દેશનું ન્યાયતંત્ર હવે ચૂંટણી પંચને અપરાધી માની એના પર ખિન્ન છે

ભારતમાં જ નહિ પણ આમ તો આખા એશિયામાં રાજકારણીઓ સાવ સ્વાર્થી અને સત્તાલાલચું સાબિત થયા છે. દેશમાં કોરોનાની સ્થિતિ ભયંકર બની ચૂકી છે અને હવે પછી શું થશે તેની કોઈને ખબર પડતી નથી. લોકો સારવાર અને ક્સિજન જેવી પાયાની જરૂરિયાતોના અભાવે મરી રહ્યા છે ત્યારે રાજકારણીઓ પોતાની સત્તાલાલસા સંતોષવા માટે ચૂંટણીના તમાશા કરવામાં વ્યસ્ત છે. આ તમાશા રોકવાની જેની ફરજ છે એ ચૂંટણીપંચ ધૃતરાષ્ટ્ર બનીને બેસી ગયું છે. ચૂંટણીપંચે રાજકારણીઓની સ્વાર્થીવૃત્તિ સામે આંખ આડા કાન જ નથી કર્યા પણ તેમની સામે સાવ શરણાગતિ સ્વીકારીને આ દેશનાં લોકોની તકલીફો વધારવામાં મોટું યોગદાન પણ આપ્યું છે ત્યારે ન્યાયતંત્ર હજુ અડીખમ છે. એમાં એક રીતે જુઓ તો ભાજપ સરકારનો વાંક એટલે નથી કે આટલી હદે ઓક્સિજનની જરુર પડશે એની તો કલ્પના જ ન હતી.
ન્યાયતંત્રે કોરોનાકાળમાં સ્યુઓ મોટો એટલે કે પોતાની રીતે લોકોની તકલીફોની નોંધ લઈને કેન્દ્ર સરકાર અને રાજ્યો સરકારોને માત્ર ઝાટકી જ નથી પણ તેમને લોકોની ભલાઈ માટેનાં કામ કરવાની ફરજ પણ પાડી છે. સાથે સાથે દેશની લોકશાહીની રક્ષા માટે પણ અડગતા બતાવી છે. દેશની સંખ્યાબંધ હાઈ કોર્ટે આ કપરા કાળમાં લોકોતરફી વલણ બતાવીને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્ર્વાસ અડીખમ રહે એવું વલણ બતાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતે પણ જરૂર લાગી ત્યાં લાલ આંખ કરીને દેશનાં લોકોની તકલીફો બને એટલી ઓછી કરવા પ્રયત્ન કર્યા છે ને સાથે સાથે લોકોની ભલાઈ માટે મથી રહેલી હાઈ કોર્ટ ને મીડિયાની પીઠ થાબડીને તેમને પણ પ્રોત્સાહન આપ્યું જ છે. મદ્રાસ હાઈ કોર્ટે દેશમાં ચૂંટણીઓ કરાવીને કોરોના ફેલાવવા બદલ ચૂંટણીપંચને ઝાટક્યું તેની સામે સુપ્રીમ કોર્ટમાં દોડી ગયેલા પંચના અધિકારીઓને સુપ્રીમ કોર્ટે તતડાવી નાંખ્યા એ સુપ્રીમ કોર્ટના પ્રજાતરફી અને લોકશાહીવાદી વલણનો તાજો પરચો છે.
મદ્રાસ હાઈ કોર્ટે ગયા અઠવાડિયે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણીપંચને સીધું જવાબદાર ગણાવીને તેનાં છોતરાં ફાડી નાંખતી કોમેન્ટસ કરી હતી. મદ્રાસ હાઈ કોર્ટે કહ્યું હતું કે, કોવિડની બીજી લહેર માટે ચૂંટણીપંચ એકલું જવાબદાર છે અને આ અપરાધ માટે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ ઠોકી દેવો જોઈએ. હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સંદીબ બેનરજીએ તો વેધક સવાલ કરેલો કે, ચૂંટણી સભાઓમાં હકડેઠઠ ભીડ જામતી હતી ત્યારે તમે બીજા ગ્રહ પર જતા રહેલા કે શું? હાઈ કોર્ટે લોકોના સ્વાસ્થ્યને સૌથી મહત્ત્વનું ગણાવીને પંચના બરાબરનો ઉઘડો લીધો હતો. પશ્ર્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત દેશનાં પાંચ રાજ્યોમાં મતગણતરી બાકી હતી એ પહેલાં હાઈ કોર્ટે ચૂંટણીપંચનો દાવ લીધેલો ને ચીમકી આપેલી કે, કોરોનાનું સંક્રમણ રોકવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર નહીં હોય તો રવિવારે મતગણતરી પણ નહીં થવા દઈએ.
