દેશનું જનજીવન પાટે ચડી ગયું છે ને ફરી લોકડાઉનનો ભય સતાવે છે

ભારતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે ને રોજ સવાર પડે ને કંઈક ને કંઈક નવી આપત્તિના એંધાણ વરતાય છે. લોકો પાછાં ફફડાટમાં જીવતાં થઈ ગયાં છે ને કોરોના કરતાં વધારે ફફડાટ લોકોને ફરી લોકડાઉન તો નહીં લદાઈ જાય ને તેનો છે. યોગાનુયોગ ગુરૂવારે જ પહેલી વાર લદાયેલા લોકડાઉનને એક વર્ષ પૂરું થયું ને આપણે ત્યાં જ આવીને પાછા ઊભા રહી ગયા છીએ કે જ્યાં એક વર્ષ પહેલાં હતા. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 માર્ચે રાષ્ટ્રજોગ સંબોધન કરીને દેશ પર તોળાઈ રહેલા કોરોનાના ખતરા વિશે લોકોને સાવચેત કરેલા ને આ ખતરાને પહોંચી વળવા એક દિવસ પછી એટલે કે 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી નાખેલી.

ભારતમાં એ વખતે લોકડાઉન શબ્દ નવોસવો હતો ને લોકોને બહુ આકર્ષક લાગતો હતો. કોરોનાનો ખતરો નવોસવો હતો ને દુનિયાના ઘણા બધા દેશોમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન લદાયું પણ હતું. આ કારણે મોદીએ પણ દુનિયાની સાથે ચાલવા માટે લોકડાઉન લાદી દીધું એવું સૌને લાગતું હતું. આપણે ત્યાં કોરોનાનો કેર કેટલો હતો એ રામ જાણે પણ એટલા બધા કેસ બહાર આવ્યા નહોતા. દુશ્મનને ઉગતો ડામવો સારો એમ માનીને મોદીએ કોરોનાને ડામવા માટે લોકડાઉન લાદીને સારું કર્યું એમ માનીને લોકોએ મોદીની વાતને વધાવી લીધી હતી.

મોદીએ લોકડાઉન લાદતાં પહેલાં એક દિવસનો જનતા કરફ્યૂ પાળવાની લોકોને અપીલ કરેલી ને તેને પણ લોકોએ વધાવીને અભૂતપૂર્વ બંધ પાળેલો. લોકડાઉનની મોદીની અપીલને પણ એ રીતે જ લોકોએ વધાવી લીધી હતી ને 21 દિવસના પહેલા લોકડાઉનને સ્વૈચ્છિક રીતે જ લોકોએ અપનાવી લીધું હતું. મોદીએ ગયા વરસે ૨૫ માર્ચથી પહેલી વાર લાદેલા લોકડાઉનને ગુરૂવારે એક વરસ પૂરું થઈ ગયું ને આ વખતે માહોલ સાવ અલગ છે. આ વખતે લોકોને કોરોનાની એટલી ચિંતા નથી જેટલી ચિંતા લોકડાઉનની છે. ને વાસ્તવમાં તો લોકો પ્રાર્થના કરી રહ્યાં છે કે, હવે ફરી લોકડાઉન ના લદાય તો સારું. કોરોનાના કારણે થોડું ઘણું સહન કરવું પડશે તો કરી લઈશું પણ લોકડાઉન સહન કરવાની તૈયારી જરાય નથી એવી લોકોની માનસિકતા છે.

યોગાનુયોગ ગયા વરસે માર્ચ મહિનામાં હતો એવો જ માહોલ અત્યારે દેશમાં છે. ફરી કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા છે ને ફરી આપણે કોરોનાની લપેટમાં તો નહીં આવી જઈએ ને તેની ચિંતામાં લોકો ફફડતા દિલે જીવી રહ્યાં છે પણ તેના કરતાં લોકડાઉનનો ફફડાટ લોકોને વધારે છે ને આ સ્થિતિ કેમ છે એ વિશે આપણે વિચાર કરવો જોઈએ. એક વરસ પહેલાં મોદીના લોકડાઉનના વિચારને વધાવી લેનારાં લોકો અત્યારે મોદી લોકડાઉન ન લાદે એવું કેમ કહી રહ્યાં છે એ સમજવા જેવું છે. બલ્કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગની ને બીજી સલાહોને પણ ગણકારતાં નથી ને મનમાની કરી રહ્યાં છે. ઘણાંને લોકોની આ લાગણી સ્વાર્થવૃત્તિ લાગે છે પણ લોકો આ બધું આપણા રાજકારણીઓએ પાસેથી જ શીખે છે. યથા રાજા, તથા પ્રજા.

