દેશની મેઈન અને ડિજિટલ બન્ને બજારોમાં સકારાત્મક હલચલ છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે નવા વૈશ્વિક અર્થતંત્રમાં ડેટા (માહિતી)નું મહત્વ અત્યારે ક્રૂડ ઓઇલનું જેટલું છે એટલું હશે. ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ ભારતમાં આવનારા પાંચથી સાત વર્ષમાં દસ અબજ ડોલરના રોકાણની જાહેરાત દ્વારા માત્ર ડિજિટલ ક્ષેત્રે થવાનો જયઘોષ કરીને અર્થતંત્રમાં દેશના અર્થતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આવનારા રોકાણોમાંથી આમાંનું અર્ધાથી વધુ 5.7 અબજ ડોલરના રોકાણની જાહેરાત ગૂગલની કંપની ફેસબુકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયરી કંપની જિઓ પ્લેટફોર્મમાં કરી તે પછી તેજીને ટકોરો લાગ્યો હોય તેમ અત્યાર સુધી બીજા 11 વિદેશી રોકાણકારોએ આ કંપનીમાં કર્યું છે. જેમની પાસે માત્ર નાણાં છે તેઓ જેનું મૂલ્ય દસ અબજ ડોલરનું અંકાય છે તે જિઓ પ્લેટફોર્મમાં રોકાણ કરવા દોડ્યા છે તો કેટલાક રોકાણકારો નાણાં અને ટેક્નોલોજી બન્ને ઓફર કરી રહ્યા છે.

વાયરલેસ ટેક્નોલોજીમાં મોટું નામ ધરાવતી અમેરિકન કંપની ક્વૉલકૉમ વેન્ચર્સે રૂ. 730 કરોડના રોકાણ સાથે 0.15 ટકા શેરહિસ્સો મેળવ્યો છે. ક્વૉલકૉમનું રોકાણ અન્ય રોકાણકારોની સરખામણીએ અલ્પ લાગે પણ અંબાણીએ કહ્યું છે કે જિઓ માટે ક્વૉલકૉમની ટેક્નોલોજિકલ જાણકારી અને દીર્ઘદ્રષ્ટિ મહત્વના છે. જિઓ પ્લેટફોર્મ દેશના વિશાળ કૃષિ અને ગ્રાહક ક્ષેત્રે કેટલી મોટી હરણફાળ ભરવા માંગે છે તેનો આ નિર્દેશ છે. “ન્યુ ઇન્ડિયા”નું ડિજિટલ બજાર વધુ રોમાંચક અને વિશાળ બનતું જાય છે.

ભારતના અંદાજે 2.94 લાખ કરોડ ડોલરના અર્થતંત્રમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષેત્રે જંગી રોકાણની વધુ જરૂર છે તો પણ વિદેશી રોકાણકારોએ માળખાકીય અને ઉત્પાદન ક્ષેત્રના વિકલ્પે સર્વિસ ક્ષેત્રના અંગરૂપ ડિજિટલ માર્કેટમાં રોકાણને વધુ મહત્વ આપ્યું છે. ડિજિટલ ક્ષેત્રે રોકાણમાં જોખમ છતાં તેમાં બજારની વૃદ્ધિની વિશાળ શક્યતા તેઓ જોઈ શક્યા છે. ચીનને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનતા 40 વર્ષ લાગી ગયા હતા.ભારતને ડિજિટલ ક્ષેત્રે વૈશ્વિક કેન્દ્ર બનવાના અભરખા નથી કારણ કે તેનું આંતરિક બજાર જ વિશાળ અને રોકાણ પરનું વળતર સારું છે. પ્રમાણ એ છે કે દેશના ટોચના પાંચ ટેક્નોલોજી ફંડે ત્રણ વર્ષમાં 7.07 ટકાથી 12.14 ટકાનું સરેરાશ વળતર મેળવ્યું છે. નાના રોકાણકારો માટે સંપત્તિ સર્જનનો વધુ એક અવસર આવી રહ્યો છે!

