દેશના આંતરિક સુરક્ષા તંત્રને વધુ સજ્જ કરવા કેન્દ્રની નવી તૈયારી

સંસદમાં પસાર થતા વિધેયકો પર નજર નાંખો તો ખ્યાલ આવે કે સરકાર અને પ્રજા કેવા સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી ઉગરવા માટે દેશને કેવા કેવા નવા કાયદા-કાનૂનની જરૂર પડી રહી છે. ભારતમાં આજ સુધી અનેક બાબતોમાં વિશ્વાસે વહાણ ચાલતા હતા. પરંતુ એવો વિશ્વાસ હવે કોઈએ કોઈના પર મૂકવાનો જમાનો નથી. સરકાર આજકાલ પોતાના આંતરિક સુરક્ષા તંત્રને વાઘનખ પહેરાવવાની ફિરાકમાં છે. દેશની તપાસનીશ સંસ્થાઓની સત્તા પણ વધી રહી છે. વ્યક્તિ સ્વાતંત્ર્યનામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ છેક જવાહરલાલ નહેરુ યુનિવસટીમાં પણ મોજૂદ હોય છે એ પાછલા વરસોમાં આખા દેશે જોયું છે. આપણા દેશમાં બુદ્ધિજીવીઓનો એક વર્ગ એવો છે કે તેઓ વિચાર કર્યા વિના કોઈને પણ ટેકો આપીને ડિબેટમાં ઝંપલાવે છે. પછીથી ખબર પડે છે કે તેઓ જેમને સમર્થન આપતા હતા એ તો આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) નો બાતમીદાર હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં પથરાયેલી આઈએસની જાળને તોડી છે અને સંખ્યાબંધ નવયુવાનોને આઈએસ તરફ આગળ વધતા રોક્યા છે.
છતાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને સારી રીતે કામ કરવા માટે સત્તાઓ ઓછી પડતી હતી. કેન્દ્ર સરકારે હવે આ એજન્સીની સત્તામાં એકાએક ધરખમ વધારો કરી દીધો છે. એનઆઈએ સંશોધન વિધેયકને સંસદના બન્ને ગૃહમાંથી મંજુરી તો ક્યારનીય મળી ગઈ છે. પરંતુ એની અમલવારી હવે શરૂ થઈ છે. વિરોધ પક્ષોએ આ વિધેયક પસાર થયા પછી એના દુરુપયોગ વિશે આશંકાઓ વ્યક્ત કરી પરંતુ સરકારે ખાતરી આપી કે એનો રાજકીય રીતે દુરુપયોગ નહિ થાય, પછી આ વિધેયકને મંજુરી મળી છે. એક દાયકા જુની એનઆઈએની રચના તત્કાલીન યુપીએ સરકારે કરી હતી. ઈ. સ. 2008ના મુંબઈ પરના આતંકવાદી હુમલા પછી યુપીએ સરકારે વિશેષ અને આક્રમક હેતુઓથી આ એજન્સી રચી હતી. હમણાં એનઆઈએ સંશોધક વિધેયક અંગેની ચર્ચા વખતે જે આંકડાઓ રજૂ થયા એ રસપ્રદ છે. એ પ્રમાણે ઈ. સ. 2009 થી ઈ. સ. 2014 દરમિયાન આ તપાસ એજન્સી દ્વારા કુલ 80 મામલાઓ નોંધવામાં આવ્યા. એટલે કે રજિસ્ટર્ડ થયા અને એની તપાસ હાથ ધરવામાં આવી. ઈ. સ. 2014 પછી એટલે કે એનડીએ સરકાર સત્તામાં આવી પછી 200 કેસ રજિસ્ટર્ડ થયા અને એમાંથી 129 કેસમાં તો ચાર્જશીટ પણ ઘડાઈ ગઈ. એમાંના મોટાભાગના કેસ ચાલી ગયા અને અપરાધીઓને સજા પણ થઈ ગઈ.