લોકોની આ લાગણીનું કારણ દેશના તમામ રાજકારણીઓનાં ડબલ સ્ટાન્ડર્ડ અને નરી સ્વાર્થવૃત્તિ છે. આ સ્વાર્થવૃત્તિ પહેલી વાર લોકડાઉન લદાયું ત્યારે પણ હતી પણ લોકોએ મોટું મન રાખીને દેશના હિતમાં તેની અવગણના કરી હતી. ભારતમાં 2020 ના ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. ફેબ્રુઆરી મહિનામાં જ નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ દોસ્તાર ને હવે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બની ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પને પોંખવા માટે અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’નો કાર્યક્રમ કરવો પડે એટલે કર્યો હતો.

જો કે એ વખતે દુનિયામાં બધે આ જ હાલત હતી તેથી લોકોએ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને ગણકાર્યો નહોતો. આ કારણે જ મોદીએ એક દિવસ માટે જનતા કરફ્યૂની અપીલ કરી ત્યારે લોકોએ મોદીની અપીલને વધાવીને સ્વૈચ્છિક જનતા કરફ્યૂ પાળ્યો હતો. તેનાથી પોરસાઈને મોદીએ 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી નાખેલી. એ વખતે લોકોને લાગેલું ને એ હકીકત હતી કે, આ લોકડાઉન મોદીએ દેશને બચાવવા માટે નિ:સ્વાર્થ ભાવે લાદ્યું છે તેથી લોકોએ તેને આવકારેલું.

લોકડાઉનના એક વરસના અનુભવ ને એ પછી રાજકારણીઓના વર્તને લોકોને અહેસાસ કરાવ્યો કે, આપણે બહુ મોટા ભ્રમમાં છીએ. મોદીને તો પોતે લોકડાઉન લાદીને કોરોનાને કાબૂમા લાવી દીધો હતો તેથી લોકડાઉન લાદેલું. લોકડાઉનના કારણે આપણે અભૂતપૂર્વ તકલીફો વેઠી ને જીદંગીમાં કદી ના ભોગવી હોય એવી ભિખારી જેવી સ્થિતિમાં જીવ્યા એ કુદરતી આપત્તિ જ હતી. દેશના ઈતિહાસમાં કદી આવી સ્થિતિ નહીં સર્જાઈ હોય. લોકો પાસે બધું હોય ને છતાં કશું ભોગવી ન શકાય, કામનો ઢગ ખડકાયેલો હોય ને છતાં કામ પર ન જઈ શકાય, કશું કર્યા વિના ફરજિયાત ઘરમાં પૂરાઈને રહેવું પડે એવી સ્થિતિ લોકોએ પહેલી વાર જોઈ. લોકો એક આઝાદ દેશમાં ગુલામની જેમ જીવતાં થઈ ગયાં, પોતાનાં જ ઘરોમાં કેદીની જેમ રહેતાં થઈ ગયાં. લોકોએ આ બધું દેશના હિતમાં, દેશવાસીઓના હિતમાં ભોગવ્યું ને સહન કર્યું પણ રાજકારણીઓ તો કશું સહન કરવા તૈયાર જ નથી.