ભારતીય અર્થતંત્ર આવનારા થોડા વર્ષમાં પાંચ લાખ કરોડ ડોલરનું થશે. આમાં દેશના વિશાળ બની રહેલા મધ્યમ વર્ગનું અને યુવાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. દેશની 130 કરોડથી વધુની જનસંખ્યાના પચાસ કરોડ લોકો ઓનલાઇન છે અને તેમાંના 45 કરોડ લોકો સ્માર્ટફોન વાપરે છે. પચાસ ટકા પ્રમાણ યુવાઓનું છે જે બહુધા નાણાકીય અને ડિજિટલ રીતે શિક્ષિત છે અને તેમની પોતાની આકાંક્ષાઓ છે. તે તેમના વડીલોની માનસિકતાથી વિપરીત વધુ ખર્ચ કરવામાં માને છે અને માહિતી મેળવવાની ભૂખ વધુ હોવાથી સામાજિક જાગૃતિ વધુ છે. પિચાઈએ નોંધ્યું છે કે દેશમાં હિન્દી અને પ્રાદેશિક ભાષાઓનું ચલણ વધુ છે પરંતુ ટેક્નોલોજીને ભાષાનો અવરોધ નડતો નથી. તેથી ડિજિટલ ટેક્નોલોજીનો કૃષિ, ઉત્પાદન અને વેપાર-ધંધામાં ઉપયોગ વધી રહ્યો છે.

ડિજિટલ ટેક્નોલોજીના વપરાશ વડે દેશની કાયાપલટ કરી શકાય છે અને તે પ્રક્રિયાનો આરંભ થઈ ચુક્યો છે. બીજી બાજુ દેશની મુખ્ય બજારોમાં સકારાત્મક હલચલ દેખાય છે જે એક શુભ સંકેત છે. મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી થવાનું પ્રમાણ પચાસ દિવસોનું થયું છે અને તેમના સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશથી વધીને 70 ટકાએ આવ્યો છે ત્યારે સાનુકૂળ બનતા સંયોગોમાં  મુંબઈની કાપડ બજારો સોમવારથી ફરીથી ખુલી છે. આનાથી વેપારીઓનું મનોબળ વધશે પણ ધંધો હમણાં નહીં વધે. આ માટે તો વેપારીઓએ સ્વયં શિસ્તનું પાલન કરવું પડશે. તેઓ સામાજિક સંસર્ગને ટાળવાના નિયમોનું ચુસ્ત પાલન કરે તો સત્તાવાળા ધીરે ધીરે કાપડના વેપારની સાથે સંકળાયલી ટ્રાન્સપોર્ટ, પાર્સલ, આંગડિયા જેવી પ્રવૃત્તિ ફરીથી શરૂ કરવાની હિંમત કરે. આ તમામ પ્રવૃત્તિ ફરીથી શરૂ થાય નહીં ત્યાં સુધી ધંધો વધે તે શક્ય નહીં હોય.

આ માર્કેટો ફરીથી શરૂ કરવા માટે એશિયાની સૌથી જૂની અને મોટી કાપડ બજાર એમ જે  માર્કેટના પદાધિકારોઓ દ્વારા મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ અસરકારક રજુઆત કરવામાં આવી તે પછી મુંબઈની ચાર મોટી હોલસેલ- એમ જે માર્કેટ, સ્વદેશી માર્કેટ, એલ કે માર્કેટ અને પંકજ માર્કેટ બજારો અને રિટેલ માટેની મંગલદાસ માર્કેટ ફરીથી શરૂ કરવાનું શક્ય બન્યું છે. માર્કેટના પદાધિકારીઓએ દુકાનો શરૂ કરવા માટેની શરતોનું પાલન કરવાની ફરજ વેપારીઓની છે, ખાસ કરીને મંગલદાસ માર્કેટના વેપારીઓની જ્યાં તેમને ત્યાં રિટેલ ઘરાકોને આવવાની પરવાનગી છે.

કાપડના વેપારીઓ કરે સ્વયં શિસ્ત પાલન તેમાં તેમની કસોટી છે. જ્યાં આ શરતનું પાલન યોગ્ય થયું નહીં તે સુરતની હીરા બજાર, કાપડ બજાર ફરીથી બંધ   કરવા પડયા છે. ભિવંડી અને ઇચલકરંજી જેવા મોટા ટેક્સટાઇલ કેન્દ્રોને પણ આ જ કારણસર ફરીથી બંધ કરી પડ્યા છે. મુંબઈના ગારમેન્ટ કારખાનાં પણ બંધ છે. રાજ્ય સરકારે મુંબઈ ”સી” વોર્ડની પાંચ બજારો માર્કેટ પ્લેસમાં આવતી હોવા છતાં તેને ફરીથી શરૂ કરવાની પરવાનગી આપી તેમ માર્કેટ પ્લેસને અને બંધ ગારમેન્ટ કારખાનાને ફરીથી શરૂ કરવાની પરવાનગી વહેલી તકે આપવી જોઈએ. આ માટે વેપારીઓ અને કારખાનાવાળાનો સહકાર પણ એટલો જ જરૂરી છે.