હાઈ કોર્ટે ખરેખર આકરું વલણ લીધેલું ને મીડિયાએ આ ટિપ્પણીઓનું બરાબર રિપોર્ટિંગ કર્યું. છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણીપંચના અધિકારીઓનો મીડિયામાં ક્લાસ ચાલી રહ્યો છે. ચૂંટણીપંચના અધિકારીઓને મદ્રાસ હાઈ કોર્ટની ટીકાથી બરાબર લાગી આવેલું પણ હાઈ કોર્ટને તો શું કહી શકાય? ને હાઈકોર્ટમાંથી તો તીર છૂટી ગયું એટલે એ તો પાછું ના જાય તેથી તેમણે મીડિયા પર ખાર કાઢ્યો. ચૂંટણીપંચે મીડિયા મદ્રાસ હાઈ કોર્ટની ટીકા સામે થઈ રહેલા મીડિયા રિપોર્ટિંગ સામે સુપ્રીમ કોર્ટમાં રાવ નાંખીને આજીજી કરી કે, કોર્ટની કાર્યવાહીને લગતી બાબતોમાં રિપોર્ટિંગ કરવાથી મીડિયાને દૂર રાખવામાં આવે.
ચૂંટણીપંચના અધિકારીઓને હત્યારા ગણાવાયા તેની સામે વાંધો હતો. સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને આકરી ગણાવી છે પણ બિનજરૂરી નથી ગણાવી. સુનાવણી દરમિયાન કોર્ટ જે પણ અવલોકન કરે કે ટીકા કરે એ મીડિયા છાપી જ શકે એવો સ્પષ્ટ મત સુપ્રીમ કોર્ટે વ્યક્ત કર્યો ને સાથે સાથે એ પણ કહ્યું કે, ચુકાદાનો ભાગ ના હોય એવી કોઈ પણ ટિપ્પણીનું ખોટું અર્થઘટન થવાની શક્યતા છે જ પણ તેના કારણે મીડિયાને રિપોર્ટિંગ કરવાથી રોકી ના શકાય. સાથે સાથે હાઈ કોર્ટને પણ આ પ્રકારની ટીપ્પણીઓ કરતાં ના રોકી શકાય. હાઈ કોર્ટ ચૂંટણીપંચને ટોણો પણ માર્યો છે કે, બંધારણીય સત્તામંડળો મીડિયાને દૂર કરવાની વાતો ને ફરિયાદો કરવાના બદલે ઘણાં સારાં કામો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે બીજી પણ ઘણી ટિપ્પણી કરી છે ને એ બધી વાત કરી શકાય તેમ નથી પણ વાતનો સાર એ છે કે, મીડિયા અને હાઈ કોર્ટ બંને સ્વતંત્ર રીતે કામ કરે છે ને કરશે.
સુપ્રીમ કોર્ટે મીડિયાની સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારના નિયંત્રણનો સ્પષ્ટ ઈનકાર કરીને લોકશાહીની રક્ષક તરીકેની ફરજ બજાવીને તંદુરસ્ત પરંપરાને આગળ ધપાવી છે એ બદલ ગર્વ થવો જોઈએ. અત્યારે બધે ઠોકશાહી ચાલે છે ત્યારે ન્યાયતંત્ર અડીખમ છે એ ગર્વની વાત છે. એટલી જ મહત્ત્વની વાત સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટને પડખે ઊભી રહી એ છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈ કોર્ટની ટીકાને આકરી ગણાવી છે અને હાઈકોર્ટે અનુચિત રૂપકનો પ્રયોગ કર્યો છે, અનુચિત સરખામણી કરી છે એવું કહ્યું છે પણ ટીકાને અયોગ્ય નથી ગણાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ન્યાયતંત્રે સંયમ બતાવવાની જરૂર હતી પણ હાઈકોર્ટે અયોગ્ય ટીકા કરી છે એવું કહ્યું નથી. હાઈ કોર્ટે કહેલું કે, કોવિડની બીજી લહેર માટે ચૂંટણીપંચ એકલું જવાબદાર છે અને આ અપરાધ માટે ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ ઠોકી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટની ટિપ્પણી માટે “હાર્શ એન્ડ મેટાફોર ઈમ્પ્રોપર’ શબ્દો વાપર્યા છે ને તેનો અર્થ એ થાય કે, હાઈ કોર્ટે ચૂંટણીપંચની હત્યાને સમકક્ષ ગણાવી દીધી એટલા આકરા થવાની જરૂર નહોતી.
