દેશની તો કઠણાઈ છે કે એક તરફ કિસાન આંદોલન ને બીજી તરફ વેક્સિનના ફાંફા

ભારતમાં એક તરફ વેક્સિન માટે સરકાર અભૂતપૂર્વ વ્યાયામ કરે છે પણ બીજી બાજુ કિસાનો અણસમજનું આંદોલન લઈ બેઠા છે. કૃષિ કાયદામાં ભારત સરકારે કરેલા સુધારાના વિરોધમાં કિસાનોની ‘દિલ્હી ચલો’ કૂચ એવા સમયે યોજાઇ છે, જ્યારે દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. કિસાન કૂચનો સમય ભલે અનુકૂળ ન હોય, પરંતુ આ આંદોલનની ભાવના સમજવી જરૂરી છે. કિસાનોને એવું લાગે છે કે આ કાનૂન લાગુ કરવાનો મૂળ ઉદ્દેશ કોર્પોરેટ ફાર્મિંગને ઉત્તેજન આપવાનો છે, આનાથી નાના અને મધ્યમ ખેડૂતો બરબાદ થઇ શકે છે. તો સરકાર કહે છે કે આવી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. નવા કાયદાથી કિસાનોની માર્કેટિંગ યાર્ડના દલાલો પરની નિર્ભરતાનો અંત આવશે અને તેઓ પોતાની ખેદપેદાશને દેશમાં ક્યાંય પણ વેચી શકશે. આથી તેમને પોતાની ખેતપેદાશોનું સારું વળતર મળી રહેશે, જે મલાઇ અત્યાર સુધી દલાલો કમિશનના નામે તારવી લેતા હતા. કિસાનોને બીજી આશંકા એ છે કે કાયદામાં સુધારા અમલી બન્યા તો મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી – લઘુતમ ટેકાના ભાવ)ની જોગવાઇ ખતમ થઇ જશે.

જો આવું થયું તો કોર્પોરેટ હાઉસ સિંડિકેટ બનાવીને કૃષિ બજાર પર વર્ચસ્વ જમાવી શકે છે. બીજી તરફ, સરકાર વારંવાર ખાતરી આપી રહી છે કે ટેકાના ભાવની જોગવાઇ ક્યારેય ખતમ કરાશે નહીં. સરકાર જ નહીં, તેના સુકાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કહી રહ્યા છે કે (કિસાન કાયદામાં સુધારાના મામલે) અમારો ઇરાદો ગંગાજળ જેવો પવિત્ર છે. એક વર્ગ ભ્રમ ફેલાવીને કિસાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. વડા પ્રધાનનો દાવો પણ ખોટો તો નથી જ. ભારત સરકારે આદરેલા કૃષિ સુધારા વિશે લગભગ બહુમતી સૂર એવો છે કે આ સુધારા વર્ષોથી જરૂરી હતા. આનાથી ખેડૂતોને, સવિશેષ તો તેમની ખેતપેદાશો વેચવાની સરળતા થવાની સાથોસાથ તેમને સારું વળતર પણ મળી રહેશે. કદાચ આ જ કારણ છે કે માત્ર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોને બાદ કરતાં કૃષિ સુધારા સામે ક્યાંય ખાસ વિરોધ જોવા મળતો નથી.

જો એકને નુકસાન નહીં થવાનું હોય તો બીજા કોઇને પણ નહીં જ થાય. મહારાષ્ટ્ર તો કૃષિ આંદોલનોનું એપીસેન્ટર મનાય છે, પરંતુ ત્યાં પણ કૃષિ સુધારાને અપનાવી લેવાયા છે. ખુદ વડા પ્રધાને ‘મન કી બાત’માં કહ્યું છે તેમ મહારાષ્ટ્રના કિસાનો તો નવા કાયદાનો ફાયદો પણ લેવા લાગ્યા છે. તો પછી ગણતરીના રાજ્યોના ખેડૂતો દ્વારા જ આટલો બધો હોબાળો કેમ? આનો જવાબ છે સરકાર તરફે કેટલીક અસ્પષ્ટતા અને કોમ્યુનિકેશનનો અભાવ. જેમ કે, લઘુતમ ટેકાના ભાવ નાબૂદ નહીં જ થાય તેવી સુધારેલા કાયદામાં સ્પષ્ટતા નથી. નવા કાયદામાં આ મામલે સ્પષ્ટતા નહીં હોવાથી ભારે શંકા-કુશંકા સેવાઇ રહી છે. જો સરકારે કાયદામાં સુધારા સાથે જ આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી હોત તો આ જમેલો જ ઉભો ન થયો હોત. એવું નથી કે સરકાર એમાં સ્પષ્ટતા કરવા ચાહતી નથી. પણ એક બાબત રહી ગઈ તે રહી ગઈ. ગઈકાલે ખેડૂત નેતાઓને સરકારે એમ પણ ખાતરી આપી કે ટેકાના ભાવનો ઉલ્લેખ આપડે કાયદામાં પણ કરીએ.

વળી, કિસાન આંદોલન આજકાલનું ચાલે છે તેવું પણ નથી. આ તો કિસાન કૂચ પાટનગર પહોંચી એટલે દેશભરના અખબારી માધ્યમોમાં આ મુદ્દો છવાઇ ગયો. બાકી આંદોલન તો કેટલાય દિવસોથી પંજાબમાં ચાલતું જ હતુંને ? સરકારે મંત્રણાના દ્વાર હવે ખોલ્યા છે, ખરેખર તો આ કામ આંદોલનની ચિંગારી ચંપાઇ ત્યારે જ કરી નાંખવા જેવું હતું. સરકારે સમયસર જરૂરી સ્પષ્ટતા નથી કરી તેનો એક વર્ગ ગેરલાભ ઉઠાવી રહ્યો છે. આંદોલનકારી કિસાનોનું નેતૃત્વ એવા લોકોના હાથમાં છે, જેઓ રાજકીય સ્વાર્થ માટે તેમને દોરવણી આપી રહ્યા છે. આનાથી કિસાનોનું ખરેખર કેટલું ભલું થશે એ કહેવું મુશ્કેલ છે.