આપણા રાજકારણીઓ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની ને બીજી બધી સલાહનો મારો ચલાવે છે પણ પોતે તો તેનું પાલન કરતા નથી. એ લોકો માટે પોતાનો સ્વાર્થ, પોતાની સત્તા વધારે મહત્ત્વની છે. આ સત્તાલાલસા માટે એ લોકો દેશમાં ક્યાંક ને ક્યાં ચૂંટણીના તાયફા કરાવ્યા જ કરે છે. તેના કારણે કોરોના ફરી વકર્યો તો તેની તેમને ચિંતા જ નથી. મોદી હોય કે રાહુલ ગાંધી હોય, કોઈ રાજકારણી એવું કહેતો નથી કે, ચૂંટણીના કારણે કોરોના વકર્યો છે તો અમે ચૂંટણીથી દૂર રહીને ઓનલાઈન પ્રચાર કરીશું. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સૂફિયાણી સલાહો આપનારા નેતા પોતે લાખોની મેદની ભેગી કરીને સભાઓ કરે છે. રોડ શો કરે છે ને બધું જ કરે છે. તેના કારણે લોકો મરી રહ્યાં છે કે યાતના ભોગવી રહ્યાં છે તેની તેમને કોઈ ચિંતા જ નથી. હવે રાજકારણીઓને લોકોની ચિંતા ના હોય તો લોકો તેમની વાત શું કરવા માને?

બીજું એ પણ છે કે, લોકડાઉનના પહેલી વારના અનુભવે લોકોને સમજાવ્યું છે કે, લોકડાઉન તેમના હિતમાં નથી. આ દેશના લોકોને લોકડાઉનના કારણે જોરદાર આર્થિક ફટકો તો પડ્યો જ પણ માનસિક રીતે પણ લોકો નંખાઈ ગયાં. સતત અઢી મહિનાના સંપૂર્ણ લોકડાઉન અને પછી પણ જાત જાતનાં નિયંત્રણોના કારણે ભોગવવી પડેલી માનસિક યાતનાએ લોકોને માનસિક રીતે ત્રસ્ત કરી નાખ્યાં છે. લોકડાઉનના કારણે કોરોના કાબૂમાં આવી ગયો હોય તો પણ સમજ્યા પણ એવું તો થયું નથી. પહેલી વાર લોકડાઉન લદાયું ત્યારે દેશમાં કોરોનાના માંડ 500 કેસ હતા ને 50 જણનાં મોત થયેલાં. અત્યારે કોરોનાના દર્દીઓનો આંકડો સવા કરોડને આસપાસ પહોંચી ગયો છે ને મોતનો આંકડો દોઢ લાખથી વધુ છે. લોકડાઉન ને જાતજાતનાં નિયંત્રણો પછી પણ કોઈ ફરક પડ્યો નથી તેથી લોકો લોકડાઉનની યાતના ફરી ભોગવવા નથી માગતાં.

લોકડાઉન દેશના હિતમાં પણ નથી. દેશમાં અર્થતંત્રની ગાડી માંડ માડ પાટા પર ચડવા માંડી છે ત્યારે ફરી લોકડાઉનની બ્રેક મારીને તેને ખોરવી નાખવી એ મૂર્ખામી ગણાય. કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી તેને કાબૂમાં લેવા માટે નિયંત્રણ જરૂરી છે પણ લોકડાઉન કોઈ રીતે અસરકારક ઉપાય નથી એ આપણે અઢી મહિનાના સંપૂર્ણ લોકડાઉનમાંથી શીખ્યા છીએ. બહુ આકરી કિંમત ચૂકવીને આ બોધપાઠ આપણે શીખ્યા છીએ ને લોકોની ફરી એવી આકરી કિંમત ચૂકવવાની તૈયારી નથી. લોકો સાચાં પણ છે એવું છેલ્લા એક વરસનો અનુભવ કહે છે. મોદી સરકાર શું કરશે એ ખબર નથી પણ લોકડાઉન બિલકુલ ન લાદવું જોઈએ તેમાં બેમત નથી. કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એ રાજ્યોમાં નિયંત્રણો લદાય, અલગ નીતિ કે વ્યૂહરચના બનાવાય પણ તેને માટે દેશનાં કરોડો લોકોને દંડવાની જરૂર નથી. દેશવ્યાપી લોકડાઉન લાદવાની પણ જરૂર નથી.