સુપ્રીમ કોર્ટે ન્યાયિક બાબતમાં સર્વોપરિ છે અને ન્યાયતંત્રની ગરિમા જાળવવાનું તેનું કામ છે. નીચલી અદાલતો ભાવાવેશમાં કશું કહી દે તો તેમનો કાન આમળવાનું કામ પણ સુપ્રીમ કોર્ટ કરે જ. એ તેનો અધિકાર છે ને તેની વાતને ગંભીરતાથી લેવી જોઈએ. આ સંદર્ભમાં મદ્રાસ હાઈ કોર્ટની ટિપ્પણી વિશે સુપ્રીમ કોર્ટે જે કંઈ કહ્યું એ બિલકુલ ઉચિત છે. હાઈ કોર્ટના જજે પંચના અધિકારીઓ સામે હત્યાનો કેસ ઠોકી દેવાની વાત કરી એવા આકરા શબ્દો વાપરવાની જરૂર નહોતી એ મુદ્દે સુપ્રીમ કોર્ટની વાત સામે વાંધો લેવો કે નહીં તે માનવા કોઈ કારણ નથી. ન્યાયતંત્રે સંયમથી વર્તવાનું જ હોય ને એ સંયમથી ના વર્તે તો તેને રોકવાની ફરજ પણ સુપ્રીમ કોર્ટે બજાવવાની હોય. સુપ્રીમ કોર્ટે એ ફરજ બજાવી છે પણ આ આકરા શબ્દોને બાદ કરતાં હાઈ કોર્ટે પંચની કામગીરી મુદ્દે જે કંઈ કહ્યું તેને પૂરો ટેકો આપ્યો છે. મદ્રાસ હાઈ કોર્ટ સહિતની બીજી હાઈ કોર્ટે કોરોના કાળમાં લોકોના પ્રશ્ર્નો ઉઠાવ્યા એ બદલ તેમની પીઠ પણ થાબડી છે.
સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું વલણ લીધું કેમ કે ચૂંટણીપંચ સીધેસીધું દોષિત છે. સુપ્રીમ કોર્ટની એ વાત સાચી છે જ કે, પંચ ફરિયાદો કરવાના બદલે ઘણાં સારાં કામ કરી શકે. સુપ્રીમે આ કોમેન્ટ કરવી પડે છે કેમ કે પંચે તેની ફરજ બજાવી નથી ને લોકોનું નુકસાન કર્યું છે. આપણે ત્યાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા ચૂંટણીઓના તમાશાના કારણે દેશની કેવી અવદશા થઈ છે એ આજ દુનિયાની નજર સામે છે. ગયા વરસના નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારથી શરૂ થયેલા તમાશાના કારણે કોરોનાની બીજી લહેર આવી ને લોકો બરબાદ થઈ ગયાં.
ભારતમાં ચૂંટણીપંચ સ્વાયત્ત છે અને ક્યારે ચૂંટણી કરવી એ નક્કી કરવાનો તેને પૂરો અધિકાર છે. ચૂંટણીપંચ સત્તાધીશોનું તાબેદાર નથી એ જોતાં પંચે ધાર્યું હોત તો ચૂંટણીના તમાશા રોકવા તેના હાથમાં જ હતું. ચૂંટણીપંચે ખોંખારીને કહી દીધું હોત કે, દેશમાં કોરોનાનો કેર હજુ પૂરો શમ્યો નથી ને લોકો તકલીફમાં છે એવા માહોલમાં ચૂંટણી કરી શકાય તેમ નથી તો કોઈની તાકાત નહોતી કે ચૂંટણીપંચ સામે બોલી શકે. બિહારમાં નવેમ્બરમાં ચૂંટણી થયેલી ત્યારે કદાચ સ્થિતિ એટલી ખરાબ નહોતી એવું સરકારનું વલણ છે ને એ સ્વીકારીએ તો પણ પશ્ર્ચિમ બંગાળ સહિતનાં પાંચ રાજ્યોની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈ ત્યારે તો હાલત બગડી જ ગઈ હતી. ચૂંટણીપંચે ત્યારે પાવર ના બતાવ્યો તેમાં દેશની હાલત બગડી તેથી પંચ લાતો ખાવાને લાયક જ છે. ચૂંટણીપંચ મીડિયાને રોકવાના જે ઉધામા કરે છે એ પણ શરમજનક છે.