દેશની બજારોમાં મંદીની આબોહવા હોવાથી આર્થિક સાવધાનીનો સમય

ઘડિયાળના કાંટા કદી પણ એવો સમય તો બતાવતા જ નથી જ્યારે આપણે આર્થિક ચિંતા કરવાની ન હોય, પરંતુ પૂરા થવા તરફ આગળ ધપતું ઈ. સ. 2022 નું કેલેન્ડર સમગ્ર રીતે વિવિધ નાણાંકીય કંપનીઓ, રોકાણકારો અને નાગરિકો માટે હવે આર્થિક સાવધાનીનો સંકેત કરે છે. એનો અર્થ એ છે કે નાણાંકીય સભાનતામાં જરાક બેહોશી રાખો કે સહુને પોતપોતાના વજૂદ પ્રમાણેનું નુકસાન થઈ શકે છે. એનો અર્થ એવો તો નથી કે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કોમોડિટીમાં નફો અંકે ન કરી શકાય, એ બજારો હવે નિશ્ચિંતતાને બદલે સાવધાન રહેતા લોકોને જ કમાણી કરી આપશે. પાછલા વરસો, સરકારની નિષ્ફળતાઓ અને બજારની ઠંડકની વાતો વીતી ગઈ છે. બીત ગઈ સો બાત ગઈ !
ઇ.સ. 2022 ભારતીય બજારો માટે પોતાના પગ પર જાતે જ બેઠા થવાની મોસમ નીવડી છે. સરકાર તરફથી પરિપોષિત આશાવાદ કારગત નીવડવાનો નથી, કારણ કે સરકારના અગ્રતાક્રમો અને બજારની જરૂરિયાતો વચ્ચે બહુ મોટું અંતર છે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત વિવિધ તેર અગ્રણી અર્થશાસ્ત્રીઓએ ભારત માટે હમણાં જે આર્થિક રણનીતિ દર્શાવી છે તેને ખરેખર તો દેશમાં વ્યાપક રાજકીય ચર્ચાઓના મંચ પર લાવવાની જરૂર છે, પણ એ મંચ પર તો જગ્યા જ નથી ! એ 13 અર્થશાસ્ત્રીય વિદ્વાનોએ આ મહત્ત્વની વાત એવા સમયે કરી છે જ્યારે દેશમાં રાજકીય ચર્ચા અને વિમર્શનું સ્તર સાવ છીછરું થઈ ગયું છે.
અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો- પરિક્ષેત્રો પરના આ વિદ્વાનોના તારામંડળે આપેલી દેશ માટેની નવી આર્થિક રણનીતિ, જો કે દેશના મોભીઓના કાને પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે વડાપ્રધાનના કાનના પરદા આડે એક વધારાનો પરદો છે જેનું નામ મિસ્ટર નિર્મલા સીતારામન છે ! દેશ અત્યારે જે ગંભીર પ્રકારના પડકારો વચ્ચેથી પસાર થઈ રહ્યો છે તેમાં રોજગારી, કિસાન અને પર્યાવરણ મુખ્ય છે. એનું એક કારણ એ છે કે સરકાર કે રાજનેતાઓ આ ત્રણેય બાબતોમાં ફાંફા પણ મારે છે અને અજ્ઞાન છૂપાવે છે.
તેઓ પાસે આ અંગેનું કોઈ જ દિશાભાન કે ઉકેલ નથી, એટલે જે કંઈ કરે છે તે એટલું ઉભડક, ઘડીકનું પ્રાસંગિક અને ઉપરછલ્લું હોય છે કે મૂળભૂત સમસ્યા ત્યાંની ત્યાં રહી જાય છે. ભારતીય અર્થવ્યવસ્થા કેટલાક અનિવાર્ય સુધારાઓની ઉપેક્ષા કરવાને કારણે હવે ભૂલોની મોટી કિંમત ચૂકવવા તરફ આગળ ધપી રહી છે. એક તરફથી સરકાર ડૂબતી બેન્કોને તારવા નીકળી છે તો બીજી તરફ બેન્કોના પડછાયા જેવી ખાનગી નાણાંકીય સંસ્થાઓ પણ ભીડ ભોગવતી થઈ છે. આ ખાનગી સંસ્થાઓનું કામ ઉધાર લઈને ઉધાર આપવા જેવું છે.
