દેશના અર્થતંત્રને ધબકતું રાખતા અને રસ્તે રઝળતા આ ફેરિયાઓની દુનિયા

ભારત દેશના રસ્તાઓ, ગલીઓ, સોસાયટી, નુક્કડો, જાહેર સ્થળો, પર્યટન સ્થળો, ધર્મસ્થાનો, ખુલ્લા મેદાનો, હાઈ-વે, ચાર રસ્તાઓ-ચોકડીઓ વગેરે જગ્યાને જીવંત બનાવવામાં ફેરિયાઓનો સિંહફાળો છે. કોઈને કોઈ સમયે ભારતની દોઢસો કરોડની જનતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ અવલંબન આ ફેરિયાઓ ઉપર રહ્યું છે. આ ફેરિયાઓ ભારતની સંસ્કૃતિ, ભારતનો ટુરિઝમ ક્વૉશન્ટ અને ભારતના સમય સાથે બદલાતા જતા ટ્રેન્ડ તથા પરંપરાઓ જાળવી રાખવામાં પ્રમુખ ભાગ ભજવી રહ્યા છે. ફેરિયાઓ તો એક હજાર વર્ષથી છે અને બીજા હજાર વર્ષ સુધી હશે. દેશની જનતાને તેની જરૂર છે. કોઈપણ સ્તરના આર્થિક વર્ગના પરિવારને ફેરિયાની જરૂર પડતી હોય છે. ફેરિયાઓએ ભારતીય અર્થતંત્રમાં નાનું પણ સતત યોગદાન આપ્યું છે. ભારતીય અર્થતંત્રની કરોડરજજુનો લચકદાર મણકો આ ધંધાર્થીઓ છે.

ફેરિયાઓ શહેરોમાં વધુ હોય છે. ગામડા વિસ્તારમાં ફેરિયાઓ ઓછા જોવા મળે છે. ફેરિયાઓનું કોઈ નક્કર ઍસોસિએશન કે સંગઠન નથી હોતું. કારણ કે રસ્તા ઉપર પોતાનો સામાન વેચવાનું પ્રોફેશન બાય ચોઇસ નહીં પરંતુ બાય ફોર્સ હોય છે. જરૂરિયાતને લીધે લોકો વેચવા માટે નીકળે છે. જુદા જુદા સંજોગો મુજબ ફેરિયાઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થતો હોય છે. મોંઘવારી કે મંદીનો સીધો ફરક ફેરિયાઓની ફ્રિકવન્સી ઉપર પડતો હોય છે. મોંઘવારીમાં રસ્તા ઉપર ફેરિયાઓ વધી જતાં હોય છે એવું જોવામાં આવ્યું છે. મંદી પણ નાના વેપારીઓને અસર કરે છે. વ્યાપાર-વાણિજ્યની ઇકો-સિસ્ટમમાં ફેરિયાઓ પાયામાં રહેલા છે. નાના વેપારીઓ અને અમુક ફેરિયાઓ વચ્ચે વ્યાપાર-વિનિમય થતો રહે છે. ચાઈનીઝ વસ્તુઓનું બહું બધું વેચાણ ફેરિયાઓ મારફત થાય છે.

એક રીતે જોવા જઈએ તો ફેરિયાઓ મોટી દુકાનો અને શો-રૂમ સાથે સીધી નહીં તો આડકતરી રીતે સ્પર્ધામાં હોય છે. આ દેશમાં બહુમતી લોકો ગરીબ કે લોઅર મિડલ કલાસના છે. તેમના જીવનનિર્વાહ માટે ફેરિયાઓ ખૂબ જરૂરી છે. બે વર્ષના કોવિડકાળમાં ફેરિયાઓ ઉપર બહુ જ ફટકો પડયો છે. લોકડાઉનને કારણે રસ્તાઓ જ ખાલી રહેતાં સુમસામ રસ્તાઓ ઉપર ચહલપહલ જ નહિવત્ રહેતી. શાકભાજી વેંચતા રેંકડીધારકો સિવાય બાકી મોટા ભાગના સ્ટ્રીટ વેન્ડર્સને કોરોનાએ જબરું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને બાળકોની વસ્તુઓ અને રમકડાં વેંચતા ધંધાર્થીઓને કેટલાય મહિના દરમિયાન એક પણ પૈસાનું વેચાણ થયું નથી. તેમની ચીજવસ્તુઓનું કોઈ લેવાલ હોતું નથી. સરકારી આંકડા મુજબ ભારતમાં સાઠેક લાખ ફેરિયાઓ છે.

