ્યાનોમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમિટ બુક કરી શકાશે. પ્રવાસીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પણ પાલન કરવાનું રહેશે. જૂનાગઢનું દોઢસો વર્ષ કરતાં જૂનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આજથી ફરીથી ખૂલી ગયું છે. કોરોના મહામારીને કારણે માર્ચથી બંધ રહેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખોલતાં પહેલાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

ખાસ કરીને ઝૂની અંદર સાફસફાઈ કરવામાં આવી છે તેમજ પાંજરાંને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યાં છે. જ્યારે એક દિવસમાં માત્ર ૫૦૦ મુલાકાતીને જ પ્રવેશ આપવામાં આવશે. અંદર પ્રવેશનારા તમામ મુલાકાતીઓ માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે, જેમાં દો ગજકી દૂરી, માસ્ક ફરજિયાત સહિતના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોરોનાની મહામારીને કારણે બંધ કરવામાં આવેલો દેવળિયા સફારી પાર્ક આજથી ફરીવાર શરૂ થયો. છેલ્લા ૭ મહિનાથી દેવળિયા પાર્કમાં સિંહદર્શન બંધ કરવામાં આવ્યું હતું.

પાર્ક શરૂ થતાં તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સફારીમાં સિંહદર્શન માટે બસમાં માત્ર ૧૫ મુસાફરને લઈ જવામાં આવશે. ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નીચેનાં બાળકો માટે દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ સાથે જ બેંચ પર મુસાફરોને બેસવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.