એનઆઈએ આતંકવાદી ઘટનાઓ અટકાવવામાં બહુ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે, પરંતુ હવે કેટલીક આગોતરી તરતપાસ પણ આ એજન્સી કરશે. હવે સંશોધન વિધેયક પસાર થઈ જવાથી આ એજન્સી માનવ તસ્કરી, જાલી નોટ, પ્રતિબંધિત હથિયારોનું ઉત્પાદન અને વેચાણ તથા સાયબર ક્રાઈમ ક્ષેત્રે પણ તરાપ મારશે અને મહત્ત્વની કામગીરી કરશે. ઈ. સ. 1908 ના વિસ્ફોટક પદાર્થો સંબંધિત કાયદામાં પણ એનઆઈએને વિશેષ સત્તા આપવામાં આવી છે. આતંકવાદીઓ જે સાયબર સ્પેસનો ઉપયોગ કરે છે તેમાં પણ આ તપાસ એજન્સીનો ધમધમાટ રહેશે. સંશોધન વિધેયકે એનઆઈએની એકાંગીતા દૂર કરીને એને સહસ્ત્ર બાહુ જેવી તાકાત આપી છે. આ સંશોધન વિધેયક તૈયાર કરાવવામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનું વિશેષ યોગદાન છે.
હવે એનઆઇએ દેશની બહાર પણ કામ કરશે. સંશોધન વિધેયકે એજન્સીના નામમાં રહેલા નેશનલ શબ્દને હલાવ્યા વિના એમાં આંતરરાષ્ટ્રીય અર્થ ઉમેરી દીધો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હમણાં જ દક્ષિણ ભારતમાંથી નવા આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકો અને એના સ્થાનકો ઝડપી પાડયા છે જેના છેડા શ્રીલંકા સુધી મળી આવ્યા છે. સંશોધન વિધેયક પસાર થવાને કારણે એનઆઈએ હવે શ્રીલંકા ઉપરાંત નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં પણ સીધા કાઉન્ટર ટેરર ઓપરેશનો કરશે. નેપાળમાં આ કામ જરા જુદી રીતે કરવું પડશે. કારણ કે નેપાળમાં અત્યારે ચીનની પપેટ સરકાર છે. જે હાલત તિબેટની થઈ એ જ દશા નેપાળની થવાની છે. એમ માનવામાં આવે છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને પુન: ભારત હસ્તક લાવવાનું કામ કે જે એક ભીષણ પડકાર છે તે પણ એનાઈએને સોંપવામાં આવશે.
નેપાળે જ્યારથી ભારતની દોસ્તી છોડી ત્યારથી એના પતનની શરૂઆત થઈ છે. જિંદગીમાં કોઈક સજજનની દોસ્તી પડતી મૂક્યા પછી જેમ દુર્જનોનું ટોળું ઘેરી વળે છે એવું જ નેપાળમાં થયું છે. નેપાળના હાલના શાસકો કાલીઘાટીના લુચ્ચા પ્રાણીઓથી ઘેરાયેલા છે. માલદીવના ટાપુઓ સુધી ડ્રેગને જીભ લંબાવેલી છે. એનઆઈએ પાસે આવનારા દિવસોમાં સરકારની અપેક્ષા બહુ જ ઊંચી છે એમ પણ આ સંશોધન વિધેયક છડી પોકાર કરે છે. દેશમાં આંતરિક શત્રુઓનો પણ ઉપદ્રવ છે અને સંસદમાં ક્યારેક એના પડઘા સંભળાય પણ છે. બંધારણે આપેલી ક્ષમતાઓનો દુરુપયોગ કરનારા રાજકીય પક્ષોનું વજૂદ ભલે બહુ ન હોય પરંતુ તેઓ તેમની પ્રવૃત્તિઓથી દેશને નુકસાન કરતા જ રહે છે. એનઆઈએ હવે એવા પરિબળો સામે પણ તપાસ કરશે અને પૂરતા પુરાવાઓના સંપાદન પછી કેસ દાખલ કરી ચાર્જશિટ મૂકશે.
