દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્રના લાલ મરચાંની આવક જેતપુર યાર્ડમાં શરૂ થઇ

દેશભરમાં પ્રખ્યાત સૌરાષ્ટ્રના લાલ મરચાંની આવક યાર્ડમાં શરૂ થઇ ગઈ છે અને ખેડૂતોને ગત વર્ષ કરતા શરૂઆતમાં જ સારા ભાવ સાથે મરચાનું વેચાણ શરૂ થઇ ગયું છે અને ખેડૂતોને ખૂબ સારો ભાવ મળી રહૃાો છે. સાથે સાથે આ વર્ષે વધુ ભાવ રહેવાની શક્યતાએ મરચા ગૃહિણીના રસોડાની તીખાશ પણ વધારશે. રાષ્ટ્રમાં પાકતા રેશમ પટ્ટો અને અન્ય મરચાઓની દેશભરમાં ખૂબ જ માગ રહે છે અને હાલ તેની સીઝન શરુ થઇ ગઈ છે, જેમાં આ મરચાની ગોંડલ અને જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઇ ચૂકી છે. જેમાં રેશમ પટ્ટો અને ચનિયા મરચાની ધૂમ આવક શરૂ થઇ ચૂકી છે.

યાર્ડ લાલ ચટાક રંગના મરચા અને તીખી તીખી સુગંધથી ભરાઈ ગયા છે. સ્વાદમાં અને સુગંધમાં પ્રખ્યાત એવા મરચાની ખરીદૃી કરવા માટે રાજસ્થાની વેપારીઓની ખરીદી શરૂ થઇ છે અને રોજે અહીંથી ૨૦૦ ભારીનું વેચાણ થઇ રહૃાું છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષની શરૂઆતમાં ૨૨૦૦ થી ૨૮૦૦ રૂપિયા ૨૦ કિલોથી વેચાણ થઇ રહૃાું છે. ગત વર્ષની શરૂઆતમાં ભાવ ૧૫૦૦ રૂપિયા હતા, જે આ વર્ષે ૫૦૦ થી વધુ મળ્યા હતા. હજી તો મરચાની સીઝન શરૂ થઇ છે અને શરૂઆતમાં ભાવ વધારે મળી રહૃાા છે, અને મસાલાની સીઝન શરૂ થાય ત્યારે આ ભાવ વધશે તે ચોક્કસ છે. જેતપુરના મરચાના વેપારી દિનેશ પટેલે જણાવ્યું કે,

આ વર્ષે ગોંડલ જેતપુરની આસપાસના વિસ્તારોમાં મરચાનું વાવેતર ગત વર્ષ કરતા ૧૮ થી ૨૨% વધુ થયો છે. જેમાં સ્વાદ સુગંધ અને તીખાશમાં પ્રખ્યાત રેશમ પટ્ટો મરચા અને ચનિયા મરચાનું વાવેતર મુખ્ય છે અને જેનો પાક આ વર્ષે થોડો વહેલો આવી ગયો છે અને ખેડૂતો પણ પાકનો ભાવ વધારે મળતા ખુશખુશાલ છે. કારણ કે, તેઓને ગત વર્ષની સરખામણીએ ૫૦૦ રૂપિયા મણના વધારે મળી રહૃાા છે અને આવતા દિવસોમાં આ ભાવ ૩૫૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા સુધી જવાના છે.