પરંતુ ફજરફાડકાવાળા અને નાની રાઈડસનો ધંધો કરતા માણસો પણ ફેરિયાની વ્યાખ્યામાં જ આવે છે. જેને પોતાનું કોઈ નિશ્ર્ચિત સ્થાન ન હોય અને ગ્રાહક વર્ગની ઘનતા મુજબ પોતાનો ધંધા કે સર્વિસનો વિસ્તાર બદલતા રહેતા હોય તે ફેરિયા કહેવાય. ફેરિયાનું ઠેકાણું નિશ્ર્ચિત નથી હોતું. તેણે કોઈ સ્થાવર મિલકત વસાવવી પડતી નથી. જ્યાં સ્કોપ દેખાય ત્યાં તે ઊભા રહી શકે છે.
પરંતુ તો પણ ઘણા ફેરિયાઓને ભાડું આપવું પડતું હોય છે. મેળો હોય કે ખાઉધરા ગલી જેવો કોઈ ફૂડ-એરિયા, ફેરિયાઓએ ઊભા રહેવા માટે મહિનાનું ભાડું આપવું પડે છે. સાથે સાથે પોલીસ કે મ્યુનિસિપાલીટીના ચેકીંગથી બચવા માટે હપ્તો પણ આપવો પડતો હોય છે. દરેક એરિયાના ફેરિયાઓ નિશ્ર્ચિત હોય છે. જેમ જંગલમાં પ્રાણીઓની ટેરીટરી હોય એમ જ ફેરિયાઓએ અંકે કરી લીધેલા વિસ્તારો હોય છે. કોઈ એકના વિસ્તારમાં બીજો ફેરિયો સરળતાથી જઇ શકતો નથી.

ખાણીપીણીની વસ્તુ વેચવા માટે કાયદા મુજબ કૉર્પોરેશનમાંથી લાયસન્સ જરૂરી હોય છે. ઘણા ફેરિયાઓ લાયસન્સ વિના વેંચતા હોય છે. મોટાભાગના ફેરિયાઓ ટૅક્સ ભરતા નથી. રિટર્ન અમુક ભરતા હશે તો એમાં આવક ઓછી દેખાડે છે એટલે તે ટૅક્સને પાત્ર હોતું નથી. કોવિડકાળમાં ફેરિયાઓની કૉમ્યુનિટીને પડેલા જબ્બર આર્થિક ફટકા ઉપર મલમ લગાવવા કેન્દ્ર સરકારે સ્વનિધિ યોજના જાહેર કરી હતી જે હજુ ચાલુ છે. તેની હેઠળ બધા જ નાના ધંધાર્થીઓને દસ હજાર રૂપિયા સુધીની લોન મળે છે. લાખો ફેરિયાઓએ પોતાના નાના ધંધાને પુનર્જીવિત કરવા માટે આ યોજનાનો લાભ લીધો છે અને હવે ફરીથી પોતાની રીતે કમાવવા માંડ્યા છે. ખાસ ફેરિયાઓને જ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કોઈ યોજના જાહેર કરી હોય એવી આ પહેલી ઘટના છે. ત્રીસેક લાખ ફેરિયાઓએ લોન લેવાની હિમ્મત કરી છે.

હજુ સુધી ભારતના ફેરિયાઓને ૨૯૩૧ કરોડની લોન આપવામાં આવી છે. આ મોટો આંકડો કહેવાય. ભારતના અર્થતંત્રમાં ફેરિયાઓનું કેટલું સઘન યોગદાન હશે તેનો અંદાજો આ રકમ ઉપરથી લગાવી શકાય. આ જમાનો સ્ટાર્ટ અપનો છે. યુનિકોર્ન કંપનીઓના ન્યુઝ આપણને મળતા રહે છે. એક રીતે જોવા જઈએ તો આ ફેરિયાઓ નેનો આન્ત્રપેન્યોર કહેવાય. જેણે પોતાનો ધંધો પોતાની રીતે જ શરૂ કર્યો છે. હવે તો ફૂડ બ્લોગીંગ અને વીડીયો બ્લોગીંગને કારણે અલગ પ્રકારે વસ્તુ વેચતા કે નવીન જાતની સર્વિસ આપતા ફેરિયાઓ સોશ્યલ મીડિયામાં પણ પ્રખ્યાત થઇ જતા હોય છે. ભારતમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ‘કાચા બદામ’ ગીત પ્રખ્યાત થયું છે. તે ગીતના સર્જક એક ફેરીયા જ છે. પણ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળી. સૌથી વધુ વીડીયો તેના ગીત ઉપર બન્યા.

કોઈ ફેરીયાને આટલી બધી લાઈમલાઈટ મળી હોય તે વિક્રમજનક કિસ્સો કહેવાય. સરકારની યોજનાને કારણે બૅંકો ઘર દરવાજે આવી ગઈ છે એવું કહી શકાય. આ યોજના હેઠળ નોન-બૅંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ આમાં જોડાઈ. સાથે સાથે માઈક્રો ફાઈનાન્સિંગ ઇન્સ્ટીટ્યુશન પણ ભેગા થયા. નાના ધંધાર્થીઓનું સામાજિક-આર્થિક સ્તર ઊંચું આવે અને તે પણ સન્માન સાથે પોતાનો બિઝનેસ કરી શકે તે જોવાની ફરજ સરકારની છે. સરકારની આ યોજના હેઠળ ફેરિયાઓનું ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. આપણે આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ તો એમાં જે મહેનત કરવા માંગે છે તેવા લોકો પણ આર્થિક વ્યવસ્થાનો ભાગ હોવા જોઈએ અને તેને પણ પૂરતી સગવડો મળવી જોઈએ. સ્વરોજગાર અને સ્વાવલંબન બહુ જરૂરી છે. આ બંનેની સાથે નાગરિકોમાં સ્વાભિમાનની લાગણી પ્રગટ થાય.