જય જવાન, જય કિસાનનો નારો આપનાર ભારતની વિડંબના જ ગણવી રહી કે દેશમાં કિસાનોના નામે રાજકારણ તો ખૂબ ખેલાય છે, પરંતુ રાજકીય સ્વાર્થ સધાઇ ગયા બાદ તેને કોરાણે ધકેલી દેવાય છે.
કોરોના મહામારીને હરાવવા માટેનો રસ્તો હવે કંઇક ખુલ્લો થઇ રહ્યાનું જણાય છે. ભારત સહિત દુનિયાભરમાં વેક્સિનની તૈયારીઓ અંતિમ તબકકામાં પહોંચ્યાના સમાચાર મળી રહ્યા છે. આમાંથી કેટલીક વેક્સિન આ વર્ષના અંત સુધીમાં અથવા તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઉપલબ્ધ થવા લાગશે. અમેરિકામાં આજે શુક્રવારથી ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઇ રહ્યાના અહેવાલ છે. બ્રિટને તો ડંકો વગાડી દીધો છે. ભારતના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે જુલાઇ સુધીમાં ત્રીસ કરોડ ભારતીયોને રસી અપાઇ ચૂકી હશે. વેક્સીનની તૈયારીઓની જાણકારી મેળવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પૂણે, હૈદરાબાદ અને અમદાવાદના ત્રણ સંસ્થાનોની મુલાકાત બાદ સંકેત મળ્યા છે કે પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયામાં તૈયાર થઇ રહેલી કોવિશીલ્ડ નામની વેક્સિન ઉત્પાદન આખરી ચરણમાં છે.

ઇન્સ્ટિટ્યુટનો દાવો છે કે કોવિશીલ્ડના પરીક્ષણના પરિણામો ખૂબ જ પ્રોત્સાહક જોવા મળ્યા હોવાનું સંસ્થાના વડા અદર પૂનાવાલાનું કહેવું છે. ઇમરજન્સીમાં આ વેક્સિનનો ઉપયોગ કરવા માટે જરૂરી મંજૂરી મેળવવા બહુ જલ્દી કાર્યવાહી હાથ ધરાશે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને વિકસાવાઇ રહેલી આ વેક્સિન સિત્તેર ટકા અસરકારક હોવાનું કહેવાય છે. બીજી તરફ, રશિયાની સ્પૂતનિક-૫, અમેરિકાની ફાઇઝર / બાયોએન્ટેક વેક્સિન 95 ટકા અસરકારક હોવાને કારણે બ્રિટને મંજુરી આપીને ડોઝ આપવાની વાજતે ગાજતે શરૂઆત પણ કરી દીધી છે. મોડર્નાએ પોતાની રસી સો ટકા અસરકારક હોવાના દાવા સાથે અમેરિકા અને યુરોપમાં આ વેક્સિનની ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ અત્યારે તો એટલું સ્પષ્ટ થઇ ગયું છે કે બ્રિટન સિવાયના બાકી દેશો માટે પણ વેક્સિન હવે હાથવેંતમાં છે. વેક્સિનના પરિણામો પર આખી દુનિયા મીટ માંડીને બેઠી છે તેનું એક કારણ એ છે કે યુદ્ધના ધોરણે લડવા છતાં કોરોના મહામારીને નાથી શકાઇ નથી.

શિયાળાના આગમન સાથે જ ભારત સહિત દુનિયાભરમાં કોરોના માઝા મૂકી રહ્યો છે. બીજી અને ત્રીજી લહેર શરૂ થતાં જ કોરોનાના કેસોમાં રોકેટ ઝડપે ઉછાળો નોંધાયો છે.
અમેરિકી કંપનીઓ ફાઇઝર અને મોડર્નાની વેક્સિનને ભલે વધુ અસરકારક ગણાવાતી હોય, પરંતુ ભારત તેના ભરોસે રહી શકે તેમ નથી. આનું એક મુખ્ય કારણ તેની ઊંચી કિંમત છે. ભાજપે બિહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને કોરોના વેક્સિન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું તેવું જ વચન હવે સમગ્ર દેશના ગરીબ વર્ગને આપવાનું વિચારે છે. વેક્સિનના આગમન પૂર્વે તેના સંગ્રહ અને વિતરણ માટે આવશ્યક નેટવર્કનું આગોતરું આયોજન જરૂરી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇંડિયાનું કહેવું છે કે અમારા તમામ એરપોર્ટ તૈયાર છે. સરકારનો નિર્દેશ મળતાં જ વેક્સિન લોજિસ્ટિક્સનું કામ કરી દઇશું. દિલ્હી એરપોર્ટ પાસે દોઢ લાખ મેટ્રિક ટન કોલ્ડ ચેઇન સ્ટોરેજની ક્ષમતા છે. જ્યારે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તો વેક્સિન મેનેજમેન્ટ ટાસ્ક ફોર્સ રચવાની તૈયારી ચાલે છે. જે ગ્રાહકો, કંપનીઓ અને સરકારી સંસ્થાઓને એકતાંતણે બાંધવાનું કામ કરશે. આમ પણ ભારતને વેક્સિનેશનનો બહોળો અનુભવ છે. આથી દરેક ભારતીય સુધી વેક્સિન પહોંચાડવામાં કોઇ પણ પ્રકારનો અવરોધ સર્જાય તેવી કોઇ શક્યતા જણાતી નથી.