આવી કંપનીઓના ઉદ્ધારક કોઈ નથી. જેમ બાંધકામમાં સ્ટ્રક્ચર હોય છે તેમ દેશના અર્થતંત્રમાં પણ માળખું હોય છે. ખાનગી નાણાંકીય કંપનીઓ આવા માળખાનો મહત્ત્વનો ભાગ છે. એ તૂટશે તો વ્યાપક જનસમુદાયને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી એવા એડવાન્સ ફાઇનાન્સના અનેક દરવાજાઓ બંધ થઈ જશે. આપણા દેશમાં પર્યાવરણને હજુ તાત્કાલિક મહત્ત્વના સવાલોમાં સ્થાન આપવામાં આવતું નથી. એનું પરિણામ હવે એ આવશે કે દેશના અર્થતંત્ર પર જ એ ઉદાસીનતાનો સીધો પ્રભાવ પડશે. જો કે પ્રાકૃતિક પ્રકોપના પ્રચ્છન્ન દ્રષ્ટાન્તો અવારનવાર દેખાવા લાગ્યા છે પરંતુ સરકાર દરેક પ્રકોપને કુદરતી કહીને પોતાના દોષમાંથી છટકી જાય છે. કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર કિસાનોને તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય અપાવવામાં હજુ સક્રિય નથી.
આજે જ માર્કેટ યાર્ડમાં રિંગણા 80 રૂપિયે મણ એટલે કે વીસ કિલોના ભાવે ખેડૂત વેચે છે અને એ જ શાક ગૃહિણીના હાથમાં 80 રૂપિયે બે કિલોના ભાવે મળે છે. તો વચ્ચેના અઢાર કિલોનો માલ કોણ ખાઈ જાય છે એ સરકાર સારી રીતે જાણે છે છતાં એ દિશામાં આજ સુધી કોઈ પણ સરકારે કામ કર્યું નથી. આ જ સ્થિતિ વિભિન્ન ખેતપેદાશોમાં પ્રવર્તે છે. ડૉ. રઘુરામ રાજન સહિતના અર્થશાસ્ત્રીઓએ સ્પષ્ટ કહ્યું છે કે, ખાનગી સેક્ટરમાં નોકરીઓની અસ્થિરતા જોઈને દેશનો મોટો યુવા વર્ગ સરકારી નોકરી તરફ ધસારો કરવા લાગ્યો છે અને એ પ્રયત્નમાં એ જિંદગીના મહામૂલા વર્ષો આપે છે. અર્થતંત્રમાં જો સ્થિરતા આવે તો જ ખાનગી નોકરીઓમાં કાર્યકુશળ લોકો અવિચલિત રીતે કામ કરી શકે.
દરેક સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક કસોટીમાં નિષ્ફળ જનારા ઉમેદવારોની સંખ્યા નેવુ ટકાથી ઉપરની હોય છે. હકીકતમાં તેઓ નિષ્ફળ નથી પરંતુ સ્પર્ધાત્મક પરિબળોના કારણે તેઓનો મેરીટમાં સમાવેશ થતો નથી, અને એનું કારણ પણ એક જ છે કે ઉમેદવારોની સંખ્યા વિરાટ છે. આ સ્થિતિને થાળે પાડવા માટે જ અર્થશાસ્ત્રીઓ તમામ ખાનગી સેક્ટરની મજબૂત આર્થિક બુનિયાદ ચાહે છે, જે સમગ્રતયા અર્થતંત્રની સમૃદ્ધિ વિના તો શક્ય નથી. દેશના કૃષિતંત્રની નવરચના તરફ કે જમીન સુધારણા અને માર્કેટિંગ તરફ સરકારે હજુ સુધી ધ્યાન ન આપ્યું હોવાના કારણે કિસાનોના હોઠ પર અનેક પ્રકારની ફરિયાદો રમે છે.