રો અને આઈબી કરતા એનઆઈએ કઈ રીતે જુદી પડે છે ? રો કે આઈબીની સત્તા ગુપ્ત માહિતી સુધી જ છે. વળી આ બાતમી તેઓ પૂરેપૂરી ભાગ્યે જ આપતા હોય છે કારણ કે તેમને જે માર્ગેથી માહિતી મળી હોય એને તેઓ છુપાવે છે. જેમ કે પાછલા વરસોની એક ઘટનામાં આઈબીએ સરકારને માહિતી આપી હતી કે આરડીએક્સ ભરેલી એક વાન ઉત્તર પ્રદેશમાં પ્રવેશી શકે છે. બીજા દિવસે એવી માહિતી આપી કે લખનૌ નજીકના કોઈ ગામમાં આ વાન રોકાયેલી છે. આમ સાવ સ્પષ્ટ માહિતી આઈબી ભાગ્યે જ આપે છે. ઉપરાંત ગુપ્ત માહિતીથી એ એક ડગલુંય આગળ વધી શકે નહિ. સીબીઆઈ પાસે માહિતી ઉપરાંતના પોલીસને છે તે અને અદાલતને છે એ સત્તાઓ પણ છે. સીબીઆઈ પાસે જ્યુડિશિયલ પાવર છે તે જ એની સૌથી મોટી તાકાત છે.
તો પણ સરકારે એનઆઈએ સંશોધક વિધેયક પર કેમ આટલું બધું ધ્યાન આપવું પડયું ? ભારત અનેક બાબતોમાં હજુ ભગવાન ભરોસે ચાલે છે અને એના વિકરાળ પરિણામો ભોગવે છે. આપણા દેશમાંથી ગુમ થતાં બાળકોની સંખ્યા હજારોની છે અને એમાં હજુ સુધી કોઈ ઘટાડો થયો નથી. એક ક્ષણ જ બાળક પરથી તમારી નજર ગઈ કે બાળક ગુમ. પરંતુ આ વાત દેશના કરોડો વાલીઓ જાણતા નથી. તેમના બાળકો રેલવે સ્ટેશન અને બસસ્ટેન્ડમાં છુટ્ટા રખડતા જોવા મળે છે. પાછા ન મળતા બાળકોની સંખ્યા બહુ મોટી છે. અને જેઓ મળી જાય છે એ સંખ્યા સાવ નાની છે. એ જ રીતે ભારતમાં રહીને પાકિસ્તાનના જાસૂસોને દેશની ગુપ્ત માહિતી આપતા છુટક છુટક લોકો છે અને એમાં તેઓ પૈસા માટે કામ કરતા હોવાને કારણે દરેક ધર્મના લોકો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડાઓમાં પાકિસ્તાની ખુફિયા એજન્સીઓને ગુપ્ત માહિતી આપવાનું એક તંત્ર ગોઠવાયેલું છે.
પ્રવાસમાં મોટાભાગના ભારતીયો હજુય અજાણ્યા પર વિશ્વાસ કરે છે જેની તેમણે બહુ જ આકરી કિંમત ચૂકવવી પડે છે. ગુનેગારો આપણી આસપાસ છે એનો કહેવાનો મતલબ એ નથી કે અત્યારે તમે જ્યાં છો ત્યાં જ ગુનેગારો છે. પરંતુ એનો અર્થ એ છે કે હવે તમે જ્યાં પણ બહાર જાઓ ત્યાં ગુનેગારોની તમારા પર નજર હોય છે અને મોકો મળતા જ તેઓ અપરાધને અંજામ આપે છે. એનઆઈએ દેશની ભીતરના અનેક પ્રકારના અપરાધીઓને ઝડપી લેવાનો એક નવો સાણસો છે જે પહેલા વાંસનો બનેલો હતો અને સંશોધન વિધેયકે એને લોખંડી બનાવ્યો છે.